<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd November 2026

વીરપુરમાં ખેતરમાં ૬૬ કેવી તાર તૂટતાં વીજ તંત્રની બેદરકારી!

૨૪ કલાક બાદ પણ કોઈ કાર્યવાહી નહીં!: ખેડૂતનું ખેતીકામ ખોરવાયું: ફોન કાપી નાખતા હોવાનો આક્ષેપ!

વીરપુર તા.૨: વીરપુર ગામના ખેડૂત ખાતેદાર મુકેશભાઈ ધામેલીયાના ખેતરમાંથી પસાર થતી ૬૬ કેવી હેવી વીજ લાઈનનો તાર ગઈકાલે આવેલા કમોસમી અને ભારે પવન સાથે વરસાદના કારણે તૂટીને નીચે ખેતરમાં જમીન પર પડી ગયો હતો. આ ઘટના બન્‍યાને ૨૪ કલાક જેટલો સમય વીતી ગયો હોવા છતાં, વીજ તંત્ર દ્વારા હજુ સુધી સ્‍થળ પર કોઈ તપાસ, સમારકામની કામગીરી કે નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. હાઈ-વોલ્‍ટેજ લાઈન જેવી ગંભીર બાબતમાં પણ બેદરકારી સામે આવતા સ્‍થાનિક સ્‍તરે ચિંતાનો માહોલ સર્જાયો છે.

ખેતરમાં વીજ લાઈનનો તાર તૂટીને પડ્‍યો હોવાથી ખેડૂત મુકેશભાઈ ધામેલીયાનું ખેતીકામ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. ખેતરમાં હાલ મહત્‍વનું ખેતીકામ બાકી હોવાથી અને જમીન પર પડેલા તારનું હજુ સુધી કોઈ રીપેરીંગ ન થયું હોવાથી ખેડૂત પોતાના ખેતરમાં કામ કરી શકતા નથી. કોઈ મોટી જાનહાનિ કે અકસ્‍માત સર્જાય તે પૂર્વે તંત્ર દ્વારા તાત્‍કાલિક પગલાં લેવા જરૂરી બન્‍યા છે.

યાત્રાધામ વીરપુરમાં ભૂતકાળમાં પણ હેવી વિજતાર તૂટવાનાં અનેક બનાવો બન્‍યા છે અને ખેડૂતો પણ આ વીજ ટાર તૂટવાનાં અકસ્‍માતના ભોગ પણ બન્‍યા છે અને ખેડૂતોના ખેતરોમાં પાકોને પણ નુકસાન થયાની ઘટનાઓ બની છે ત્‍યારે આ ગંભીર સમસ્‍યા બાબતે જાણ કરવામાં આવી હોવા છતાં કોઈ જ પગલાં લેવામાં આવ્‍યા નથી. વધુમાં, ટેલિફોનિક સંપર્ક કરીને રજૂઆત કરવામાં આવે છે, ત્‍યારે ફોન કાપી નાખતા હોવાના પણ ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે.

છેલ્લા ૨૪ કલાકથી પરેશાન થઈ રહેલા ખેડૂત મુકેશભાઈ ધામેલીયાએ વીજ કંપની અને સરકારને માહિતગાર કરતા અપીલ કરી છે કે, તાત્‍કાલિક ધોરણે આ તૂટેલા વીજ તારનું રીપેરીંગ કરવામાં આવે અને ખેતરમાંથી તાર ઉપાડી લેવામાં આવે. જો સત્‍વરે આ કામગીરી પૂર્ણ કરવામાં આવે તો જ તેઓ પોતાનું અટકી પડેલું ખેતીકામ તાત્‍કાલિક ધોરણે આગળ વધારી શકે તેમ છે. જ્‍યારે જેટકોના કાર્યપાલક ઈજનેર રાવલને આ બાબતે પૂછતાં તેમને આવતી કાલે તાર રિપેર થઈ જશે એવો જવાબ આપેલ.(તસ્‍વીરઃ કિશન મોરબીયા- વિરપુર)

(11:23 AM IST)