<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th June 2024

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ધૂપ-છાંવ : મહુવા-૧ાા, ઉમરાળા - તળાજામાં અડધો ઇંચ

મિશ્ર વાતાવરણનો માહોલ બરકરાર : બપોરના સમયે અસહ્ય ઉકળાટ

લોધીકા તાલુકાના ગ્રામ્‍ય પંથકમાં વાવણીના શ્રી ગણેશ : ખીરસરા : લોધીકા તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ગઇકાલે સાંજના સમયે વાવણી જોગ સારો વરસાદ થતાં વાજડી વડ ગામના ખેડૂતોએ વાવણીના શ્રીગણેશ કરેલ છે. (તસ્‍વીર - અહેવાલ : ભીખુપરી ગોસાઇ, ખીરસરા)

રાજકોટ તા. ૧૫ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં ધૂપ-છાંવ યથાવત છે. આવા વાતાવરણ વચ્‍ચે ભાવનગરના મહુવામાં દોઢ ઇંચ, ઉમરાળા, તળાજામાં અડધો ઇંચ તથા રાજકોટમાં પણ ગઇકાલે ધોધમાર વરસાદ વરસી ગયો હતો.

બપોરના સમયે અસહ્ય ઉકળાટનો માહોલ અનુભવાઇ રહ્યો છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ભાવનગર જિલ્લાના મહુવામાં દોઢ ઇંચ, ઉમરાળા અને તળાજા પંથકમાં અડધો અડધો ઇંચ જયારે વલભીપુર, જેસર અને શિહોર પંથકમાં છૂટો છવાયો વરસાદ પડ્‍યો છે.

ગોહિલવાડ પંથકના ગ્રામ્‍ય પંથકમાં મેઘરાજાની મંગલ પધરામણી થઈ છે. ભાવનગર જિલ્લાના મહુવામાં ગઈકાલે સાંજે ધોધમાર દોઢ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. મહુવા અને આજુબાજુના ગામોમાં વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ હતી. મહુવા ઉપરાંત ઉમરાળા અને તળાજા પંથકમાં અડધો અડધો ઈંચ વરસાદ પડ્‍યો હતો ત્‍યારે જેસર અને સિહોર પંથકમાં હળવા ભારે ઝાપટા વરસી ગયા હતા. ભાવનગર શહેરમાં વરસાદ પડ્‍યો નથી.ᅠ

આજે સવારે છ વાગે પૂરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભાવનગર જિલ્લાના વલભીપુરમાં ૬ મી.મી., ઉમરાળામાં ૧૪ મી.મી. સિહોરમાં ૯ મી.મી.

ᅠપાલીતાણામાં ૩૩ મી.મી.તળાજા ૧૧ મી.મી. અને જેસરમાં ૩ મી.મી .વરસાદ નોંધાયો છે.

મોરબી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી : જુન મહિનો અડધો વીતવા આવ્‍યો છે છતાં મોરબી પંથકમાં હજુ મેઘરાજા મહેરબાન થયા નથી અને સૌ કોઈ વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્‍યારે આજે સાંજના સુમારે મોરબી વાંકાનેર હાઈવે પર વરસાદી ઝાપટું વરસ્‍યું હતું પવન સાથે હાઈવે પર વરસાદ વરસ્‍યો હતો જેથી લોકોને અસહ્ય ગરમીથી રાહત મળી હતી જોકે મોરબી શહેર અને તાલુકામાં વરસાદ વરસ્‍યો નથી.

(11:41 AM IST)