News of Wednesday, 12th June 2024
મોરબી મચ્છુ નદીના કાંઠે મંજૂરી વગર સ્વામિનારાયણ મંદિર બંધાઈ ગયું ! બાંધકામ હટાવવા આદેશ
મોરબી બાર એસોસિએશન પ્રમુખ દિલીપ અગેચણિયાની ફરિયાદ બાદ તંત્ર દોડતું : સ્વામિનારાયણ મંદિરના સંચાલકોને 30 દિવસમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા તાકીદ

(જયેશ ભટ્ટાસણા દ્વારા)ટંકારા તા.૧૨ : મોરબી મચ્છુ નદીના કાંઠે કોઈપણ જાતની મંજૂરી વગર સ્વામિનારાયણ મંદિરના સંચાલકોએ મંદિરનું બાંધકામ કરવાની સાથે નદીના પટ્ટમાં ગેરકાયદેસર વિશાળ દીવાલ ચણી નાખતા મોરબી બાર એસોસિએશન પ્રમુખની ફરિયાદ બાદ નગરપાલિકા તંત્ર સફાળું જાગ્યું છે અને 30 દિવસમાં ગેરકાયદેસર બાંધકામ હટાવવા આદેશ કર્યો છે.
મોરબીમાં લાંબા સમયથી મચ્છુ નદીના પટ્ટમાં ગેરકાયદેસર રીતે સ્વામિનારાયણ સંપ્રદાયનું વિશાળ મંદિર બાંધવામાં આવી રહ્યું છે જેમાં રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ જાગૃત નાગરિક અને મોરબી બાર એસોસિએશન પ્રમુખ દિલીપ અગેચણિયા દ્વારા જિલ્લા કલકેટરને આ ગેરકાયદે બાંધકામ અને નદીના પટ્ટમાં અવરોધજનક રીતે દીવાલ ચણી લેવા મામલે ફરિયાદ કરતા કલેકટરે તપાસના આદેશ આપ્યા હતા. બાદમાં મોરબીએ સ્વામિનારાયણ સંપ્રદાયના સંચાલકોને 30 દિવસમાં આ ગેરકાયદેસર બાંધકામ હટાવવા નોટિસ ફટકારી છે.
વધુમાં પાલિકાએ પાઠવેલી નોટિસમાં જણાવાયું છે કે, નગરપાલિકા હદ વિસ્તારમાં મોરબી ગામના રે.સ.ન.માં 17/પૈકી2, 18/પૈકી1, 18/પૈકી2, 20/પૈકી4/પૈકી2માં ધાર્મિક હેતુનું બાંધકામ મોરબી નગરપાલિકાની મંજૂરી વગર કરવામાં આવ્યું છે. મોરબી નગરપાલિકાની પૂર્વ મંજૂરી વગર બાંધકામ શરૂ કરી ગુજરાત અધિનિયમના નિયમો અને પેટા નિયમોનો ભંગ કર્યો હોય ત્યારે ગુજરાત ટાઉન પ્લાનિંગ અને અર્બન ડેવલપમેન્ટ એકટની કલમ -36 અન્વયે આ ગેરકાયદેસર કરવામાં આવેલ બાંધકામ 30 દિવસમાં સ્વ ખર્ચે અને જોખમે દૂર કરવામાં નહીં આવે તો ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે.
વધુમાં સમગ્ર મામલે મોરબીના નદીકાંઠે બાંધકામ કરી રહેલા સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામી હરિચરણ દાસનો સંપર્ક કરવા પ્રયાસ કરવામાં આવતા તેઓ સતત ફોન કટ્ટ કરી રહ્યા છે.

(12:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
