તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th June 2024
સૌરાષ્ટ્ર - કચ્છમાં ધૂપછાંવ : આજે પણ વરસાદની આગાહી
આ વખતે ૪ દિવસ પહેલા જ ગુજરાતમાં ચોમાસાના શ્રીગણેશ : ૫ દિવસ હળવો ભારે વરસાદ પડશે

રાજકોટ તા. ૧૨ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં આજે પણ ધૂપ-છાંવ યથાવત છે. આજે જુદા-જુદા જીલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજે સવારે પણ પવનના સૂસવાટા ફૂંકાઇ રહ્યા છે અને મિશ્ર વાતાવરણ યથાવત છે.
નૈઋત્યનું ચોમાસું નિયત સમય કરતાં ચાર દિવસ વહેલું મંગળવારે ગુજરાતમાં પહોંચ્યું છે. ચોમાસું સામાન્ય રીતે ૧૫ જૂન સુધીમાં ગુજરાતમાં પહોંચે છે. પરંતુ આ વખતે ચાર દિવસ પહેલા જ ગુજરાતમાં ચોમાસાના શ્રીગણેશ થઇ ગયા છે. હવામાન વિભાગે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. IMD અમદાવાદના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું છે કે, આગામી સાત દિવસ અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
મંગળવારે અમદાવાદ હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે, છૂટાછવાયા સ્થળો પર વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી છે. બુધવારે છૂટાછવાયા સ્થળો પર વીજળીના ચમકારા સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ અને પંચમહાલ, દાહાદ અને મહીસાગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદનું પૂર્વાનુમાન છે.
રામાશ્રય યાદવે એમ પણ જણાવ્યુ છે કે, ગુરૂવારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ જયાં છૂટાછવાયા સ્થળો પર હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતનાં સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, દાહોદ, મહીસાગર આણંદ, ખેડા જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં પણ વરસાદ થવાની આગાહી છે. શુક્ર અને શનિવારે છૂટાછવાયા સ્થળો પર હળવો વરસાદ થવાની આગાહી છે. શુક્ર અને શનિવારે દિવસે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર, હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદ થવાની આગાહી છે.
હવામાન વિભાગની આગાહીમાં રવિવારે અને સોમવારે દિવસે નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર, હવેલી તથા સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં છૂટાછવાયા સ્થળો પર હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. આવનારા પાંચ દિવસમાં કોઇ મોટો ફેરફાર નહીં થાય. દિવસે દિવસે તાપમાનમાં ઘટાડો થઇ શકે છે.
ઓવરઓલ વાત કરીએ તો, આગામી પાંચ દિવસ દરમિયાન બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ અને વીજળીના કડાકા સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે. પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર-કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવના તમામ જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા છે
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
