<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th June 2024

ગોંડલના કેતન પીપળીયાએ યુકેની સંસદીય ચૂંટણીમાં ઝંપલાવ્યું: કહ્યું- 'અમારો ઉદ્દેશ્ય બ્રિટન આવતા ગુજરાતીઓને મદદ કરવાનો છે.

કેતન પીપળીયા સાઉથ વેસ્ટ હેર્ટફોર્ડશાયર નામની બેઠક પરથી સાંસદ બનવા મેદાનમાં ઉતર્યા:સાઉથ વેસ્ટ હેર્ટફોર્ડશાયરમાં ગુજરાતી સહિત ભારતીયોનો મોટી સંખ્યામાં વસવાટ :આ બેઠક પર કેતન સહિત 9 ઉમેદવારો મેદાનમા

ભારતમાં લોકસભાની ચૂંટણી સંપન્ન થઈ ગઈ છે, એવામાં હવે UK અર્થાત ઈંગ્લેન્ડમાં પાર્લિમેન્ટરી ઈલેક્શનની ચર્ચા થઈ રહી છે. આગામી 4 જુલાઈના રોજ યોજાનારી UKની ચૂંટણીમાં મૂળ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ગુંદાળા ગામના 35 વર્ષીય કેતન પીપળીયાએ પણ ઝંપલાવ્યું છે.

2009માં ગુજરાતથી ઈંગ્લેન્ડ પહોંચેલા કેતન પીપળીયાએ ફૉરેન્સિક સાયન્સનો અભ્યાસ કર્યો છે. હાલ તેઓ અહીં ફાર્મા કંપની ચલાવે છે, જેમાં ભારતથી પોતાના સપના સાકાર કરવા UK આવતા યુવક-યુવતીઓને નોકરીની તક આપે છે.

આ યુવા ઉમેદવારનું કહેવું છે કે, ગુજરાતથી UK જવા માંગતા લોકોની સંખ્યા મોટી છે, પરંતુ અહીં તેમને મદદ કરનારા ખૂબ ઓછા લોકો છે. તેઓ ખુદ બ્રિટનમાં આવીને આ પ્રકારના સંઘર્ષનો સામનો કરી ચૂક્યા છે. આથી ગુજરાતથી UK આવનારા લોકોને મદદ મળે તેજ મારો ઉદ્દેશ્ય છે. જેના માટે ચૂંટાવું પડે, કારણ કે સાંસદ બન્યા વિના તમે એક હદથી વધારે મદદ નથી કરી શકતા.

કેતન પીપળીયાની પાર્ટીનું નામ UK Voice છે, જેની સ્થાપના આજથી બે વર્ષ અગાઉ 2022માં જ થઈ છે. UK વૉઈસ નેશનલ પાર્ટી હોવા છતાં આ ચૂંટણીમાં કેતન એકમાત્ર પાર્ટી વતી મેદાનમાં છે. આટલું નહીં, કેતન ખુદ એકલાહાથે કેમ્પેઈન સહિતની કામગીરી કરી રહ્યાં છે. જો આ વખતે સફળતા મળશે તો તેઓ પોતાની પાર્ટીનું વિસ્તરણ કરીને વધુ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખશે.

પોતાની ચૂંટણી તૈયારી વિશે કેતન પીપળીયાએ જણાવ્યું કે, અમે લેક્ચર આપીએ છીએ. આ સિવાય સ્કૂલ નજીક બાળકોના માતા-પિતાને તેમજ વૃદ્ધાશ્રમમાં જઈને પણ અમારી પાર્ટી વિશે અને ચૂંટણી તેમજ મતદાન અંગે લોકોને જાગૃત કરીએ છીએ.

ઉલ્લેખનીય છે કે, કેતન પીપળીયા સાઉથ વેસ્ટ હેર્ટફોર્ડશાયર નામની બેઠક પરથી સાંસદ બનવા મેદાનમાં ઉતર્યા છે. ખાસ વાત એ છે કે, સાઉથ વેસ્ટ હેર્ટફોર્ડશાયરમાં ગુજરાતી સહિત ભારતીયો મોટી સંખ્યામાં વસવાટ કરે છે. જો કે આ બેઠક પર કેતન સહિત 9 ઉમેદવારો મેદાનમાં છે. એવામાં એક ગુજરાતી યુવકને કેટલી સફળતા મળે છે તે તો આવનારો સમય જ બતાવશે.

(10:48 PM IST)