તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 19th June 2026
ભાવનગર મેડિકલ કોલેજ રેગિંગ પ્રકરણમાં ૬ વિદ્યાર્થીઓ સસ્પેન્ડ
દોષિત સાબિત થયેલા છાત્રો સામે એન્ટી રેગિંગ કમિટીની કાર્યવાહીઃ પોલીસ ફરિયાદ કરાશે

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૯: ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં જૂનિયર વિદ્યાર્થીઓ સાથે થયેલી રેગિંગની ગંભીર ઘટના બાદ વહીવટી તંત્ર દ્વારા અત્યંત કડક પગલાં લેવામાં આવ્યા છે. મોડી રાત સુધી ચાલેલી એન્ટી-રેગિંગ કમિટીની મહત્વની બેઠકમાં નેશનલ મેડિકલ કમિશન (NMC)ની ગાઈડલાઈન અનુસાર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ તપાસ દરમિયાન કમિટી દ્વારા પીડિત, દોષિત અને અન્ય વિદ્યાર્થીઓ સહિત અંદાજે ૩૦થી વધુ લોકો તેમજ સ્પોર્ટ સ્ટાફ અને ફેકલ્ટીના નિવેદનો નોંધવામાં આવ્યા હતા, જેમાં તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ બાદ ૬ સિનિયર વિદ્યાર્થીઓને સત્તાવાર રીતે દોષિત જાહેર કરવામાં આવ્યા છે.
આ આખા કાંડમાં દોષિત સાબિત થયેલા તમામ ૬ વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દી પર કમિટીએ મોટો બ્રેક લગાવી દીધો છે, જેમાં ગુનાની ગંભીરતાને આધારે એક વિદ્યાર્થીને સૌથી વધુ ૨ વર્ષ માટે, ત્રણ વિદ્યાર્થીઓને ૧ વર્ષ માટે અને અન્ય બે વિદ્યાર્થીઓને ૬ મહિના માટે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ કડક સજાની સાથે જ તમામ દોષિતોને સાંજ સુધીમાં તાત્કાલિક હોસ્ટેલ ખાલી કરી દેવાનો આદેશ પણ આપી દેવાયો છે. સસ્પેન્શનના આ ગાળા દરમિયાન આ વિદ્યાર્થીઓ કોલેજની કોઈ પણ પ્રવળત્તિમાં સામેલ થઈ શકશે નહીં અને તેઓને ક્લિનિકલ, એકેડેમિક તેમજ હોસ્પિટલની તમામ કામગીરીથી સદંતર દૂર રાખવામાં આવશે.
કોલેજ પ્રશાસન આ મામલાને માત્ર શૈક્ષણિક સજા પૂરતો મર્યાદિત રાખવા માંગતું નથી, તેથી કમિટી દ્વારા આ તમામ છ દોષિત વિદ્યાર્થીઓ સામે ટૂંક સમયમાં જ પોલીસ ફરિયાદ (FIR) દાખલ કરવાનો પણ મક્કમ આદેશ આપી દેવાયો છે. આ આકરા પગલાંને કારણે મેડિકલ કોલેજના અન્ય વિદ્યાર્થીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે અને શૈક્ષણિક સંકુલોમાં રેગિંગ જેવી પ્રવળત્તિઓ ચલાવી લેવામાં નહીં આવે તેવો સ્પષ્ટ સંદેશો આપવામાં આવ્યોછે.
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
