<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th June 2024

કચ્‍છના વન વિભાગના ગોડાઉનમાં આગ : એક લાખ કિલો ઘાસનો જથ્‍થો ભસ્‍મીભૂત

પશુઓ માટે એકત્ર કરાયેલ ઉપયોગી ઘાસનો જથ્‍થો સ્‍વાહા, સામાજિક કાર્યકર દ્વારા તંત્ર સમક્ષ તપાસની માંગ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૫ : વન વિભાગ દ્વારા કચ્‍છના ભુજ તા.ના બન્ની વિસ્‍તારના ધોરડો નજીક આવેલ ગોરેવાલી ખાતેના ઘાસ ગોડાઉનમાં એકઠો કરાયેલ ઘાસનો જથ્‍થો આગમાં ભસ્‍મીભૂત થઈ જતાં ચકચાર મચી જવા પામી છે. એક લાખ કિલો જેટલો સૂકા ઘાસનો આ જથ્‍થો મૂંગા પશુઓ માટે ખૂબ જ કિંમતી હતો.

આ વિસ્‍તારમાં ફાયર ફાઈટર ન હોઈ આગ હોલવવા ભુજથી બંબો મોકલાયો હતો. જોકે, તે દરમ્‍યાન ઘાસનો કિંમતી જથ્‍થો સ્‍વાહા થઈ ગયો હતો. આ ગોડાઉનની આજુબાજુ ક્‍યાંય આગ લાગે તેવી શક્‍યતા નથી કે ઇલેક્‍ટ્રીક કનેક્‍શન પણ નથી. ગોડાઉન પેક છે.

આમ આગ લાગી કે લગાવાઈ એવી સંદિગ્‍ધ ચર્ચા વચ્‍ચે આ વિસ્‍તારના સામાજિક કાર્યકર ઇમરાનખાન મુતવાએ જિલ્લા કલેકટર અને ચીફ કંઝરવેટર ફોરેસ્‍ટ સી.સી.એફ. સમક્ષ ઘનિષ્ઠ તપાસની માંગ કરી છે. દરમ્‍યાન આગ અંગે જાણ થતાં જ વહીવટી તંત્ર અને વન વિભાગે, ગામ લોકો સાથે મળી આગ હોલવવા માટે સક્રિય પ્રયાસો કરી આગ ઉપર કાબૂ મેળવ્‍યો હતો.

(11:24 AM IST)