<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

અમરેલી જિલ્‍લા તથા ૧૧ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ૫૩% મતદાન

જાફરાબાદમાં સૌથી વધુ ૫૮.૪૨% મતદાન

અમરેલી,તા.૨૭: (અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી જિલ્‍લામાં ગગન અગન ઓકી રહ્યું છે તેવા ૪૪ ડિગ્રીને પારના આકરા તાપ વચ્‍ચે યોજાયેલી જિલ્‍લા તથા તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં મતદારોએ ઉત્‍સાહ દાખવ્‍યો હતો. દિવ્‍યાંગો અને વડીલો લાંબી લાઈનોમાં ઊભા રહી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વને ધામધૂમથી ઉજવતા નજરે ચડ્‍યા હતા. અમરેલી જિલ્‍લા તથા ૧૧ તાલુકા પંચાયતની ચૂંટણીમાં સરેરાશ ૫૩ ટકા જેટલું મતદાન નોંધાયું હતું.

ચૂંટણી તંત્ર દ્વારા આજરોજ વહેલી સવારના સાત કલાકથી ખડેપગે રહી પોલીસ સ્‍ટાફ તથા સુરક્ષા કર્મચારીઓએ શાંતિપૂર્ણ વાતાવરણ સર્જી ઉમદા કામગીરી કરી હતી.

સાંજના પાંચ કલાક સુધીમાં અમરેલી જિલ્‍લા પંચાયતની ૧૮ બેઠકો ઉપર ૫૪.૧૨% મતદાન નોંધાયું હતું.

તાલુકા પંચાયતવાર આંકડા મુજબ કુકાવાવ-વડીયામાં ૧૬ બેઠકો ઉપર ૪૯.૨૬%, લાઠીમાં ૧૬ બેઠકો ઉપર ૪૯.૨%, બાબરામાં ૧૭ બેઠકો ઉપર ૫૫.૫%, સાવરકુંડલામાં ૨૨ બેઠકો ઉપર ૫૨.૨૨%, લીલીયામાં ૧૬ બેઠકો ઉપર ૫૨.૮૬%, ધારીમાં ૧૬ બેઠકો ઉપર ૫૦.૪૮%, બગસરામાં ૧૬ બેઠકો ઉપર ૫૪.૭%, ખાંભામાં ૧૬ બેઠકો ઉપર ૫૬.૭%, રાજુલામાં ૨૦ બેઠકો ઉપર ૫૧.૮૬% અને જાફરાબાદમાં ૧૩ બેઠકો ઉપર સૌથી વધુ ૫૮.૪૨% જેટલું મતદાન થવા પામ્‍યું હતું.

કુલ જિલ્‍લા તથા તાલુકા પંચાયતની ચૂંટણી ૧૮૬ બેઠકો ઉપર યોજાઈ હતી.

(1:38 PM IST)