News of Tuesday, 2nd July 2024
જૂનાગઢ પંથકમાં જળબંબોળ :માણાવદર બાંટવા ખારા ડેમના 6 દરવાજા ખોલતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ
માણાવદરમાં પંથકમાં 16 ઇંચ સાંબેલાધાર વરસાદથી સમગ્ર પંથકમાં જળબંબાકાર: રસાલા ડેમ, દગડ ડેમ, સણોસરા ડેમ અને અસહામ ડેમ પણ ઓવરફ્લો થઈ ગયા

માણાવદરમાં પંથકમાં મોડી રાત્રીથી શરૂ થયેલા સાંબેલાધાર વરસાદથી સમગ્ર પંથકમાં જળબંબાકાર થઈ ગયો હતો. મેઘરાજા તોફાની બેટિંગ કરતા 16 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદથી બાંટવા ડેમ રવિવારે રાત્રીના ખાલી હતો તે સવારે સાડા આઠ વાગ્યે છલોછલ ભરાઈ ગયો હતો. ભારે વરસાદથી રસાલા ડેમ, દગડ ડેમ, સણોસરા ડેમ અને અસહામ ડેમ પણ ઓવરફ્લો થઈ ગયા હતા.
માણાવદરમાં રવિવાર રાત્રિથી ભારે વરસાદ વરસતા શહેરની ગોકુલ, અમૃત અને ગીરીરાજ નગર સહિતની સોસાયટીમાં ગોઠણ સમા પાણી ભરાયા હતા. જિલ્લામાં અતિભારે વરસાદથી માણાવદર તેમજ ઘેડ પંથકમાં એસટી બસ સેવા અને વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હતો. PGVCLના શહેરમાં એક અને ખેતીવાડીમાં પાંચ ઇલેવન પોલ અને એલટીના બે વીજપોલ ધરાશાયી થયા છે.
માણાવદરમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી માત્ર વરસાદી ઝાપટા પડતા હતા પરંતુ રવિવારે રાત્રીના સાડા આઠ વાગ્યાની આસપાસ સાંબેલાધાર વરસાદે ધીમે ધીમે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. 8 કલાકમાં 9 ઈંચથી વધુ વરસાદ પડતા વરસાદે સમગ્ર શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જી હતી. માણાવદરનો બાટવા ખારા ડેમના 6 દરવાજા 0.60 મીટર ખોલવામાં આવ્યા હતા. તેથી નીચાણવાળા વિસ્તારના ગામોને સાવચેત રહેવા જણાવવામાં આવ્યું હતું.
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
