News of Saturday, 15th June 2024
પોરબંદર જિલ્લાના દરેક નાગરિકોનો હૃદયપૂર્વક આભાર માનતા ડો. મનસુખભાઇ માંડવિયા
સાંસદ બન્યા બાદ પ્રથમવાર પોરબંદર આવ્યા : ઝુંડાળામાં પુષ્પવર્ષા કરીને ઉમેળકાભેર સ્વાગત

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૫ : પોરબંદર લોકસભાની ચૂંટણીમાં જંગી લીડથી ચૂંટાયેલ અને સાંસદ બનેલા તેમજ કેન્દ્રીય કેબીનેટ મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા બાદ પ્રથમ પોરબંદર જિલ્લાની મુલાકાતે આવતા ઝુંડાળા ખાતે તેમનું પુષ્પવર્ષા કરીને ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ડો. મનસુખભાઇ માંડવિયાએ લોકસભાની ચૂંટણીમાં પોતાની જીત માટે પોરબંદર જિલ્લાના દરેક નાગરિકોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
કેન્દ્રીય શ્રમ અને રોજગાર, યુવા અને રમતગમત વિભાગના કેબિનેટ મંત્રી તેમજ પોરબંદરના સાંસદ શ્રી ડો.મનસુખ માંડવિયાએ કેબિનેટ મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા બાદ પ્રથમ વખત પોરબંદર ખાતે પધારતા મંત્રીશ્રીનું પુષ્પવર્ષા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, સમગ્ર પોરબંદર જિલ્લાનું હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાની નેમને આપણે સૌ કદમ થી કદમ મિલાવીએ. સશકત રાષ્ટ્રના નિર્માણમાં પક્ષના કાર્યકર્તાઓ, સંગઠનના હોદ્દેદારો તેમજ પોરબંદર જિલ્લાના દરેક નાગરિકોનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું.
ડો. મનસુખભાઇના સ્વાગત કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પરબત પરમાર, પૂર્વ સાંસદ શ્રી રમેશ ધડુક, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, અગ્રણીશ્રી પ્રદીપભાઈ ખીમાણી, કિરીટ મોઢવાડિયા, અશોક મોઢા, રામદેવભાઈ મોઢવાડિયા સહિત નગરપાલિકા તેમજ સંગઠનના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.
(2:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
