<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th June 2024

પોરબંદરઃ ઐતિહાસિક સરસાઇથી જીત મેળવેલ અર્જુનભાઇ મોઢવાડીયાના ધારાસભ્‍ય તરીકે શપથ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર,તા.૧૨: અપાર જનસમર્થન સાથે ઐતિહાસિક સરસાઈથી જીત મેળવનાર અર્જુનભાઈ મોઢવાડિયાએ નવા ચુંટાયેલ ધારાસભ્‍યો ડો. સી.જે. ચાવડા, ચિરાગભાઈ પટેલ, અરવિંદભાઈ લાડાણી અને ધર્મેન્‍દ્રસિંહ વાઘેલા સાથે આજે ગુજરાત વિધાનસભાના અધ્‍યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી સમક્ષ ધારાસભ્‍ય પદના શપથ ગ્રહણ કર્યા. આ પ્રસંગે મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ, આરોગ્‍યમંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ, નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપુત, પાણી પુરવઠા મંત્રી કુવરજીભાઈ બાવળીયા સહિત મંત્રીમંડળના સભ્‍યો હાજર રહ્યા હતા.

તાજેતરમાં લોકસભાની ચુંટણી સાથે યોજાયેલ પોરબંદર વિધાનસભાની પેટાચુંટણીમાં ૧,૧૬,૮૦૮ મતની ઐતિહાસિક સરસાઈ સાથે ભાજપના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડિયાની રેકોર્ડબ્રેક જીત થઈ છે. ૮૩ પોરબંદર વિધાનસભાની આ પેટા ચુંટણીમાં કુલ ૧,૫૪,૯૦૯ લોકોએ (૫૮%) મતદાન થયુ હતું. જેમાંથી ભાજપના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડિયાને કુલ ૧,૩૩,૧૬૩ મત પ્રાપ્ત થયા છે,

૮૩-પોરબંદર વિધાનસભાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાને મળેલી ઐતિહાસીક સરસાઈએ ૮૩-પોરબંદર વિધાનસભાના બેઠકના ઈતિહાસમાં મળેલી સૌથી મોટી સરસાઈ છે. આ પહેલા સૌથી મોટી સરસાઈ ૨૩,૬૪૦ મતની હતી. જયારે આ વખતે  અર્જુનભાઈ મોઢવાડિયાએ ૧,૧૬,૮૦૮ મતની સરસાઈ એટલે કે તે સરસાઈ કરતા લગભગ પાંચ ગણી સરસાઈ સાથે નવો વિક્રમ સ્‍થાપિત કર્યો છે.

(11:04 AM IST)