<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th September 2026

પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરણાથી ૪૫મા શારદીય નવરાત્રિ મહોત્સવે મલ્ટી-સ્પેશિયાલિટી ફ્રી મેડિકલ કેમ્પોનું આયોજન

દંત યજ્ઞ, નેત્રમણિ કેમ્પ, પલ્મોનોલોજી અને એન્ડોક્રાઇનોલોજી સહિતના નિઃશુલ્ક કેમ્પોમાં તમામ લેબોરેટરી તપાસ, ઓપરેશન અને દવાઓ વિનામૂલ્યે અપાશે : છેવાડાના જરૂરિયાતમંદોને સ્વમાનભેર સારવાર આપવા ખાસ સુચના

પોરબંદર:પોરબંદર સાંદીપનિ વિદ્યાનિકેતનના પ્રણેતા અને આંતરરાષ્ટ્રીય કથાકાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરણા અને સાન્નિધ્યમાં સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતે આયોજિત ૪૫મા શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્સવ–૨૦૨૬ના પ્રસંગે પ્રતિવર્ષ અનુસાર આ વર્ષે પણ વિનામૂલ્યે માનવ સેવાયજ્ઞ સમા વિવિધ મેડીકલ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. આ તમામ કેમ્પોમાં જરૂરિયાતમંદ દર્દીઓની અદ્યતન સારવાર સાથે તેમનું સ્વમાન જળવાય તે બાબતની ખાસ તકેદારી રાખવાની સુચના પૂજ્ય ભાઈશ્રી દ્વારા આપવામાં આવી છે.

આ સેવાયજ્ઞ અંતર્ગત યોજાનારા કેમ્પોની વિગતો નીચે મુજબ છે:

૧. દંત યજ્ઞ (ડેન્ટલ કેમ્પ):
૧૧ ઓક્ટોબર થી ૧૯ ઓક્ટોબર ૨૦૨૬ સુધી પ્રતિદિન સવારે ૯:૦૦ થી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતે કેમ્પ યોજાશે. રાજકોટના શ્રી લાભુભાઈ શુક્લ મેમોરિયલ ટ્રસ્ટના "જાલંધર બંધ યોગ" પદ્ધતિના નિષ્ણાંત દંતવૈદ્ય હર્ષદભાઈ જોશી, દંતવૈદ્ય શ્રીમતી સરોજ બહેન જોશી અને તેમની ટીમ દ્વારા સેવા પૂરી પાડવામાં આવશે.

૨. નેત્રમણિ સાથેનો નેત્રયજ્ઞ:
૧૭ ઓક્ટોબર ૨૦૨૬, શનિવારના રોજ સવારે ૯:૦૦ થી ૧:૦૦ વાગ્યા સુધી નેત્રયજ્ઞ યોજાશે. બ્રહ્મલીન ડોક્ટર શિવાનંદ અધ્વર્યૂની પ્રેરણાથી દીક્ષિત થયેલ શિવાનંદ મિશન આઈ હોસ્પિટલ, વીરનગરના નિષ્ણાંત તબીબો દર્દીઓને તપાસશે. જરૂરિયાતમંદ દર્દીઓને બસ દ્વારા વીરનગર લઈ જઈ, મોતિયાનું ઓપરેશન કરી નેત્રમણી મૂકી બે દિવસ પછી પોરબંદર પરત લાવવામાં આવશે.

૩. પલ્મોનોલોજી (ફેફસા અને શ્વાસના દર્દો) નો કેમ્પ:
૧૭ ઓક્ટોબર ૨૦૨૬, શનિવારે સવારે ૯:૦૦ થી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી યોજાનારા આ કેમ્પમાં રાજકોટ સિનરજી હોસ્પિટલના સીનિયર પલ્મોનોલોજીસ્ટ ડો. જયેશભાઈ ડોબરીયા અને તેમની ટીમ માનદ સેવા આપશે. કેમ્પ દરમિયાન પી.એફ.ટી. (પલ્મોનરી ફંક્શન ટેસ્ટ) અને સી.ટી.સ્કેન પણ નિઃશુલ્ક કરી આપવામાં આવશે. આ કેમ્પના સ્પોન્સર (મનોરથી) તરીકે બજરંગલાલજી તાપડીયા (પૂજ્ય દાદાજી) પરિવાર સેવા આપશે.

૪. એન્ડોક્રાઇનોલોજી કેમ્પ (આંતસ્રાવીગ્રંથીના રોગો):
૧૭ ઓક્ટોબર ૨૦૨૬, શનિવારના રોજ સવારે ૯:૦૦ થી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી અમદાવાદના સુપ્રસિદ્ધ સીનીયર એન્ડોક્રાઈનોલોજીસ્ટ ડો. વિવેક આર્ય અને તેમની ટીમ દ્વારા માનદ સેવા પૂરી પાડવામાં આવશે.
તમામ મેડીકલ કેમ્પોમાં દર્દીઓની શારીરિક તપાસ ઉપરાંત બ્લડ-યુરીન લેબોરેટરી તપાસ, ઈ.સી.જી., સોનોગ્રાફી, એક્સ-રે, પી.એફ.ટી. અને સી.ટી.સ્કેન સહિતની તમામ તપાસ સંપૂર્ણપણે વિનામૂલ્યે કરાશે. આ ઉપરાંત જરૂરી દર્દીઓને standard પાંચ દિવસની દવાઓનો કોર્સ પણ નિઃશુલ્ક અપાશે.

પલ્મોનોલોજી કેમ્પ સિવાયના તમામ કેમ્પોના મનોરથી તરીકે ગં.સ્વ. કાંતાબેન રમણિકલાલ સૂચક તથા પરિવાર (દાર-એ-સલામ) સેવા આપી રહ્યા છે. આ તમામ કેમ્પોના કૉ-ઓર્ડીનેટર તરીકે ડો. સુરેશભાઈ ગાંધી અને સાંદીપનિના ટ્રસ્ટી તથા પૂર્વ સી.એમ.ઓ. ડો. ભરતભાઈ ગઢવી સેવા આપી રહ્યા છે. કેમ્પ સંદર્ભે વધુ માહિતી માટે ૯૪૨૬૧ ૩૩૬૯૧ નંબર પર સંપર્ક કરવાનો રહેશે. (અહેવાલ - મુકેશ પંડિત)

(6:01 PM IST)