News of Saturday, 15th June 2024
ભાવનગરના જેસર અને ગારિયાધારમાં સાંજે બે કલાકમાં ધોધમાર એક ઈંચ વરસાદ ખાબક્યો: સર્વત્ર પાણી પાણી
ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા; લાઠી અને વાંકાનેર તાલુકામાં 18 મિમી, જલાલપોરમાં 17 મિમી,કપરાડામાં 12 મિમી અને લીલીયામાં 10 મિમી વરસાદ નોંધાયો

સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી જિલ્લામાં બપોર બાદ આકાશ કાળા ડિંબાગ વાદળોએ ઘેરાઈ ગયું હતુ અને સાંજે 4 વાગ્યા બાદ અચાનક ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.
ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, આજે સવારે 6 થી બપોરના 4 વાગ્યા સુધીના 10 કલાકમાં રાજ્યના 21 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જે પૈકી ભાવનગર જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ કરી છે.
ભાવનગર જિલ્લાના જેસર અને ગારિયાધારમાં સાંજે 4 થી 6ના બે કલાકના સમયગાળા દરમિયાન ધોધમાર એક ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
આ ઉપરાંત અમરેલી જિલ્લાના લાઠી અને મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં 18 મિમી, નવસારી જિલ્લાના જલાલપોરમાં 17 મિમી, વલસાડના કપરાડામાં 12 મિમી અને અમરેલીના લીલીયામાં 10 મિમી વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગ દ્વારા આજે દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, નવસારી, ભાવનગર, વલસાડ, અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આવતીકાલે રવિવારે પણ ગાંધીનગર, અમદાવાદ, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
(9:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
