<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

જેતપુરના મેવાસામાં ૪, જામકંડોરણાના ભાદરા-ધોળીધારમાં અઢી ઇંચ

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સર્વત્ર ધોમધમખતો યથાવત : મિશ્ર હવામાન

રાજકોટ તા.૧૧: રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર- કચ્‍છમાં મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે. આવા વાતાવરણ વચ્‍ચે હળવો ભારે વરસાદ પડી જાય છે. જેતપુરના મેવાસામાં ૪ ઇંચ, જામકંડોરણા ભાદરા-ધોળીધારમાં અઢી ઇંચ વરસાદ પડયો છે.

વિરપુર(જલારામ)

(કિશન મોરબીયા દ્વારા) વિરપુર (જલારામ) :   હવામાન વિભાગ ની આગાહી મુજબ રાજકોટ જિલ્લાના વિરપુર, જેતપુર જામકંડોરણા સહિતના તાલુકા માં સવારથી અસહ્ય બફારા બાદ બોપર બાદ ધોધમાર વરસાદ નું આગમન થયું હતું,જેમાં વિરપુર સહિત વિરપુરના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં જેવા કે મેવાસા, જાંબુડી , કાગવડ, ખીરસરા સહિતના ગામોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્‍યો હતો,સાથે જ મેવાસા ગામે ભારે પવન સાથે ધોધમાર અંદજીત ૪ ઈંચ જેવો વરસાદ વરસ્‍યો હોવાનું ગામ લોકોએ કહ્યું હતું,મેવાસા ગામે ધોધમાર વરસાદ ના પગલે શેરીઓમાં વરસાદી પાણી ફરી વળ્‍યાં હતા,સાથે જ મેવાસા થી હરિપર રોડ ઉપર વરસાદના પગલે એક RMB દ્વારા થોડા મહિના પહેલા ૬ લખાણ ખર્ચે બનાવેલ દીવાલ  પણ ધરસાઈ થઈ હતી,સાથે મેવાસા થી હરિપર જવાના રોડ ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવાનો પડ્‍યો હતો,રોડ ઉપર પાણી ફરી વળતા રોડની બંને બાજુ ટ્રાફિક જામ ના દ્રશ્‍યો સર્જાય હતા,સાથે જ ધોધમાર વરસાદ વરસતા વાવણી કરેલ ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી,અને વરસાદના લોકોને અસહ્ય બફારા માંથી રાહત મળી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

જામકંડોરણા

(મનસુખ બાલઘા દ્વારા) જામકંડોરણાઃ જામકંડોરણાનાં ગ્રામ્‍ય વિસ્‍તારમાં ગઇકાલે બપોરબાદ સાંજના સમયે ધોધમાર વરસાદ પડયો હતો તાલુકાના ભાદરા અને ધોળીધાર ગામમાં આશરે બે થી અઢી ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડયો હતો આ વરસાદથી ખેતરો તેમજ શેલા અને રસ્‍તાઓ પર પાણી વહેતા થઇ ગયા હતા. તાલુકાના સાજડીયાળી અને બોરીયા ગામે પણ વરસાદ પડયો હતો. જામકંડોરણામાં માત્ર પવન સાથે છાંટા પડયા હતા.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ભાવનગર જિલ્લાના મહુવા તાલુકા ના કેટલાક ગામોમાં ગઈકાલે તોફાની પવન સાથે એક થી દોઢ ઇંચ વરસાદ વરસી ગયો હતો.

પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ખારી, ગલથર અને બેલમપર ગામમાં ગઈકાલે સાંજે વાતાવરણમાં પલટો આવ્‍યો હતો અને ભારે પવન ફુંકાયા બાદ એક થી દોઢ ઇંચ વરસાદ પડી ગયો હતો. વરસાદથી ખેતરમાં પાણી વહી ગયા હતા.

ગોહિલવાડ પ્રથમ માં હવે ધરતીપુત્રો મેઘરાજાની પધરામણી થાય તેવી કાગ ડોળે રાહ જોઈ રહ્યા છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ સહિત સોરઠમાં અસહ્ય બફારોથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્‍યા છે.

નગર ખાતે સોમવારે મહત્તમ તાપમાન ૪૦.૧ ડિગ્રી રહ્યા બાદ રાત્રે નું તાપમાન ૩૦.૨ ડિગ્રી નોંધાયું હતું. જેના પરિણામે રાતભર લોકો ગરમીથી ત્રસ્‍ત થયા બાદ આજે સવારે વાતાવરણમાં ૭૭ ટકા ભેજ સાથે લઘુત્તમ તાપમાન ૨૮.૨ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણે યથાવત રહેતા બફારોએ સવારથી માજા મૂકી હતી. સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ ૯.૭ કિલોમીટરની રહી હતી.

(11:03 AM IST)