તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 20th June 2024
વિસાવદર શહેરની વ્હારે સતાધાર : ‘‘જગ્યાના કુવામાં વધુ બે મોટર ઉતારી નગરને પૂર્વવત એકાંતરા પાણી આપો''
પૂ.વિજયબાપુના અનોખા માનવીય વલણથી પ્રજાજનો ભાવવિભોર પાણીની ગંભીર સમસ્યા ઉભી થતા હાલ શહેરમાં ત્રણ દિવસે પાણી વિતરણ થાય છે

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૨૦: વિસાવદર શહેરની વ્હારે સુપ્રસિદ્ધ યાત્રાધામ સતાધાર આવી છે. ૅજગ્યાના કુવામાં વધુ બે મોટર ઉતારી નગરને પૂર્વવત એકાંતરા પાણી આપોૅ તેમ જગ્યાના મહંત પૂ.વિજયબાપુએ પાલિકાના શાસકોને સંતને છાજે એ રીતે કહેતા પૂ.બાપુનાના આ અનોખા માનવીય વલણથી પ્રજાજનો ભાવવિભોર બની ગયા છે. વિસાવદર શહેરમાં પાણીની ગંભીર સમસ્યા ઉભી થતા હાલ શહેરમાં ત્રણ દિવસે પાણી વિતરણ થાય છે અને સમગ્ર શહેરમા ચિંતાના વાદળો દ્રષ્ટીગોચર થાય છે. એવા સમયે જ પૂજ્ય આપાગીગાની જગ્યા-સતાધાર વિસાવદરને વહારે આવતા લોકોમાં હાશકારો થયો છે.
વિસાવદરમાં પાલિકા દ્વારા છેલ્લા કેટલાક દિવસથી હાલ પાણી વિતરણમાં કાપ મુકાયો છે. શહેરમાં એકાંતરાને બદલે ત્રણ દિવસે પાણી વિતરણ થઈ રહ્યુ છે. વિસાવદરમાં જળષાોત ડૂકી જતાં સતાધારની જગ્યા નગરની વહારે આવી છે. વિસાવદર શહેરમાં પાણીની તંગી સર્જાતા સતાધારધામ મદદે આવ્યું છે. વિસાવદર શહેરને પાણી પુરૂ પાડતા કુવા અને બોર સતાધાર ખાતે આવેલા છે ત્યાંથી પમ્પીંગ કરી પાણી વિસાવદર પહોંચાડવામાં આવે છે. હાલમાં પાણી ડુકી જતા સતાધાર જગ્યાના કુવામાંથી વિસાવદર શહેરને પાણી પુરૂ પાડતા કુવામાં પાણી આપવામાં આવી રહ્યું છે. શહેરમાં એકાતરા પાણી આપવામાં આવતું હતું. હવે ત્રણ દિવસે પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. હાલ ઉનાળાનો અંતિમ સમય ચાલી રહ્યો છે જેના કારણે અનેક શહેરો અને ગામડાઓમાં પાણીની તંગી સર્જાઈ રહી છે. વિસાવદર શહેરમાં ભાગ્યે જ પાણીની સમસ્યા સર્જાય છે. આ વખતે ઉનાળાના અંતિમ દિવસોમાં પાણીના સોર્સ ડુકી જતા નર્મદાનું પાણી આંબાજળ ડેમમાં નાખવામાં આવ્યું છે. આંબાજળ ડેમના સોર્સ વિસાવદર શહેરને પુરૂ પાડતા સતાધાર સ્થિત કુવાને લાગુ પડે છે. પરંતુ હજુ ડેમનું પાણી કુવામાં લાગુ ન પડતા સતાધારના મહંત પૂ. વિજયબાપુ ગુરૂ શ્રી જીવરાજબાપુએ વિસાવદરના શહેરીજનો માટે સતાધાર જગ્યાના કુવામાં બે મોટર ઉતારી પાણી લેવા માટે મોટી મદદ વિસાવદર શહેરને કરી છે. વિસાવદર શહેરની પાણી સમસ્યા નિવારવા પાલિકામાં વહિવટદાર શાસન છે. છતાંયે જાહેર જીવનના આગેવાનોએ પાણી માટે સંનિષ્ઠ પ્રયત્નો હાથ ધર્યા જે નોંધનીય બાબત છે.
સતાધાર સ્થિત કુવામાંથી વર્ષોથી વિસાવદર શહેરને પાણી આપવામાં આવે છે. વિસાવદરમાં પુરૂ પાડતા ત્રણ કુવાઓ અને ચાર બોર છે. જેમાં મોટી તંગી વર્તાઈ રહી છે. શહેરમાં પાણીની વિતરણ વ્યવસ્થામાં પણ કાપ મુકવામાં આવ્યો છે.વિસાવદર શહેરના આગેવાનો-સમાજશ્રેષ્ઠીઓ, પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયા, માજી ધારાસભ્ય ધીરૂભાઈ ફૂલભાઈ રિબડીયા, પાલિકાના પૂર્વ પ્રમુખ કૌશિકભાઈ વાઘેલા, રાજ રિબડીયા સહિતના નામી-અનામી તમામ આગેવાનોએ સાથે મળી શહેરીજનોને પાણી માટે મુશ્કેલી ન પડે તેવા પ્રયાસો હાથ ધર્યો છે. જો વરસાદ ખેંચાય તો પાણીની મુશ્કેલી ઉભી થાય તેમ છે. આ માટે જે ખેડૂતોને કુવા કે બોરમાં પાણી છે તેઓએ પણ વિસાવદર શહેરને પાણી માટે મદદની તૈયારી દર્શાવી છે. શહેરમાં અગાઉ એકાતરા પાણી આપવામાં આવતું હતું હવે ત્રણ દિવસે પાણી આપવામાં આવી રહ્યું છે. હાલ નગરપાલિકામાં વહિવટદાર શાસન હોવા છતાં રાજકીય આગેવાનોએ શહેરીજનોને પાણીની મુશ્કેલી ન પડે તે માટે તત્પરતા દાખવી છે. સતાધારની જગ્યાએ પણ પુરું વિસાવદરના લોકો માટે પાણી પુરુ પાડી ખરા અર્થમાં સેવાનો યજ્ઞ કર્યો હોવાનું આગેવાનોએ જણાવ્યું છે.
દરમિયાન ગઈકાલે વિસાવદર કોંગ્રેસનુ એક પ્રતિનિધિ મંડળ પીઢ અગ્રણી કિર્તિભાઈ કામદાર, પૂર્વ પાલિકા પ્રમુખ મનીષભાઈ રિબડીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ જસ્મિનભાઈ જાની, બક્ષીપંચ સેલના પ્રમુખ આનંદભાઈ પંડયા સહિતના આગેવાનો-કાર્યકરો સાથે વિસાવદર નગર પાલિકાના ચીફ ઓફિસરને મળ્યુ હતુ અને વિસાવદર શહેરની પીવાના પાણીની સમસ્યા ત્વરિત નિવારવા લેખિત આવેદનપત્ર સુપ્રત કર્યુ હતુ.
વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયાએ જણાવ્યુ છે કે, વિસાવદર શહેરને પીવાનું પાણી પૂરતી માત્રામાં મળી રહે તે માટે આજે ત્રીજા દિવસે પણ ઝુંબેશ ચાલુ રાખી છે. જુદા-જુદા કુંવાઓમાં મોટરો મૂકીને મેઈન કુંવામાં પાણી પહોંચાડી રહયા છીએ, પીવાના પાણીની વિકટ પરિસ્થિને પહોંચી વળવા સતાધારના મહંતશ્રી વિજયબાપુનો સંપર્ક કર્યો ત્યારે પૂજ્ય વિજયબાપુએ કહ્યું કે વિસાવદર શહેરને પાણી આપવા માટે અમારા જગ્યાના કુવાઓમાં જેટલી મોટર ઉતારવી પડે તેટલી ઉતારો અને વિસાવદર શહેરને પાણી આપો. જેથી આજે સતાધારની જગ્યાના કુંવામાં બે મોટરો ઉતારીને ત્યાંથી પાણી લાવીને મેઈન કુંવામાં પહોચાડ્યું. આજે જુદી-જુદી કુલ પાંચ મોટરનું પાણી મેઈન કુંવામાં ચાલુ થઈ ગયેલ છે અને બે મોટરો તૈયાર રાખી છે. આજે જુદા-જુદા કુંવાઓના વાહ જોઈને ફરી આવતીકાલે વધુ બે મોટરો ઉતારીશું ત્યારે વિસાવદર શહેરના નાગરિકોને પીવાનું પાણી પહોંચાડવામાં મદદરૂપ થવા બદલ સતાધારના મહંતશ્રી પૂજ્ય વિજયબાપુનો હૃદયથી આભાર તેમજ નગરપાલિકાના સ્ટાફ સહીત જે લોકો આ ઝુંબેશમાં નિસ્વાર્થ ભાવે જોડાયા તે તમામનો શહેરની જનતા વતી હું હૃદયપૂર્વક આભાર માનું છું.
(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
