<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th September 2026

મોરબીમાં ૧.૭૬ કરોડના ખર્ચે નવા ૫ ટોયલેટ બ્‍લોક બનાવાશે

સ્‍ટ્રીટલાઈટ રીપેરીંગનું તમામ કામ કોન્‍ટ્રાક્‍ટરને જ સોંપાશે

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૨૫: પાલિકાની સ્‍ટેન્‍ડિંગ કમિટીની બેઠકમાં શહેરના વિકાસ અને નાગરિકોની સુવિધાને લગતા અનેક મહત્‍વના નિર્ણયો લેવામાં આવ્‍યા છે.

શહેરમાં બહારથી આવતા દર્દીઓના સગાવહાલા કે અન્‍ય પ્રવાસીઓને ફ્રેશ થવા માટે હોટલનો ખર્ચ ન કરવો પડે તેવા ઉમદા હેતુથી ૫ અલગ-અલગ લોકેશન પર ૫ ટોયલેટ બ્‍લોક બનાવવાનો નિર્ણય લેવાયો છે. આ પ્રોજેક્‍ટ અંદાજિત ૧.૭૬ કરોડના ખર્ચે તૈયાર થશે. આ સુવિધા માટે સામાન્‍ય ચાર્જ વસુલવામાં આવશે અને તેનું મેન્‍ટેનન્‍સ એજન્‍સી દ્વારા ક૨ાશે, જેની કામગીરી આગામી ૮ મહિનાની અંદર પૂર્ણ કરી સુવિધા ચાલુ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્‍યો છે.

ડોર ટુ ડોર કચરા કલેકશન અને ભૂગર્ભ ગટરની જેમ હવે શહેરમાં સ્‍ટ્રીટ લાઈટ રીપેરીંગનું કામ પણ એજન્‍સીને સોંપવામાં આવ્‍યું છે જેથી લોકોની ફરિયાદોનો ઝડપી ઉકેલ લાવી શકાય. આ કામગીરી માટે કોન્‍ટ્રાક્‍ટરને એક લાઈટ રીપેરીંગના ૪૯ રૂપિયા લેખે ચુકવણું કરવામાં આવશે. કામગીરીમાં કોઈ બેદરકારી ન રહે તે માટે જો કોન્‍ટ્રાક્‍ટર ૪૮ કલાકમાં ફરિયાદનું નિરાકરણ ન લાવે તો તેના પર ૧૦૦ રૂપિયાનો દંડ ફટકારવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.

મોરબી શહેરમાં કુલ ૩૨૦૦૦ લાઈટો આવેલી છે અને હાલમાં ૬૦૦ થી વધુ ફરિયાદો બાકી છે. આ બાકી રહેલી ફરિયાદો મહાનગરપાલિકા પહેલા જાતે સોલ્‍વ કરશે અને ત્‍યારબાદ જ કામગીરી સંપૂર્ણપણે કોન્‍ટ્રાક્‍ટરને સોંપશે. આ ઉપરાંત, જો કોન્‍ટ્રાક્‍ટર કામગીરી માટે મહાનગરપાલિકાના ૪ લાઈટના ઘોડા (વાહનો) વાપરશે તો તેની પાસેથી મહિને ઘોડા દીઠ ૨૨૪૦૦ રૂપિયા ભાડું પણ મહાનગરપાલિકા વસુલશે.

આગામી દિવાળીના તહેવારને ધ્‍યાનમાં રાખીને મોરબી શહેરને લાઈટિંગથી સુશોભિત કરવાના ઠરાવને બહાલી આપવામાં આવી છે. આ સાથે ઉમા ટાઉનશીપ પાસે ૩૦ થી ૩૫ લાખના ખર્ચે નવા સેન્‍ટ્રીફયુગલ પંપ સેટ નાખવાને પણ મંજૂરી અપાઈ છે. આ ઉપરાંત અગાઉ ખરીદવામાં આવેલી ૧૫૦ હાથલારીના માપસાઈઝમાં રહેલી વિસંગતતા દૂર કરી તેનું બાકી રહેલું બિલ મંજુર કરવામાં આવ્‍યું છે તથા ફાયર વિભાગના સાપ્તાહિક રિપોર્ટની ચકાસણી પણ કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે આ બેઠકમાં શહેરમાં સ્‍ટ્રીટ લાઈટ રિપેરિંગની કામગીરી નવી એજન્‍સીને સોંપવા અને એજન્‍સી બદલીને નવા ૧૫૦ મેનપાવર લેવા અંગે પણ મંજૂરી આપવામાં આવી હતી. બી ધ ચેન્‍જના કમ્‍પ્‍યુટર ઓપરેટરના વર્ક ઓર્ડરની મુદતમાં ૧ માસનો વધારો કરવા સહિતના કામોને મંજૂરી આપવામાં આવી હતી

(10:46 AM IST)