તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th April 2026
દેવભૂમિ દ્વારકા જીલ્લામાં બપોરે 3:00 વાગ્યા સુધીમાં 45.74% મતદાન : ભાણવડ ન.પા. 59.01% સાથે મોખરે
3.89 લાખ મતદારોમાંથી 1.78 લાખે નિભાવી ફરજ; ખંભાળિયા તા.પં.માં 48.92% અને કલ્યાણપુર તા.પં.માં 47.45% નોંધાયું; પુરુષ 51.15% સામે મહિલા મતદાન 39.85%

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૨૬: સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-2026 અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રવિવારે બપોરે 3:00 વાગ્યા સુધીમાં કુલ 45.74% મતદાન નોંધાયું છે. જિલ્લાની 1 જિલ્લા પંચાયત, 4 તાલુકા પંચાયત અને 3 નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 3,89,621 મતદારો પૈકી 1,78,225 મતદારોએ બપોર સુધીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે.
ભાણવડ નગરપાલિકામાં સૌથી વધુ 59.01% મતદાન નોંધાયું છે. અહીં 15,481 મતદારોમાંથી 9,136 મતદારોએ મત આપ્યા. ખાસ વાત એ છે કે ભાણવડ ન.પા.માં મહિલા મતદાન 61.59% સાથે પુરુષ મતદાન 56.64% કરતા ઊંચું રહ્યું છે. સલાયા નગરપાલિકામાં પણ મહિલા મતદાન 57.88% સાથે પુરુષ 38.80% કરતા આગળ રહ્યું અને કુલ 48.16% મતદાન થયું.
તાલુકા પંચાયતની વાત કરીએ તો ખંભાળિયા તા.પં.માં 1,23,047 મતદારોમાંથી 60,189 મતદારોએ મત આપતા 48.92% મતદાન નોંધાયું, જે તાલુકા પંચાયતોમાં સૌથી વધુ છે. કલ્યાણપુર તા.પં.માં 1,33,707 મતદારોમાંથી 63,443 મતદારોએ મત આપી 47.45% મતદાન નોંધાવ્યું. જ્યારે ભાણવડ તા.પં.માં સૌથી ઓછું 39.48% મતદાન થયું છે.
દ્વારકા નગરપાલિકામાં 45,660 મતદારો પૈકી 20,537 મતદારોએ મત આપતા 44.98% અને ઓખામંડળ નગરપાલિકામાં 39,251 મતદારો પૈકી 16,192 મતદારોએ મત આપતા 41.25% મતદાન નોંધાયું છે.
પુરુષ-મહિલા મતદાન
સમગ્ર જિલ્લામાં પુરુષ મતદારોમાં 2,03,105 માંથી 1,03,897 એટલે કે 51.15% અને મહિલા મતદારોમાં 1,86,516 માંથી 74,328 એટલે કે 39.85% મતદાન નોંધાયું. ભાણવડ ન.પા. અને સલાયા ન.પા. સિવાયની તમામ સંસ્થાઓમાં પુરુષ મતદાનની ટકાવારી મહિલા કરતા ઊંચી રહી છે.
જિલ્લાના તમામ મતદાન મથકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. સાંજે 6:00 વાગ્યા સુધી મતદાન ચાલુ રહેશે, ત્યારબાદ અંતિમ આંકડા જાહેર થશે.
(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
