<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd July 2024

વિસાવદરનો ધ્રાફડ ડેમ પણ ઓવરફલો, બે દરવાજા ખોલાયા

જૂનાગઢમાં મોડી રાત્રે વરસાદી કહેર, અનેક વિસ્‍તારોમાં પાણી ભરાયા : અંડર બ્રિજમાં પાણી ભરાતા વાહનો ફસાયા

(વિનુ જોશી દ્વારા)  જુનાગઢ, તા. ,૨: જૂનાગઢમાં મોડી રાત્રે વરસાદી કહેર જોવા મળ્‍યો હતો જેના પરિણામે શહેરના અનેક વિસ્‍તારોમાં પાણી ભરાઇ ગયા હતા.

મોડી રાત્રે જુનાગઢ સહિતના આસપાસના વિસ્‍તારોમાં મેઘ તાંડવ સર્જાયું હતું. મેઘરાજા ધોધમાર રીતે તૂટી પડતા રાજલક્ષ્મી સોસાયટી સુર સંગમ રેસીડેન્‍સી સહિતના વિસ્‍તારોમાં પાણી ભરાઈ ગયા હતા તેના પરિણામે લોકો મુશ્‍કેલીમાં મુકાઈ ગયા હતા.

બીજી તરફ ઝાંઝરડા અંડર બ્રિજમાં પણ પાણી ભરાઈ જતા વાહનો ફસાઈ ગયા હતા. ધારાસભ્‍યનો વિસ્‍તાર પાણીથી લથપથ લોકોમાં રોષ ફાટી નીકળ્‍યો હતો.

જુનાગઢ શહેરની સાથે સાથે ગિરનાર પર્વતો ઉપર પણ ધોધમાર વરસાદ થયો હતો. ગિરનારની સીડી ઉપરથી ધોધની માફક પાણી વહેતા જોવા મળ્‍યા હતા. પગથિયા પર પાણીનો જોરદાર ઙ્કવાહો રહેવા છતાં યાત્રિકોએ તેમની યાત્રા અને ડોળીવાળાઓએ તેમની સેવા યથાવત રાખી હતી. ગિરનાર પર્વત ઉપરથી પાણીના ઝરણાં વહેતા થઈ જતા સુંદર દ્રશ્‍યો જોવા મળ્‍યા હતા.

રાત્રિના ઉંદરાધાર વરસાદથી દામોદર કુંડમાં પાણીની આવકમાં વધારો થયો હતો અને દામોદર કુંડનું રૌદ્ર સ્‍વરૂપ જોવા મળ્‍યું હતું. આ સાથે કાળવા નદીમાં પણ ઘોડાપૂર આવતા લોકોના જીવ તાળવે ચોટી ગયા હતા.

શહેરની મધ્‍યમાં આવેલ નરસિંહ મહેતા સરોવર ફ્‌લો થતાં સુંદર દ્રશ્‍ય સર્જાયું હતું. ઉપરવાસમાં થયેલા વરસાદના પગલે તળાવમાં નવા નીરની આવક થતા નરસિંહ મહેતા સરોવર નીચે આવતા વિસ્‍તારોના પાણીના તળ ઊંચા આવવાનું શરૂ થઈ ગયું છે.

જુનાગઢ શહેરને પીવાનું પાણી પૂરું પડતો વિલીંગ્‍ડન તથા આણંદપુર ડેમ ઓવરફ્‌લો થયો છે પરંતુ વિલીંગ્‍ડન ડેમમાં કેટલા યુવાનો મોતની છલાંગ જોવા મળ્‍યા હતા જેને લઈને ડેમની સુરક્ષા પર અનેક સવાલ ઉપસ્‍થિત થયા છે.

સતત વરસાદના પગલે જુનાગઢ જિલ્લાના ૯ થી વધુ ડેમ ઓવરફ્‌લો થયા છે. આ સાથે વિસાવદર વિસ્‍તારનો ધ્રાફડ ડેમ પણ ઓવરફ્‌લો થતાં ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ છે. ડેમનું રુલ લેવલ જાળવવા માટે બે દરવાજા ખોલવામાં આવ્‍યા હતા જેના પરિણામે ડેમની નીચે આવતા ગામોના લોકોને સાવચેત કરવામાં આવ્‍યા હતા. અને નદી ના પટ વિસ્‍તારમાં નહીં જવા લોકોને સૂચના આપવામાં આવી હતી.૯૦૦૦ પાણીની આવક થતા અને તેની સાથે ડેમ ઓવરફ્‌લો થવાથી શ્રીફળ વધેરી નવા નીરને વધારવામાં આવ્‍યા હતા.

(2:11 PM IST)