તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th June 2024
લાલજીભાઇ એટલે ‘મુઠ્ઠી ઉંચેરો માનવી' : અદ્ભૂત જીવન
ગુજરાત સરકારમાં સૌથી લાંબા સર્વિસનો રેકોર્ડ : પટાવાળાથી કારકિર્દી શરૂ કરી વિધાનસભાના સત્તાવાર રિપોર્ટર બન્યા... અનેકના કાર્યો કરી પ્રેરણાદાયી બન્યા

એક છોકરો દસેક વર્ષની ઉંમર. પિતાને ગળામાં દુઃખાવો થાય. લોકો કહે ‘જગજીવનભાઇને ગળાનું કેન્સર છે.' આઝાદી પહેલાની વાત. એ સમયે કેન્સરની સારવાર માટે મુંબઇમાં આવેલ તાતા કેન્સર હોસ્પિટલમાં જવું પડે. આર્થિક સ્થિતિ સાવ નબળી. મુંબઇ જવું કઇ રીતે ? જગજીવનભાઇ અમરેલીમાં એક વેપારીને ત્યાં દુકાનમાં નોકરી કરે, ઓછો પગાર. ખાવાવાળા ઘરમાં ચાર જણા. પોતે, પત્ની અને બે બાળકો. બ્રાહ્મણનો જીવ, લોટ માગવામાં શરમ શાની ? સવારમાં સાત વાગે જગજીવન લોટ માગવા ગામમાં જાય. લોટ માગી ઘેર આવે અને પછી દુકાને નોકરી કરવા જાય. ઘરનો નિર્વાહ આમ ચાલતો રહે.
ગળાનું કેન્સર થયા પછી જગજીવનને નોકરી મુકી દેવી પડી. વૈદ્યની દવા કરાવે. એ જમાનામાં કેન્સર બહુ મોટો રોગ ગણાતો. કેન્સર એટલે કેન્સલ ! દબાતે પગલે મૃત્યુ નજીક આવતું જાય અને એક દિવસ જગજીવનભાઇ ઘરના બધાને રડતા મુકી ભગવાનના ઘેર પહોંચી ગયા.
જગજીવનભાઇના પત્ની કુંવરબેનની ઉંમર ત્યારે ત્રીસ વર્ષની હતી. દસ વર્ષનો દીકરો અને સાત વર્ષની દીકરી પિતાની પાછળ આખો દિવસ રડયા કરે. પતિની અંતિમક્રિયા માટે પણ પૈસા ન હતા. આડોશી - પાડોશી અને ગામના લોકોએ સાથે મળી જગજીવનભાઇની અંતિમક્રિયા કરી, ત્યારપછી પોતાના બાળકોને લઇ કુંવરબેન અમરેલી પાસે આવેલ ચાંદગઢ ગામમાં રહેવા ગયા. દીકરા લાલજીને લઇ કુંવરબેન ખેત મજૂરીએ જાય.
ચાંદગઢનું મકાન માટીનું હતું. ચોમાસામાં ભારે વરસાદને કારણે એ મકાન પડી ગયું. બાળકોને લઇ કુંવરબેન ફરી પાછા અમરેલી રહેવા આવ્યા, નાની એવી એક ઓરડી ભાડે રાખી, કુંવરબેન લોકોના ઘરે કામ કરવા જાય. દીકરો લાલજી સ્કૂલમાં ભણવા જાય અને સ્કૂલ સિવાયના સમયે હોટેલમાં કામ કરે. અમરેલીની ફોરવર્ડ સ્કૂલના સંચાલકોએ લાલજીને પટાવાળાની નોકરી આપી. પણ નાની બહેન ટુંકી માંદગીમાં મૃત્યુ પામી. એકલા પડી ગયેલા કુંવરબેન અને લાલજી બંને સાથે મળી જીવન નિર્વાહનું ગાડુ ચલાવતા હતા.
ઇ.સ. ૧૯૫૦માં લાલજીને સત્તર વર્ષ પુરા થયા. તારીખ ૦૬-૦૭-૧૯૩૩માં અમરેલીમાં તેનો જન્મ એ સમયે ભાનુભાઇ જોશી તેને મળ્યા. ભાનુભાઇ લાલજીના કૌટુંબિક ભાઇ થાય. ઇ.સ. ૧૯૫૧માં ભાનુભાઇ જોશી તેમને રાજકોટ લઇ ગયા. એ સમયે સૌરાષ્ટ્ર રાજ્ય હતું. શ્રી ઉછરંગરાય ઢેબર સૌરાષ્ટ્રના મુખ્ય પ્રધાન હતા. ભાનુભાઇએ લાલજીને સૌરાષ્ટ્ર સરકારમાં પટાવાળાની નોકરી અપાવી.
રાજકોટમાં ગોંડલ રોડ ઉપર માલવીયા વાડીની બાજુમાં આવેલ કૃષ્ણકુંજ નામના મકાનમાં એક ઓરડી ભાડે રાખી મા-દીકરો રહેવા લાગ્યા. દીકરો સરકારી નોકરી કરે અને કુંવરબેન લોકોના ઘેર કપડા - વાસણ કરવા જાય. આમ રાજકોટ નિવાસી બન્યા.
લાલજીને નાનપણથી વધુને વધુ આગળ વધવાની તમન્ના હતી. પટાવાળાની નોકરી કરતા કરતા ટાઇપ કામ શીખ્યો અને ટાઇપીસ્ટ બન્યો. તારીખ ૨૬-૦૨-૧૯૫૧માં સૌરાષ્ટ્ર રાજ્યના સચિવાલયમાં નોકરી શરૂ થઇ. ટાઇપમાં ખૂબ સારી સ્પીડ હતી. ટાઇપ પછી શોર્ટહેન્ડ શીખીને સ્ટેનોગ્રાફર બન્યો. ડિપાર્ટમેન્ટની ખાતાકીય પરીક્ષા એક પછી એક પાસ કરી લાલજીભાઇ રાજ્યગુરૂ ગુજરાત સરકારમાં વિધાનસભાના રિપોર્ટર બન્યા.
પોતાના કામ પ્રત્યેની નિષ્ઠા, પ્રામાણિકતા અને સરળ સ્વભાવ રાજ્યગુરૂ ભાઇની સૌથી મોટી મૂડી, અઢાર વર્ષની ઉંમરે સૌરાષ્ટ્ર સરકારની નોકરીમાં જોડાયેલ રાજયગુરૂભાઇ ગુજરાત વિધાનસભામાં સિનીયર રિપોર્ટરના પદ સુધી પહોંચ્યા. અઠાવન (૫૮) વર્ષે રિટાયર્ડ થયા ત્યારે ચાલીસ વર્ષ નોકરીના થયા. પછી ગુજરાત સરકારે બે વર્ષ એકસટેન્શન આપ્યું અને ઇ.સ. ૧૯૯૩માં નિવૃત્ત થયા ત્યારે સરકારી નોકરીમાં તેમણે કુલ ૪૨ (બેતાલીસ) વર્ષ પુરા કરેલા. ગુજરાત સરકારમાં સૌથી વધારે વર્ષ નોકરી કરવાનો લાલજીભાઇ રાજ્યગુરૂનો આ રેકોર્ડ છે.
સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્ય મંત્રી ઉછરંગરાય ઢેબરના સમયમાં નોકરીની શરૂઆત કરનાર એલ.જે.રાજ્યગુરૂએ ઇ.સ. ૧૯૬૦માં ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યપ્રધાન ડો. જીવરાજભાઇ મહેતા સાથે કામ કર્યું. રાજકોટથી અમદાવાદ બદલી થઇ અને પછી ગુજરાત વિધાનસભામાં ગાંધીનગર ખાતે રિપોર્ટર તરીકે નોકરી મળી. શ્રી રતુભાઇ અદાણી, રસિકલાલ પરીખ, હિતેન્દ્ર દેસાઇ, માધવસિંહ સોલંકી, કેશુભાઇ પટેલ અને છેલ્લે સુરેશ મહેતાની સરકાર સુધી તેઓ વિધાનસભાના રિપોર્ટર તરીકે કામ કરતા હતા.
લાલજીભાઇ રાજ્યગુરૂનું જીવન એકદમ સાદુ અને સરળ હતું, કોઇ વ્યસન ના હતું. કપડા પણ સાદા અને સસ્તા પહેરતા. હાથમાં સોનાની વીંટી પણ નહી પહેરેલ. તેમના લગ્ન આત્માનંદ મહારાજ તરીકે જાણીતા સંત પુરૂષની દીકરી નર્મદા સાથે થયેલા. સંતાનમાં ચાર દીકરી અને એક દીકરો. ચંદ્રીકાબેન, હર્ષિદાબેન, રીટાબેન અને તૃપ્તિબેન. આ ચાર દીકરીઓ અને સૌથી નાનો દીકરો નામ એનું ડો. મનીષ રાજ્યગુરૂ. મનીષ બાળકોનો ડોકટર છે. તેમના પત્ની મીરા રાજ્યગુરૂ પણ ડોકટર છે.
મીરાબેન ગુજરાત સરકારની આયુર્વેદ હોસ્પિટલમાં ડોકટર છે. ડો. મનીષનો દીકરો હાર્દ એમબીબીએસ કર્યા પછી અત્યારે મેડીસીનમાં એમ.ડી.ના પહેલા વર્ષમાં ભણે છે. ભગવાનના માણસ જેવા લાલજીભાઇની મોટાભાગની ઇચ્છાઓ ભગવાને પુરી કરેલ.
લાલજીભાઇ મારા મોટા બનેવી. નર્મદાબેન મારા સૌથી મોટા બેન. તેમના લગ્ન થયા ત્યારે મારી ઉંમર પાંચ વર્ષની હતી. લાલજીભાઇની તંદુરસ્તી ખૂબ સારી. તા. ૭-૬-૨૦૨૪ના દિવસે તબિયત થોડી બગડી. બપોરે એક વાગ્યે દીકરો તેમને હૃદયરોગના નિષ્ણાંત ડોકટરને બતાવવા લઇ ગયા. ડોકટરે કહ્યું એડમીટ કરીએ, બપોરે દોઢ વાગે હોસ્પિટલમાં એડમીટ કર્યા. બીજે દિવસે સવારે આઠ વાગ્યે તા. ૮ જૂનને શનિવારે હંમેશા હસતા રહેતા રાજ્યગુરૂભાઇ પરમ કૃપાળુ પરમાત્માના ધામમાં પહોંચી ગયા.
લાલજીભાઇ પરદુઃખભંજક હતા. હજારો લોકોના કામ તેમણે કરી આપેલા છે. ગુજરાત સરકારમાં કે બીજી કોઇ સંસ્થા કે બોર્ડ નિગમમાં જે કોઇ વ્યકિતના કામ બાકી હોય તે કામ માટે જે કોઇ વ્યકિત લાલજીભાઇને મળે તો તેના કામ તેઓ કરાવી આપતા. નિઃસ્વાર્થ ભાવે બીજાને ઉપયોગી બનનાર લાલજીભાઇ રાજ્યગુરૂ જેવા મૂઠી ઉંચેરા માનવી સમા સરકારી કર્મચારીઓને કોટિ કોટિ વંદન છે.
: આલેખન :
ભાનુકુમાર મહેતા
નિવૃત્ત આકાશવાણી ઓફિસર
મુંબઇ : મો. ૯૩૨૦૩ ૧૬૭૮૯
(9:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
