<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th June 2024

પોરબંદર ચોપાટીમાં આવતીકાલે યોગ કાર્યક્રમમાં ર હજાર લોકો જોડાશે

વિશ્વ યોગ દિનની ઉજવણીમાં નગરપાલિકા, શૈક્ષણિક સંસ્‍થા, પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર, પેટા આરોગ્‍ય કેન્‍દ્ર, જિલ્‍લા પોલીસ હેડકવાટર્સ, તથા પોલીસ સ્‍ટેશનનો સ્‍ટાફ જોડાશેઃ કલેકટરના માર્ગદર્શન હેઠળ આયોજન

પોરબંદર તા.૨૦: પોરબંદર જિલ્લા કલેક્‍ટર શ્રીના અધ્‍યક્ષસ્‍થાને વિશ્વ યોગ દિવસની ઉજવણી સંદર્ભે બેઠક યોજાઈ હતી. જિલ્લામાં ૮૧૪ સ્‍થળોએ ૯૫૦૦૦ યોગ સાધકો વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બનશે. અરબી સમુદ્રના કિનારે ચોપાટી ખાતે આયોજિત જિલ્લા કક્ષાના યોગ કાર્યક્રમમાં આવતીકાલે ૨૦૦૦ લોકો જોડાશે.

આવતીકાલે ૨૧ જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે તાલુકા, નગરપાલિકા, ૧૪૮ ગ્રામ્‍ય કક્ષાએ તેમજ ૫૫૯ શૈક્ષણિક સંસ્‍થા, ૧૬ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર, ૬૯ પેટા આરોગ્‍ય કેન્‍દ્ર, જેલ, જિલ્લા પોલીસ હેડકવાટર અને ૧૨ જેટલા પોલીસ સ્‍ટેશન ખાતે યોગ દિવસની ઉજવણી કરાશે.

પોરબંદર જિલ્લા કલેક્‍ટર શ્રી કે.ડી. લાખાણીના અધ્‍યક્ષસ્‍થાને વિશ્વ યોગ દિવસની ઉજવણી સંદર્ભે બેઠક યોજાઈ હતી. આગામી તા.૨૧ મી જૂન, ૨૦૨૪ના રોજ પોરબંદર જિલ્લામાં વિવિધ સ્‍થળે થનારી વિશ્વ યોગ દિવસની ઉજવણીના આયોજનના ભાગરૂપે જિલ્લા કલેક્‍ટર શ્રી કે.ડી. લાખાણીએ જિલ્લા સેવા સદન ૧ ના ત્રીજા માળે બેઠક યોજીને સંબંધિત વિભાગના અધિકારીઓ અને સામાજિક સંસ્‍થાઓ સાથે યોગ દિવસના આયોજન અંગે ચર્ચા કરી હતી. પોરબંદર જિલ્લા કલેક્‍ટરશ્રી કે.ડી. લાખાણીએ યોગ દિવસ ઉજવણી અંતર્ગત તમામ વ્‍યવસ્‍થાઓ, તૈયારીઓને આયોજનબદ્ધ કરવા જણાવ્‍યું હતું. કલેક્‍ટરશ્રીએ વધુમાં જણાવ્‍યું હતું કે, ભારત દેશની પરંપરાગત યોગ વિદ્યાને આજે સમગ્ર વિશ્વએ અપનાવી છે. વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ યોગને વૈશ્વિક માન્‍યતા અપાવી છે. યોગ માત્ર કસરત નથી. આજની વ્‍યસ્‍ત જીવનશૈલીમાં શારીરિક-માનસિક તંદુરસ્‍તી માટે યોગ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. રાજ્‍યમાં પ્રતિવર્ષ ૨૧ જૂનના રોજ ‘‘વિશ્વ યોગ દિવસ'' ની ઉજવણી કરવામાં આવે છે. તેની સાથે પોરબંદર જિલ્લો પણ યોગ કરીને તેની ઉજવણી કરશે. પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્‍ય ભેટ એવી પ્રયોગ વિદ્યા ને વિશ્વફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્‍ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી વડા પ્રધાનશ્રી દ્વારા સંચુકત રાષ્‍ટ્રસંઘની ૬૯મી સામાન્‍ય સભા સમક્ષ ર૧મી જુનને ‘‘આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ''તરીકે ઉજવવા કરેલ પ્રસ્‍તાવને સંયુકત રાષ્‍ટ્ર સંધ દ્વારા મંજુર કરવામાં આવી છે, જેના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં તા. ૨૧મી જુનના દિવસને ‘‘આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ'' તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ-૨૦૧૫ થી પ્રતિ વર્ષ ૨૧ જૂનના રોજ આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસની ભવ્‍ય ઉજવણી સમગ્રવિશ્વમાં કરવામાં આવે છે. ચાલુ વર્ષે ‘‘આઝાદી કા અમળત મહોત્‍સવ'' અંતર્ગત ર૧મી જુન ર૦ર૪ના રોજ આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર રાજયમાં વિશાળ જન ભાગીદારી સાથે ખૂબ જ ભવ્‍યતાથી યોજવાનું રાજ્‍ય સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવ્‍યું છે. ‘‘સ્‍વયં અને સમાજ માટે યોગ'' થીમ સાથે ૨૧મી જુન-૨૦ર૪ ના રોજ આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું આયોજન થયું હોવાનું જણાવ્‍યું હતું.

 પોરબંદર જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.બી. ઠકકરની વિશેષ ઉપસ્‍થિતિમાં યોજાયેલ આ બેઠકમાં જિલ્લા રમત વિકાસ અધિકારી ડો. મનીષ જીલડીયા દ્વારા જણાવાયું હતું કે યોગ દિવસની ઉજવણીના આગોતરા આયોજનના ભાગરૂપે પત્રિકા, સોશ્‍યલ મીડિયા, યોગ શિક્ષક, યોગ રજીસ્‍ટ્રેશન તેમજ કોમન યોગ પ્રોટોકોલ કાઉન્‍ટ ડાઉન પ્રોગ્રામ અંતર્ગત પ્રચાર પ્રચાર પૂરજોશમાં થઈ રહ્યો છે. જિલ્લા કક્ષાએ તા. ૨૧ જૂને સવારે ૫:૪૫ કલાકથી હજુર પેલેસ ચોપાટી ખાતે ૨૦૦૦ લોકો વિશ્વ યોગ દિવસ નિમિત્તે જોડાશે. પોરબંદર તાલુકા અને નગરપાલિકાનો કાર્યક્રમ ચોપાટી ખાતે તેમજ રાણાવાવ તાલુકા અને નગરપાલિકાનો કાર્યક્રમ સરકાર હાઇસ્‍કુલ રાણાવાવ અને કુતિયાણા તાલુકા તથા નગરપાલિકાનો સંયુક્‍ત કાર્યક્રમ સરકારી હાઇસ્‍કુલ કુતિયાણા ખાતે યોજાનાર છે. જેમાં ત્રણ સ્‍થળે ૩૦૦૦ લોકો જોડાશે. ૧૪૮ ગ્રામ્‍ય કક્ષાએ ૧૦૦૦૦ તેમજ ૫૫૯ શૈક્ષણિક સંસ્‍થામાં ૬૫૦૦૦, ૧૬ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રમાં ૩૨૦૦, ૬૯ પેટા આરોગ્‍ય કેન્‍દ્રમાં ૧૦૫૦૦, જેલ ખાતે ૧૦૦, જિલ્લા પોલીસ હેડકવાટરમાં ૨૦૦ અને ૧૨ જેટલા પોલીસ સ્‍ટેશન ખાતે ૧૦૦૦ લોકો જોડાઇ યોગ દિવસની ઉજવણી કરાશે. આવતીકાલે તા. ૨૧ જૂનના વિશ્વ યોગ દિવસ નિમિત્તે વહેલી સવારે ૫.૪૫ કલાકેથી આ કાર્યક્રમનો શુભારંભ થશે. ૬.૧૫ કલાકે મહાનુભવોનું આગમન થશે, અને ૬.૨૦ કલાકે મહાનુભાવોનું ઉદબોધન તેમજ ૬.૩૦ કલાકે મુખ્‍યમંત્રીનું લાઈવ ઉદબોધન ઉપરાંત ૬.૪૦ મિનિટે વડાપ્રધાનનું લાઈવ ઉદબોધન અને સાત કલાકે યોગ શિક્ષકો દ્વારા કોમન યોગા પ્રોટોકોલ અભ્‍યાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે. અંતે રાષ્‍ટ્રગીત બાદ આ યોગ કાર્યક્રમનું સમાપન કરવામાં આવશે, તેવું જણાવ્‍યું હતું.

 જિલ્લા કલેકટર કચેરી ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણીને લઈને યોજાયેલ આ બેઠકમાં વિવિધ વિભાગના સરકારી અધિકારી શ્રીઓ તેમજ અલગ અલગ સંસ્‍થાના હોદ્દેદારો જોડાયા હતા.

(11:44 AM IST)