<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

કુતિયાણામાં ૬, રાણાવાવમાં દોઢ અને પોરબંદરમાં સવા ઇંચ

પોરબંદર જિલ્લામાં મેઘરાજાની કૃપા વરસી : સાર્વત્રિક વરસાદી માહોલ સીઝનમાં પ્રથમ વરસાદથી લોકો-ખેડુતો ખુશઃ વરસાદના પાણીના ઝડપી નિકાલ માટે મહાનગરપાલીકાના સેનીટેશન વિભાગની ટીમ ખડેપગે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૩ : જિલ્લામાં મેઘરાજાની કૃપા વરસવાનું શરૂ થયું છે. સાર્વત્રિક મેઘાવી વાતાવરણ છવાયું છે. ગઇકાલે સવારથી રાત્રે ૮ વાગ્‍યા  સુધીમાં કુતિયાણામાં ૬ ઇંચ વરસાદ પડી ગયો હતો. રાણાવાવમાં દોઢ ઇંચ અને પોરબંદરમાં સવા ઇંચ વરસાદ પડી ગયો હતો.

જિલ્લામાં ચોમાસાની સીઝનના પ્રારંભે વરસાદ મોડો થતા લોકો ચિંતામાં મુકાઇ ગયા હતા. ત્‍યાર બાદ મેઘરાજાનું આગમન થતા સીઝનના પ્રથમ વરસાદથી લોકો અને ખેડુતોમાં ખુશી છવાઇ ગઇ છે. પોરબંદર મહાનગરપાલીકાના સેનીટેશન વિભાગની ટીમ શહેરમાં વરસાદના પાણીના ઝડપી નિકાલ માટે ખડેપગે છે.

  પોરબંદર જિલ્લામાં ગઇકાલે આખો દિવસ વરસાદી વાતાવરણ રહ્યું હતું. સૌથી વધુ વરસાદ કુતિયાણા તાલુકામાં ૬ ઇંચ વરસ્‍યો છે. કુતિયાણા શહેર અને -તેની આજુબાજુના વિસ્‍તારમાં સવારે છ થી રાત્રે ૮  વાગ્‍યા સુધીમાં સવા છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં ચાર ઇંચ જેટલો વરસાદ ગઇકાલે બપોરે ૪ થી ૬ વાગ્‍યા દરમિયાન વરસ્‍યો હતો અને હજુ વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે.

કુતિયાણા શહેર તથા આજુબાજુના વિસ્‍તાર તેમજ ઘેડ વિસ્‍તારમાં વરસાદને લીધે ઠેરઠેર પાણી ભરાઈ ગયા છે. રાણાવાવ ખાતે પણ ૧૨ કલાકમાં દોઢ ઇંચ  વરસાદ નોંધાયો છે.

પોરબંદર શહેર તથા તેની આજુબાજુના વિસ્‍તારમાં દિવસ પર ઝાપટા પડ્‍યા હતા અને સાંજ સુધીમાં અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.  ત્‍યાર પછી ફરી વરસાદ વરસતા આખા દિવસમાં સવા ઇંચ વરસાદ પડી ગયો હતો. વરસાદી માહોલ વચ્‍ચે વિવિધ વિસ્‍તારોમાં વરસાદી ઉપાણીના નિકાલની સમસ્‍યાઓ સર્જાઈ રહી છે. આવી સ્‍થિતિમાં મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગની ટીમ ખડેપગે રહી વરસાદી પાણીના ઝડપી નિકાલ, ભૂગર્ભ ગટર વ્‍યવસ્‍થાને કાર્યરત રાખવા તેમજ શહેરમાં સ્‍વચ્‍છતા જળવાઈ રહે તે માટે સતત કામગીરી કરી રહી છે તેમ જણાવાયું છે.

(1:22 PM IST)