<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

મુંબઇના ૬૨ વર્ષના વૃધ્‍ધાને પતિએ લાકડીથી ફટકાર્યાઃ ૮ મહિના પહેલા કરસનભાઇ સાથે બીજા લગ્ન કર્યા છે!

વૃધ્‍ધાએ કહ્યું-લગ્ન વખતે નક્કી થયું હતું કે મારા નામે મકાન કરી દેવું, પેન્‍શનમાં મારું નામ ચડાવવું અને મને મગલસુત્ર લઇ દેવું: પણ હવે પતિ ફરી ગયાઃ મેં માંગણી કરતાં માર પડયો : ગોંડલના કેશવાળા ગામનો બનાવઃ વૃધ્‍ધા સારવાર હેઠળ

રાજકોટ તા. ૩: ગોંડલના સુલતાનપુર ગામે સાંજે આઠેક વાગ્‍યે મુળ મુંબઇના અને હાલ કોટડાસાંગાણીના રામોદ ગામે રહેતાં વિરૂબેન કરસનભાઇ (ઉ.વ.૬૨) નામના વૃધ્‍ધાને તેના પતિ કરસનભાઇએ લાકડીથી માર મારતાં માથામાં ઇજા થતાં લોહીલુહાણ હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે સુલતાનપુર પોલીસને જાણ કરી હતી.

વિરૂબેને હોસ્‍પિટલના બિછાનેથી કહ્યું હતું કે હું મુળ મુંબઇની વતની છું. મારે આગળ પાછળ કોઇ નથી. ગયા વર્ષે સુરત કામ માટે આવી ત્‍યારે પરિચીત મહિલાઓ મારફત જાણ થઇ હતી કે મુળ કચ્‍છના અને હાલ રામોદ ગામે રહેતાં કરસનભાઇને બીજા લગ્ન કરવા છે. મારે પણ લગ્ન કરવાના હોઇ જેથી તેમનો પરિચીત મારફત સંપર્ક કરી હું તેમને રૂબરૂ મળવા આવી હતી. તે નિવૃત સરકારી કર્મચારી છે. અમે બંનેએ એક બીજા સાથે ઘર માંડવાનું નક્કી કર્યુ હતું. એ પછી આજથી આઠ મહિના પહેલા મેં તેની સાથે લગ્ન કર્યા છે. વિરૂબેને વધુમાં કહ્યું કે લગ્ન થયા ત્‍યારે નક્કી થયું હતું કે પતિ કરસનભાઇએ મારા નામે મકાન કરી દેવું, પેન્‍શનમાં મારું નામ ચડાવવું અને મને એક મંગલસુત્ર લઇ દેવું. પરંતુ હવે આઠ મહિના થઇ ગયા છેતાં તે આ નક્કી થયા મુજબની એકેય વાત અંગે કંઇ કરતાં ન હોઇ મેં આ બાબતે માંગણી કરતાં ગત સાંજે અમે કેશવાળા ગામે હોઇએ ત્‍યાં  પતિએ માથાકુટ કરી લાકડીથી માથામાં ફટકા મારી દેતાં હું બેભાન જેવી થઇ પડી ગઇ હતી. બાદમાં મને કોઇએ હોસ્‍પિટલે ખસેડી હતી. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં સુલતાનપુર પોલીસે આક્ષેપો અંગે તપાસ શરૂ કરી છે.

 

(1:15 PM IST)