<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th June 2024

ગોંડલમાં દલિત સમાજની મહારેલીઃ ગણેશ જાડેજાના સમર્થનમાં ગામડા બંધ

જુનાગઢમાં યુવકને માર મારવાના વિરોધમાં આક્રોશઃ સામે પક્ષે ધારાસભ્‍યના પુત્રને ઠેરઠેર સમર્થન

ગોંડલ : ગોંડલમાં આજે દલિત સમાજ દ્વારા રેલી યોજીને ગણેશ જાડેજાનો દલિત સમાજ વિરોધ કરી રહ્યુ છે તો સામા પક્ષે ગોંડલ સહિત સંખ્‍યાબંધ ગામડાઓ તથા માર્કેટીંગ યાર્ડે બંધ પાળીને વિરોધ ઠાલવ્‍યો  છે. તસ્‍વીરમાં ગોંડલ, દેરડી (કુંભાજી), સુલ્‍તાનપુર, કોલીથડ, જામવાડી, માર્કેટીંગ યાર્ડ સહિત બંધ છે. તો ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત તથા ફાયર ફાયટર અને એમ્‍બ્‍યુલન્‍સની ટીમ તૈનાત રખાઇ છે. (તસ્‍વીર : ભાવેશ ભોજાણી -ગોંડલ) (પ-૧૪)

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૧૨: ગોંડલના પૂર્વ ધારાસભ્‍ય જયરાજસિંહ જાડેજા અને વર્તમાન ધારાસભ્‍ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશભાઇ જાડેજા સામે જુનાગઢના દલિત યુવકને માર મારવાની ફરિયાદ બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. તેના વિરોધમાં આજે ગોંડલના સંખ્‍યાબંધ ગામો તથા માર્કેટીંગ યાર્ડ બંધ છે.

જયારે સામે પક્ષે ગોંડલમાં આજે દલિત સમાજની મહારેલી યોજાઇ છે. અને ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત ગોઠવાયો છે.

ગોંડલ નાં ધારાસભ્‍ય નાં પુત્ર દ્વારા જુનાગઢ નાં અનુ.જાતિનાં યુવાન નુ અપહરણ કરી માર મારવાની ઘટના માં સમસ્‍ત અનુ.જાતિ ગુજરાત દ્વારા તા.૧૨ બુધવાર નાં જુનાગઢ થી રેલીનું આયોજન કરી ગોંડલ પંહોચી ત્‍યાં મહાસંમેલન નું આયોજન કરાયુ છે.સંમેલન માં અધ્‍યક્ષ તરીકે જુનાગઢ જીલ્લા અનુ.જાતિ સમાજ નાં પ્રમુખ રાજુભાઇ સોલંકી તથા ઉદ્ધાટક તરીકે ઉપપ્રમુખ રાવણભાઇ પરમાર ઉપસ્‍થિત રહેનાર છે.

રેલી તથા મહાસંમેલન અંગે બહાર પડાયેલી પત્રીકા માં જણાવાયું છેકે જુનાગઢ જિલ્લા અનુ.જાતિ સમાજ નાં પ્રમુખ રાજુભાઇ સોલંકી નાં પુત્ર સંજય સોલંકીનું ગોંડલ નાં ધારાસભ્‍ય ગીતાબા તથા જયરાજસિહ જાડેજા નાં પુત્ર ગણેશ જાડેજા દ્વારા ગત તા.૩૦ રાત્રીનાં જુનાગઢ થી અપહરણ કરી નિવષા કરી માર મારી તેનો વિડીયો ઉતારી રિવોલ્‍વર તાકી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્‍હો આચરેલ હોય આ ઘટના માં મુખ્‍ય આરોપી શાસક પક્ષનાં ધારાસભ્‍ય નાં પરીવાર નાં સભ્‍ય હોવા છતા કોઇની શેહશરમ માં આવ્‍યા વગર જીલ્લા પોલીસ અધિક્ષક તથા તેમની ટીમે સત્‍વરે આરોપીઓ ને ઝડપી પાડ્‍યા હતા.સરકારશ્રી એ પણ પોલીસ પર દબાણ ઉભુ કર્યા વગર નમુનારુપ કામગીરી દાખવી છે.ત્‍યારે સરકાર અને જીલ્લા પોલીસ અધિક્ષક અને તેમની ટીમ નો આભાર માનવા તથા આ ઘટના માં વધુ કડક કાર્યવાહી થાય તે માટે સ્‍પેશિયલ પી.પી.ની નિમણુંક કરવા તથા કેસ ની ટ્રાયલ ફાસ્‍ટટ્રેક કોર્ટ માં ચલાવવા તથા કેસને વધુ મજબુત કરવા આરોપીઓ સામે ગુજસીટોક તથા ગુનાહિત કાવતરાની કલમ ૧૨૦-બી નો ઉમેરો કરવા ની માંગણી સાથે સમગ્ર અનુ.જાતિ સમાજ ગુજરાત દ્વારા પ્રતિકાર મહાસંમેલન નું આયોજન આરોપીનાં વતન ગોંડલ ખાતે કરવામાં આવ્‍યું છે.જેથી આરોપી તથા તેના પરિવાર નાં ભય નાં ઓથાર હેઠળ જીવતી ગોંડલ ની પ્રજા ને ઓક્‍સિજન પુરો પાડી શકાય.

 રેલી સવારે દશ કલાકે જુનાગઢ થી નીકળી નવાગઢ ડો.આંબેડકર ચોક પંહોચશે.ત્‍યાંથી ભેંસાણ,જેતપુર, ધોરાજી,ઉપલેટા,નાં કાર્યકર્તાઓ રેલી માં જોડાશે.વિરપુર હાઇવે થી વિરપુર તથા આસપાસ નાં ગામો નાં કાર્યકર્તાઓ જોડાશે.રેલી સવારે અગીયાર કલાકે જામવાડી ચોકડી પંહોચશે.ત્‍યાં જામકંડોરણા,લોધીકા,ગોંડલ, કોટડા,પડધરી,ટંકારા નાં કાર્યકર્તાઓ રેલી માં જોડાશે.રેલી ગોંડલ નાં રાજમાર્ગો પર ફરી ડો.આંબેડકર ચોક ખાતે ડો.આંબેડકર ની પ્રતિમા ને ફુલહાર કરી સભાનાં રુપ માં ફેરવાશે તેવું જણાવાયું છે.મહાસંમેલનમાં ગીર સોમનાથ, કુતિયાણા, તાલાલા, અમરેલી, જસદણ, કેશોદ, વંથલી, મેંદરડા સહિત નાં આગેવાનો ઉપસ્‍થિત રહેનાર છે.

ગણેશ જાડેજાના સમર્થનમાં મુસ્‍લિમ વેપારીઓ દ્વારા અડધો દિવસ બંધ

ગોંડલ તા. ૧રઃ ગણેશભાઇ જાડેજાના સમર્થનમાં ગોંડલની ધાર્મિક-સામાજિક-શૈક્ષણિક સંસ્‍થાઓ ત્‍થા વ્‍યાપારી ભાઇઓ દ્વારા સ્‍વૈચ્‍છીક બંધ રાખી પોતાનો સંપૂર્ણ ટેકો જાહેર કરેલ છે આ બંધમાં મુસ્‍લિમ વ્‍યાપારી ભાઇઓ પણ સ્‍વૈચ્‍છિક જોડાઇને અડધો દિવસ પોતાના કામ ધંધા બંધ રાખી ગણેશભાઇ તથા જાડેજા પરિવારને પોતાનો સંપૂર્ણ ટેકો જાહેર કરેલ છે. મુસ્‍લિમ વ્‍યાપારી ભાઇઓ આ બંધમાં જોડાઇને ગોંડલની એકતા અને જાડેજા પરિવારની વફાદારી જાહેર કરી અડધો દિવસ પોતાની દુકાનો બંધ રાખે તેવી અપીલ કરી છે તેમ મેમણ જમાતની યાદીમાં જણાવાયું છે.

(11:20 AM IST)