News of Friday, 14th June 2024
મોરબીના નીચી માંડલમાં વાડીમાં લૂંટારૂ ત્રાટક્યાઃ વાડીનું રખોપુ કરનાર પર હુમલો કરી કેબલની લૂંટ
મુળ ઝારખંડનો સિકંદર ગાયો ચરાવીને રાતે વાડીમાં આવતાં ચાર બુકાનીધારીને કેબલ કાપતાં જોયાઃ પડકારો કરતાં જ ધોકાવાળીઃ ગંભીર ઇજા થતાં રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૧૪: મોરબીના નીચી માંડલ ગામે વાડીમાં રહી પશુપાલન કરવાની સાથે સાથે વાડીનું રખોપુ કરવાનું કામ કરતાં મુળ ઝારખંડના યુવાન પર રાત્રીના ચાર જેટલા બુકાનીધારી લૂંટારૂઓએ ધોકાથી હુમલો કરી બેફામ માર મારી વાડીમાંથી કેબલની લૂંટ કરતાં ચકચાર મચી ગઇ છે. હુમલામાં ઘાયલ યુવાનને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
જાણવા મળ્યા મુજબ મોરબીના નીચી માંડલ ગામે વિનુભાઇ ભરવાડની વાડીમાં વર્ષોથી રહેતાં અને તેમની ગાયો ચારવાનું કામ કરવાની સાથે વાડીની દેખરેખ પણ રાખતાં મુળ ઝારખંડના સિકંદર લખનભાઇ કતાર (ઉ.વ.૩૮) નામના યુવાન પર ૧૨મી તારીખના રાતે સાડા અગિયારેક વાગ્યે અજાણ્યા ચાર બુકાનીધારીએ ધોકાથી હુમલો કરી બેફામ માર મારતાં તે આખી રાત બેભાન જેવી હાલતમાં વાડીએ પડી રહ્યો હતો. સવારે વાડી માલિક આવતાં બનાવની જાણ થતાં તેને સારવાર માટે મોરબી ખસેડયો હતો. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયો છે.
ભાનમાં આવેલા સિકંદરે કહ્યું હતું કે પોતે વિનુભાઇની વાડીમાં દેખરેખર રાખે છે અને તેમની ગાયો ભેંસો ચારવાનું કામ કરે છે. બારમીએ સાંજે તે જંગલ વિસ્તારમાં ગાયો ચારવા ગયો હતો. રાતે સાડા અગિયારેક વાગ્યે વાડીએ આટો મારવા પહોંચ્યો ત્યારે વાડીમાં આવેલી મોટરનો કેબલ કાપતા ચાર બુકાનીધારી શખ્સ જોવા મળ્યા હતાં. તેને પડકારતાં જ ધોકાથી હુમલો કરી આડેધડ માર માર્યો હતો. પોતે બેભાન થઇ જતાં બીજા દિવસે સવારે વાડી માલિક આવ્યા બાદ દવાખાને ખસેડયો હતો. લૂંટારૂઓ વાડીમાંથી આશરે ચારસો ફૂટનો કેબલ કાપીને લઇ ગયાનું સિકંદરે જણાવતાં વધુ તપાસ થઇ રહી છે.
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
