News of Monday, 10th June 2024
કાલે ત્રંબામાં જગદગુરૂ શંકરાચાર્ય પૂ.સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજની અધ્યક્ષતામાં સનાતન ધર્મ સંત સંગોષ્ઠી
સનાતન વિરોધી કૃત્યો સામે લડત આપવા નિર્ણય લેવાશે પૂ.મોરારીબાપુ, પૂ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝા, પૂ.મુકતાનંદબાપુ સહીત સંતો, મહંતો, મહામંડલેશ્વરો, કથાકારો ઉપસ્થિત રહેશે

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા., ૧૦: આગામી તા.૧૧ જુન મંગળવારના રોજ ત્રંબા રાજકોટ ભરાડ સ્કુલ ખાતે સાંજે ૪.૩૦ કલાકથી ૬ વાગ્યા સુધી જગતગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના અધ્યક્ષસ્થાને સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટ ભારત આયોજીત સનાતન ધર્મ સંત સંગોષ્ઠીનો કાર્યક્રમ યોજાશે.
જેમાં પુ. જગતગુરૂ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ અખિલ ભારત સાધુ સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ પુ.મુકતાનંદ બાપુ, પુ.મોરારીબાપુ, પુ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝા આ સમીતીના અધ્યક્ષ પુ.શેરનાથબાપુ, ઉપાધ્યક્ષ પુ.મહામંડલેશ્વર કનિરામ બાપુ દિલીપદાસ મહારાજ, જગન્નાથ મંદીર અમદાવાદ, ધુનડાથી પુ.જેન્તીરામ બાપા, સતાધારના પુ. વિજય બાપુ, તોરણીયાના પુ.રાજેન્દ્રદાસ બાપુ, જુનાગઢના પુ.જગજીવનદાસ બાપુ, મેંદરડાથી પુ.સુખરામદાસબાપુ, જુનાગઢના પુ.મહેશગીરી બાપુ તેમજ પુ. મહાદેવગીરી બાપુ, જેતપુર જીથુડી હનુમાન મંદીરના પુ.રામદયાલદાસ બાપુ સહીત સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી સનાતન ધર્મના સંતો-મહંતો મહામંડલેશ્વરો તથા કથાકારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.
આ ધર્મસભામાં સનાતન ધર્મના રક્ષણ માટે પધારેલ ગુજરાતના બધા જ સંતોને (પદ) હોદો આપીને અધ્યક્ષશ્રી પ.પુ. જગતગુરૂજીના હસ્તે સન્માન કરીને નિયુકત પત્ર આપવામાં આવશે માટે દરેક સનાતની સંતોને હાજર રહેવા શ્રી સનાતન ધર્મ સંરક્ષણ સમીતી ગુજરાત રાજય દ્વારા જણાવ્યું છે.
આ ધર્મસભા પુર્ણ થયે ભોજનપ્રસાદનું પણ આયોજન કરાયું છે. જેમાં પુ. મુકતાનંદ બાપુના માર્ગદર્શન હેઠળ જયેશભાઇ દવે અને સુલતાનપુર રીબડાથી ૧૦૦થી વધુ સ્વયંસેવકો વ્યવસ્થા જાળવશે અને ભોજન પ્રસાદ પીરસશે તેમ જણાવવામાં આવ્યું હતું.
આ સંમેલનમાં સનાતન ધર્મના કોઇ પણ દેવી દેવતાઓ માટેની અપમાનજનક ટીપ્પણીના કૃત્યો સહીત મુદ્દે કાયદાકીય પગલા લેવાનો નિર્ણય વિચારણા નિર્ધારીત કરવામાં આવશે. તેમજ કેટલાક સંપ્રદાયના પુસ્તકોમાં દેવી દેવતાઓને નીચા ચિતરવામાં આવતા હોય તેની સામે પગલા લેવા નિર્ણય કરવામાં આવશે.
ઉપરાંત ધાર્મિક જગ્યામાં ચાલતી અનેક સમસ્યાઓના નિવારણ માટે ગહન ચર્ચાઓ કરી નિર્ણયો લેવાશે.
(12:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
