તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th June 2024
ટંકારાના ટોળ ગામે મુનિશ્રી સંતબાલજી સાર્વજનિક પુસ્તકાલયની પરશોતમભાઇ રૂપાલાના હસ્તે સ્થાપના
જન્મભુમિમાં ધર્મમય સમાજ, રાષ્ટ્રવાદ, આરોગ્ય, સ્વરોજગારી સહીતના કાર્યો મુનિશ્રીએ કર્યા'તા

રાજકોટ, તા., ર૪: મહાત્મા ગાંધીના મૂલ્યો-વિચારોથી પ્રેરિત, સર્વધર્મ સમભાવ ધરાવતા ક્રાંતિકારી લોકસંત અને લોકસેવક જૈન મુનિશ્રી સંતબાલજીની જન્મભૂમિ ટોળ (તા. ટંકારા, જિ. મોરબી) સ્થિત ગ્રામ પંચાયતની કચેરી ખાતે મુનિશ્રી સંતબાલજી સાર્વજનિક પુસ્તકાલયની સ્થાપના થઈ છે.
૨૬ ઓગસ્ટ ૧૯૦૪ના ટોળ ખાતે જન્મેલા મુનિશ્રી સંતબાલજીએ ધર્મમય સમાજ રચનારૂપે રાષ્ટ્રવાદ, શિક્ષણ, આરોગ્ય, ગ્રામ સ્વાવલંબન, સ્વરોજગારી, ખેડૂત-ગૌપાલકલક્ષી, ખાદી-ગ્રામોદ્યોગ, મહિલાઓ અને વંચિત સમાજનાં ઉત્થાનની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની જ્યોત જગાવી હતી. ૨૬ માર્ચ ૧૯૮૨ના મુંબઈ ખાતે નિર્વાણ પામ્યા હતા.
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણીની પ્રેરણા-પરિકલ્પનાથી મોરબી જિલ્લાના સહુપ્રથમ આ વિશિષ્ટ પુસ્તકાલયનું લોકાર્પણ રાજકોટ લોકસભા સાંસદ અને સંસ્કૃતિ-સાહિત્ય -સંગીત- શિક્ષણ- પ્રેમી પરશોત્તમભાઈ રૂપાલાના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ તકે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, રાજ્યસભાના સાંસદ અને વાંકાનેર સ્ટેટના રાજવી કેસરીદેવસિંહ ઝાલા, પૂર્વ રાજકોટ લોકસભા સાંસદ મોહનભાઈ કુંડારીયા, મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયા, આર.એસ.એસ.ના પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક ડૉ. જયંતીભાઈ ભાડેશીયા, પિનાકી મેઘાણી, ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ, નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડા અને નિકુંજ પટેલ, ગુજરાત રાજ્યના ગ્રંથાલય નિયામક ડૉ. પંકજભાઈ ગોસ્વામી, મદદનીશ ગ્રંથાલય નિયામક (રાજકોટ-ભાવનગર વિભાગ) લલિતભાઈ મોઢ, આર.ડી. પરમાર, મોરબી જિલ્લા ગ્રંથપાલ વિમલભાઈ ગોસ્વામી, ટંકારા તાલુકા પંચાયત પ્રમુખ ડૉ. વસંતભાઈ માંડવીયા, ટોળ સરપંચ અબ્દુલભાઈ અલી ગઢવાળા, ઉપસરપંચ સાહિલભાઈ બાદી, તલાટી-મંત્રી વિશાલભાઈ શેરસિયા, અગ્રણીઓ મનિષભાઈ ભટ્ટ, કિરીટભાઈ અંદરપા, મેપાભાઈ અને ઘેલાભાઈ ફાંગલીયા, અમિતભાઈ કાસુંદ્રા, પ્રદીપભાઈ ખાચર, પરિમલભાઈ અને ભરતભાઈ કારાણી, રમેશભાઈ અને દર્શન બદ્રેશીયા, વાલજીભાઈ પિત્રોડા સહિત મોટી સંખ્યામાં ગ્રામજના ઉપસ્થિત રહયા હતા. લોકગાયક અભેસિંહ રાઠોડે મેઘાણી-ગીતોના હ્રદયસ્પર્શી આસ્વાદ દ્વારા સહુને ડોલાવી દીધા હતા. ગ્રામજનો દ્વારા મહાનુભાવોનું ઉમળકાભેર સ્વાગત અને સામૈયું પણ કરવામાં આવ્યું હતું.
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની ગ્રંથાલય નિયામકની કચેરી, ગાંધીનગર દ્વારા માન્યતા-પ્રાપ્ત, અનુદાનિત તથા ટોળ ગ્રામ પંચાયત દ્વારા સંચાલિત આ પુસ્તકાલય માટે વીટુ ટેક વેન્ચર્સ પ્રા. લિ. - વિજયભાઈ શાહ, જયવંતભાઈ દેસાઈ (વાશી, નવી મુંબઈ)ના સી.એસ.આર. ફંડનો આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે.
આલેખન :
પિનાકી નાનકભાઈ મેઘાણી
ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન
(મો. ૯૮૨૫૦૨૧૨૭૯ )
(4:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
