<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

રાજકોટના બેંક કર્મચારીના અપહરણ કેસમાં ૫ આરોપી ઝડપાયોઃ જામનગરમાં બળજબરીથી ઉઘરાણીનું ચકચારી પ્રકરણ

૨૭.૨૦ લાખની લેવડદેવડમાં વિવાદ, પરિવાર સહિત અપહરણ કરી બંગલામાં બંધક બનાવ્‍યાઃ ૯.૭૫ લાખ પડાવ્‍યા, BNS હેઠળ ગુનો નોંધાયો

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા. ૨૮: જામનગર શહેરના સિટી ‘બી' ડિવિઝન પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલા અપહરણ અને બળજબરીથી ઉઘરાણીના ગુનામાં પોલીસે ૫ આરોપીઓને ઝડપી પાડ્‍યા છે. રાજકોટના બેંક કર્મચારી અને તેના પરિવારનું અપહરણ કરી તેમને જામનગરમાં એક બંગલામાં ગેરકાયદેસર રીતે બંધક બનાવી ધમકી અને મારકૂટ કરી રૂપિયા પડાવવાના આરોપો સામે આવ્‍યા છે.

આ કેસમાં ઝડપાયેલા આરોપીઓમાં જયદીપસિંહ જાડેજા, ચિરાગ આહિર, એજાજ સાયચા, અક્ષય ચાવડા અને અમિત ચાવડાનો સમાવેશ થાય છે. જ્‍યારે અન્‍ય એક અજાણ્‍યો શખ્‍સ પણ સંડોવાયેલ હોવાનું સામે આવ્‍યું છે.

પ્રાથમિક તપાસ મુજબ, ૨૭.૨૦ લાખ રૂપિયાની લેવડદેવડને લઈને વિવાદ સર્જાતા આરોપીઓએ કાવતરું રચી ફરિયાદીનું અપહરણ કર્યું હતું. આરોપીઓએ બેંક કર્મચારી અને તેના પરિવારને જામનગર ખાતે એક બંગલામાં રાખી ધમકીઓ આપી અને મારકૂટ કરી અંદાજે ૯.૭૫ લાખ રૂપિયા બળજબરીથી વસૂલ્‍યા હતા.

આ અંગે પોલીસે ભારતીય ન્‍યાય સંહિતા, ૨૦૨૩ ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે ફરાર અજાણ્‍યા આરોપીને પકડવા અને નાણાંની વસૂલાત અંગે વધુ તપાસ હાથ ધરી છે.(તસ્‍વીરઃ  કિંજલ કારસરીયા, જામનગર)

(12:44 PM IST)