તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th September 2026
કચ્છના માંડવીમાં ૪ કલાકમાં ૬ ઇંચ વરસાદ : જુઓ વિડિયો
કચ્છમાં આજે સતત બીજે દિ' મેઘમહેરઃ ભુજ અઢી ઇંચ, મુન્દ્રા દોઢ ઇંચ, લખપત, અંજાર, નખત્રાણા, અબડાસા, ગાંધીધામમાં એક ઇંચ વરસાદઃ એકંદરે મોડે મોડે કચ્છમાં સાર્વત્રિક સારા વરસાદને પગલે ખેડૂતો, પશુપાલકો ખુશ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૧૫: કચ્છમાં આજે બીજે દિવસે પણ મેઘમહેર દ્વારા મેઘરાજાએ અછતના સંકટને હળવું કર્યું છે. આજે બીજા રાઉન્ડમાં સવારે ૬ વાગ્યાથી સવારે ૧૦ વાગ્યા સુધી માંડવીમાં ૬ ઇંચ વરસાદ ખાબકયો હતો. એક સામટા ભારે વરસાદને પગલે માંડવી શહેર પાણી પાણી થઈ ગયું છે. જ્યારે આજે સવારે ૬ થી ૧૦ વાગ્યા સુધીમાં ભુજમાં અઢી ઇંચ, મુન્દ્રા દોઢ ઇંચ, લખપત, અંજાર, નખત્રાણા, અબડાસા, ગાંધીધામમાં એક ઇંચ વરસાદ પડ્યો છે. આ લખાય છે ત્યારે સવારે ૧૦ વાગ્યે હજી પણ કયારેક ધીમો તો કયારેક ધોધમાર વરસાદ ચાલુ જ છે. ગઈકાલ અને આજ એમ બે દિવસના આંકડા જોઈએ તો ગઈકાલ સોમવારના સવારે ૬ થી આજ મંગળવાર સવારે ૧૦ વાગ્યા સુધી ૨૮ કલાકમાં કચ્છના દસે દસ તાલુકામાં પડેલા વરસાદના આંકડા આ મુજબ છે. લખપત ચાર ઈંચ, રાપર અઢી ઇંચ, ભચાઉ પાંચ ઇંચ, અંજાર નવ ઇંચ, ભુજ સાડા છ ઇંચ, નખત્રાણા સાડા ત્રણ ઇંચ, અબડાસા સાડા ત્રણ ઇંચ, માંડવી સાડા આઠ ઈંચ, મુન્દ્રા સાડા પાંચ ઇંચ, ગાંધીધામ ૬ ઇંચ. એકંદરે મોડે મોડે કચ્છમાં સાર્વત્રિક સારા વરસાદને પગલે ખેડૂતો, પશુપાલકો ખુશ છે. જળાશયોમાં નવા નીર આવતા પીવાના પાણીનું સંકટ પણ હળવું થશે.
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
