<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

મેઘો મંડાણો ગારીયાધાર-૪ા, ખંભાળીયા-૩, પાલીતાણા-રાા, બોટાદ-ર, લોધિકા-સાવરકુંડલા-૧ાાા, ટંકારા-૧ાા ઇંચ

આગાહીકારોની આગાહીઓ સાચી પડીઃ સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં હવામાન પલટાયુઃ ગઇકાલથી સર્વત્ર હળવો ભારે વરસાદ ચાલુ : વ્‍હેલી સવારે રાજકોટમાં પણ વરસી ગયોઃ કચ્‍છમાં ઝાપટાઃ સાર્વત્રિક વરસાદના મંડાણથી વધુ વરસાદની આશા

રાજકોટ, તા. ર૪ :  રાજકોટ  સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ગઇકાલ રવિવાર સાંજથી વાતાવરણમાં પલ્‍ટો આવ્‍યો છે અને મેઘો મંડાણો છે. ગઇકાલ સાંજથી આજે સવાર સુધીમાં અનેક જગ્‍યાએ ઝાપટાથી માંડીને ૪ ઇંચ જેટલો વરસાદ પડયો છે.

જેમાં ભાવનગર જીલ્લાના ગારીયાધારમાં સાડા ચાર ઇંચ દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળીયામાં ૩ ઇંચ, બોટાદમાં ર ઇંચ, લોધીકા-સાવરકુંડલામાં પોણા ર ઇંચ, ટંકારામાં દોઢ ઇંચ વરસાદ પડયો છે.

કચ્‍છ

(વિનોદ ગાલા દ્વારા) ભૂજ :  કચ્‍છમાં વરસાદની આગાહી વચ્‍ચે ભારે ઉકળાટ અને બફારાએ જનજીવનને ત્રાહિમામ કરી દીધું છે. ૪૨ થી ૪૪ ડિગ્રી તાપ સાથે ઉકળાટ અનુભવતા લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. તો, પશુ પક્ષીઓ પણ ભારે ગરમીથી ત્રસ્‍ત છે. દરમ્‍યાન ગરમીથી રાહત મેળવવા વરસાદની રાહ જોતાં કચ્‍છી માડુઓ એ વરસાદી ઝાપટાં થી સંતોષ માનવો પડ્‍યો છે. ભુજ, મુન્‍દ્રા, અબડાસા, ભચાઉ તેમ જ માંડવી તા.ના અમુક ગ્રામ્‍ય વિસ્‍તારોમાં છૂટા છવાયા ઝાપટાં પડયા છે. રાત્રે વીજળીના ચમકારા વચ્‍ચે અમુક જગ્‍યાએ પાણી વહી નીકળ્‍યાં હતાં. જોકે, કયાંય વરસાદી માહોલ જામ્‍યો નથી. પરંતુ, ઉકળાટ અને બફારા એ લોકોમાં વરસાદની આશા જગાવી છે.

ગોંડલ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા)ગોંડલ : ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે પર ભરુડી ટોલનાકા,રીબડા, સડકપીપળીયા, પારડી સહિત ધોધમાર વરસાદ વરસ્‍યો છે. સાંજે સાત કલાકે રીબડા હાઇવે પર ભારે વરસાદ ને કારણે વાહન ચાલકોએ વાહનો થંભાવી દેવા ફરજ પડીછે.રોડની સાઈડ, હોટેલો કે પેટ્રોલ પંપ પર વાહનનો થંભાવી દેવાયા હતા.કાળા ડીબાંગ વાતાવરણ અને ભારે વરસાદ ને કારણે વાહન ચલાવવા મુશ્‍કેલ બન્‍યા હતા.

ગોંડલ પંથક માં વાસાવડ, સુલતાનપુર, પાંચીયાવદર, સેમળા સહિત વરસાદ નાં ભારે જાપટા વરસ્‍યા હતા.વેજાગામ માં એક વળક્ષ પર વિજળી પડી હતી.

ઉપલેટા

(કૃષ્‍ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટાઃ અચાનક વરસાદી માહોલ બંધાતા રાત્રિના સાત કલાકે હળવો

વરસાદ શરૂ થયેલ હતો બાદ માં અચાનક વરસાદ સરું થતા કોઈ શોર્ટ સર્કિટ કે જાનહાનિ ન થાય તે માટે ની તકેદારી પૂર્વક ઉપલેટા જીઇબી કચેરી દ્વારા વિજ પુરવઠો બંધ કરી દેવામાં આવેલ હતો અચાનક હળવો વરસાદ અને વાતાવરણ ઠંડુ તેમજ વીજળી ગુલ થતા શહેર માં ગમગીની છવાઈ હતી. લોકો પણ પોતાના બાળકો સાથે વરસાદી માહોલ ની મજા લેવા રોડ ઉપર નીકળી પડ્‍યા હતા.

જ્‍યારે ગઈ કાલ ના વાતાવરણ ને લઈ આજે પણ વતરણ માં ભેજ હોવા થી વહેલી સવારે વરસાદ શરૂ થયેલ હતો જે અડધો કલાક વરસ્‍યા બાદ ૧ ઇંચ જેટલો નોંધાયેલ છે જ્‍યારે તાલુકા ના ગામડાઓ માં વરજાંગ જાળીયા ભિમોરા લાઠ મજેથી કૂઢેચ સહિત ના ગામો માં પણ વરસાદી માહોલ સાથે હળવો ભારે વરસાદ નોંધાયેલ છે જ્‍યારે સૂત્રો ના જણાવ્‍યા મુજબ ચોમાસુ સત્ર સરું થઈ જતાં આખા અઠવાડિયા દરમિયાન વરસાદી વાતાવરણ બતાવી રહ્યું છે જે ગમે તે ટાઈમે અને ગમે તે દિવસે સારો વરસાદ થઈ શકે તેવી આશા રાખી રહ્યા છે.

આટકોટ

(કરશન બામટા દ્વારા) આટકોટ : આટકોટ આખો દિવસ ગરમી અને ઉકળાટથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા ત્‍યારે બપોરના સમયે આકાશમાં કાળાડિબાંગ વાદળો સાથે ભારે પવન સાથે વરસાદ ખાબકયો હતો એક ઈંચ વરસાદ પડયો હતો વાવણીલાયક વરસાદ થતાં ખેડૂતો માં આનંદ ની લાગણી ફેલાઇ ગઇ હતી જ્‍યારે ઓરવી વાવેતરને જીવતદાન મળ્‍યું હતું ખેડૂતોમાં વરસાદ ન થતાં ચિંતા ની લાગણી ફેલાઇ ગઇ હતી.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં મેઘરાજા મહેરબાન થયા છે. જિલ્લાના ગ્રામ્‍ય પંથકમાં અડધાથી ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્‍યો છે. આજે સોમવારે પણ સવારથી જ ધીમીધારે મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જામ્‍યો છે.

ભાવનગર શહેર અને જિલ્લામાં હવે ધીમી ગતિએ ચોમાસુ જામી રહ્યું છે. પાલિતાણા શહેરમાં ગાજવીજ સાથે બે ઇંચ વરસાદ વરસી જતા ઠંડક પ્રસરી વળી હતી. જ્‍યારે સિહોર અને ગારિયાધારમાં વરસાદના હળવા ભારે ઝાપટા વરસી ગયા હતા. તો મહુવામાં પણ સારો વરસાદ વરસી ગયો હતો. આમ ગોહિલવાડ પંથકમાં હવે ચોમાસુ જામતા ધરતીપુત્રોમાં હરખ જોવા મળે છે અને ગારિયાધાર અને પાલિતાણા પંથકમાં તો ખેડૂતોએ વાવણીનો આરંભ કરી દીધો છે. હવામાન વિભાગ દ્વારા ભાવનગર જિલ્લામાં ૨૭ જૂનને ગુરૂવાર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.

ધોરાજી

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજીઃ  ધોરાજીઃ-ધોરાજી માં રવિવારે ભારે બફારા બાદ મેઘરાજા નું રવિવાર સાંજથી સોમવાર આજરોજ સવાર સુધી ધીમીધારે વરસાદનું આગમન થયું હતું.

ધોરાજી માં વીજળી ના કડાકા ભડાકા સાથે મેઘરાજા નું આગમન થયું હતું  ધોરાજી માં વરસાદ વરસતા વાતાવરણ માં ઠંડક પ્રસરી  લોકો ને ગરમી થી રાહત મળી હતી.

(12:39 PM IST)