News of Thursday, 21st May 2026
ધ્રોલ તાલુકાની જીવાદોરી સમાન ઉંડ-1 સિંચાઈ યોજનાના 6 દરવાજા 1 ફૂટ ખોલીને નદીમાં પાણી છોડાયું, નીચાણવાળા 12 ગામોને તંત્ર દ્વારા હાઈ એલર્ટ : જુઓ વિડિયો
ખેડૂતોના આગોતરા વાવેતર અને ખરીફ સિંચાઈ માટે ચેકડેમો ભરવા વહીવટી મંજૂરી બાદ લેવાયો નિર્ણય, ધ્રાંગડા, ખંભાળીડા, રોજીયા સહિતના ગામોમાં પશુપાલકો અને વાડી ખેડૂતોને નદીના પટમાં અવરજવર ન કરવા તાકીદ, સરપંચોને સતર્ક રહેવા સૂચના

(સંજય ડાંગર દ્વારા)ધ્રોલ તા.૨૧ : ધ્રોલ તાલુકાની જીવાદોરી સમાન ઉંડ-1 સિંચાઇ યોજનામાંથી નીચાણવાળા વિસ્તારોના ચેકડેમ ભરવા માટે વહીવટી તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવતા જ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. ખેડૂતોના આગોતરા વાવેતર અને સિંચાઈની તાતી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ડેમના 6 દરવાજા 1 ફૂટ સુધી ખોલીને નદીમાં મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવ્યું છે.
ડેમમાંથી પાણી છોડાવાના કારણે ધ્રોલ પંથકના અનેક ચેકડેમો ફરીથી પાણીથી છલકાશે, જેને પગલે સ્થાનિક ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આગોતરા મગફળી, કપાસ અને શાકભાજીના પાકો માટે સમયસર પાણીની ઉપલબ્ધતાથી ખેડૂતોને મોટી રાહત મળશે અને વાવણી કાર્યને વેગ મળશે.
બીજી તરફ, ડેમમાંથી નદીમાં પાણી છોડાવાના કારણે ઉંડ નદીનું વહેણ ઝડપી અને જોખમી બન્યું છે. જેને પગલે તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારોમાં આવતા 12 ગામોને હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા ધ્રાંગડા, ખંભાળીડા (મોટોવાસ-નાનોવાસ), રોજીયા, રવાણી ખીજડીયા, તમાચણ, માનસર, હમાપર, વિરાણી ખીજડીયા, વાંકીયા, સોયલ અને નથુવડલા ગામના લોકોને કડક સૂચના આપવામાં આવી છે.
તંત્રે ખાસ કરીને પશુપાલકો, માછીમારો અને નદી કિનારે વાડા-શાકભાજીનું વાવેતર કરનારાઓને નદીના પટમાં અવરજવર ન કરવા, પશુઓને પાણી પીવડાવવા ન જવા અને બાળકોને નદી કિનારેથી દૂર રાખવા માટે તાકીદ કરી છે. કોઈપણ પ્રકારની જાનમાલની નુકસાની કે અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થાનિક સરપંચો અને ગ્રામ પંચાયતોને પણ સતર્ક કરી દેવામાં આવ્યા છે. મામલતદાર કચેરી દ્વારા ગામોમાં ઢંઢેરો પિટાવીને લોકોને નદી કિનારાથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.
(12:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
