News of Tuesday, 2nd July 2024
ખંભાળીયામાં ૯ ઇંચ વરસાદથી પાણી-પાણીઃ વિજવાયરો- વૃક્ષો તુટી પડયા
જામદેવળીયા- હર્ષદ વચ્ચેનો રસ્તો બંધઃ ભાટીયા- ભોગાત રોડ ઉપર પાણી ફરી વળ્યાઃ લાંબા ગામમાં ઘરમાં પાણી ઘુસ્યાઃ પિતા-પુત્રીનો બચાવ

(કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.રઃ દેવભુમિ દ્વારકાના ખંભાળીયામાં કાલે સવારથી રાત્રિ સુધીમાં નવ ઇંચ જેટલો ભારે વરસાદ પડયો હતો. જોકે સાંજના ભારે પવન અને વિજળી સાથેનો વરસાદ પડતા દ્વારકા નાકા પાસે એલ.સી.બી. કચેરી પાસે આવેલા બે ટ્રાંન્સફોર્મર પર વીજળી પડતા ટ્રાંસફોર્મર બળી ગયા હોય વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો તો માંડવી ટીંબા પાસે એક મોટું ઝાડ પડતા ત્યાં પણ વીજ વાયરો તુટયા હતા તો ત્રણેક સ્થળે વાયરો તુટવાની ઘટનાઓ બનતા વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો.
પી.જી.વી.સી.એલના શહેર ડે- ઇજનેરશ્રી પંડયા દ્વારા ટીમો ગોઠવીને રાત્રે ઝરમર વરસતા વરસાદમાં પણ વીજ પોલ પર કર્મચારીઓએ ચડીને ટ્રાંસફોર્મર ફેલ સિવાયના વિસ્તારોનો વીજ પુરવઠો પૂર્વતત કર્યો હતો.
સલાયા પાસેના ગોઇજ તરફથી બારા તરફ જતાં રસ્તા પર પાંચ કોઝવે પર પાણી ફરી વળતા આ રસ્તો બંધ થઇ ગયો હતો તથા ઘી તેલી નદીમાં પુર આવતા વિશાળ પાણીની આવક થતાં આ કોઝવે ઉપરથી પુર નીકળતા હોય લોકો આ રસ્તા પર વાહનો ચલાવવાનું દુસાહસ ના કરે તે માટે સલાયા પોલીસ દ્વારા રસ્તો બંધ કરીને ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.
કલ્યાણપુર તાલુકાના રાવલખ પાસેના સાની ડેમ વિસ્તારમાં બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ પડતા ભારે વરસાદથી તથા સાની ડેમ હજુ બનતો હોય તેની દિવાલો પાળા સુધી પાણી પહોંચી પછી છલકતાં રાજપરાથી રાવળ સુર્યાવદરને જોડતો રસ્તો બંધ થઇ ગયો હતો.
કલ્યાણપુર જામદેવળિયા વિસ્તારમાં ભારે વરસાદથી પુર આવતા જામદેવળીયા ગામથી આગળ પુલ પર હર્ષદ જતાં રસ્તા પર ગાબડુ પડતાં તથા ખુબ ઉપરથી મોટા પ્રમાણમાં પાણી નીકળતા આ રસ્તો બંધ થયો હતો.
જામરાવળ તથા લાંબા વિસ્તારમાં અનેક સ્થળે પાણી ભરાતા દ્વારકા ડે.કલેકટર શ્રી ભગોરાના માર્ગદર્શન હેઠળ કલ્યાણપુર મામલતદાર તથા ટી.ડી.ઓ દ્વારા જામરાવળ તથા લાંબા વિસ્તારમાં પુર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઇને પાણીના વહેતાને નડતરરૂપ દીવાલો દબાણો તુરત જ દુર કર્યા હતા. જયારે ખંભાળીયામાં ચિફ ઓફિસર ભરતભાઇ વ્યાસની આગેવાનીમાં પાણી નિકાલની વ્યવસ્થા કરાઇ હતી.
કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે સાત ઇંચ થી વધુ વરસાદ પડતા એક પરિવારના ઘરમાં ગળા સુધી પાણી ભરાયું હતું. તથા પુરમાં તેમની ઘરવખરી પણ તણાઇ ગઇ હતી. તથા પિતા-પુત્રી પાણીમાં તણાતા ગ્રામજન્યોએ ભેગા થઇને માનવ સાંકળ તથા દોરડાની મદદથી આ પિતા-પુત્રીનો જીવ બચાવ્યો હતો. લાંબામાં અનેક વિસ્તારોમાં ઘર દુકાનોમાં પાણી ઘુસી ગયા હતા.
ખંભાળીયામાં ૨૨૯ મીમી એટલે કે નવ ઇંચ ઉપરાંત વરસાદ પડવાની સાથે મોસમનો કુલ વરસાદ ૨૭ ઇંચ થયો છે. જોકે કેટલાક વર્ષોથી ખંભાળીયા પંથકમાં ૫૦/૬૦ ઇંચ વરસાદ પડતો હોય આ તો હજુ મોસમનો અડધો વરસાદ જ થયો છે.
કલ્યાણપુર ભાણવડ વિસ્તારમાં આવેલા ડેમોમાં ભારે તથા ધીમી ધારના વરસાદથી નવા પાણીની આવક ચાલુ થઇ છે. ઘી ડેમમાં પાણીના શ્રીગણેશ થયા છે તો સિંહણ ડેમ, સેઢા ભાડથરી, ગઢકી, વર્તુ સહિતના ડેમોમાં પણ નવું પાણી આવવાનું શરૂ થયું છે.
(1:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
