News of Thursday, 7th May 2026
હર્ષદ દરિયા કિનારેથી ૨.૨૭ કરોડનો ચરસનો જથ્થો ઝડપાયો
દેવભૂમિ દ્વારકાના હર્ષદ દરિયાકિનારેથી ૪.૫૪૮ કિલો ચરસ બિનવારસી હાલતમાં ઝડપાયું, NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કલ્યાણપુર પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા : દરિયાઈ માર્ગે નશીલા પદાર્થની હેરાફેરીનું પ્રાથમિક અનુમાન, અજાણ્યા સ્મગલરો દ્વારા ફેંકાયેલો જથ્થો કયાંથી આવ્યો તે દિશામાં પોલીસની ઝીણવટભરી તપાસ શરૂ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા, તા.૭: દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના હર્ષદ દરિયાકિનારેથી પોલીસે કરોડો રૂપિયાની કિંમતનો માદક પદાર્થનો જથ્થો બિનવારસી હાલતમાં કબજે કર્યો છે. પોલીસને અહીંથી કુલ ૪ કિલો ૫૪૮ ગ્રામ ચરસનો જથ્થો મળી આવ્યો છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત ૨.૨૭ કરોડ રૂપિયાથી વધુ આંકવામાં આવી રહી છે.પ્રાથમિક તપાસમાં એવું અનુમાન લગાવાઈ રહ્યું છે કે અજાણ્યા સ્મગલરો દ્વારા દરિયાઈ માર્ગે નશીલા પદાર્થની હેરાફેરી કરવામાં આવી રહી હતી. પેટ્રોલિંગ દરમિયાન પોલીસને આ જથ્થો દરિયાકિનારે પડેલો મળી આવ્યો હતો.
આ મામલે કલ્યાણપુર પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ જથ્થો કયાંથી આવ્યો, કોના દ્વારા દરિયામાં ફેંકવામાં આવ્યો અને તેનું અંતિમ ગંતવ્ય કયાં હતું તે દિશામાં પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.
આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ કલ્યાણપુર પોલીસ મથકના સ્ટાફ દ્વારા ગઈકાલે બુધવારે રાત્રિના સમયે દરિયાકાંઠા વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા ફુટ પેટ્રોલિંગ દરમિયાન કલ્યાણપુરથી આશરે ૨૫ કિલોમીટર દૂર હર્ષદ ગામની સીમમાં સિકોતેર માતાજીના મંદિર નજીકથી પોલીસને શંકાસ્પદ હાલતમાં પ્લાસ્ટિકના બે પેકેટ બિનવારસુ હાલતમાં મળી આવ્યા હતા. આ અંગેની જાણ પોલીસ સ્ટાફ દ્વારા સ્થાનિક પી.આઈ. આર.એન. હાથલીયાને કરવામાં આવતા આને અનુલક્ષીને કલ્યાણપુર પોલીસ સ્ટાફ તથા એસ.ઓ.જી. પોલીસે ઘટના સ્થળે દોડી જઈ અને વધુ તપાસ આરંભી હતી. જેમાં આગળ જતા આ પ્રકારના વધુ બે પેકેટ મળી આવ્યા હતા.
આ સમગ્ર પ્રકરણમાં પોલીસને હાથ લાગેલા આ ચાર પેકેટમાં ઉર્દુ તેમજ અંગ્રેજી ભાષામાં કેટલું લખાણ લખેલું હતું. આ પેકેટને ખોલીને જોતા તેમાં રહેલો પદાર્થ ચરસ હોવાનું જાહેર થયું હતું. જેથી પોલીસે આગળની પ્રક્રિયા કરતા આશરે ૪.૫૪૮ કિલોગ્રામ જેટલા આ ચરસની બજાર કિંમત રૂ.૨,૨૭,૪૦,૦૦૦ હોવાનું જાહેર થયું છે.આમ, બિનવારસુ હાલતમાં મળી આવેલા રૂપિયા ૨.૨૭ કરોડથી વધુની કિંમતના સાડા ચાર કિલોગ્રામથી વધુના ચરસના આ જથ્થાને પોલીસે કબજે લઈ, કોઈ અજાણ્યા શખ્સો દ્વારા પોતાના અંગત ફાયદા માટે આ માદક પદાર્થ ચરસની હેરાફેરી કરી, પકડાઈ જવાના ડરથી કે કોઈપણ કારણોસર દરિયામાં અથવા દરિયા કાંઠે બિનવારસુ હાલતમાં છોડી દીધા હોવાનું સ્થાનિક એ.એસ.આઈ. વજશીભાઈ કારૂભાઈ પોસ્તરીયાની ફરિયાદમાં જણાવાયું છે.આ બનાવ અંગે કલ્યાણપુર પોલીસે અજાણ્યા શખ્સ સામે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી, પી.એસ.આઈ. એન.એન. વાળા તથા તેમની ટીમ દ્વારા આરોપીઓને ઝડપી લેવા માટે વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
(11:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
