<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th April 2026

દેવભૂમિ દ્વારકા જીલ્‍લામાં સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીમાં ૪.૫૧ લાખ મતદારો ૨૬ એપ્રિલે મતદાન કરશે

દેવભૂમી દ્વારકા જિલ્‍લા ચૂંટણી અધિકારી રાજેશ તન્નાની અધ્‍યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ, જિલ્‍લા પંચાયત, ૪ તાલુકા પંચાયત, ૨ નગરપાલિકાની સામાન્‍ય અને સલાયાની પેટા ચૂંટણી માટે ૫૪૫ મતદાન મથકો તૈયારઃ ૫,૭૫૬ કર્મચારીઓ ફરજ બજાવશેઃ વહિવટી તંત્ર સજજ

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૧૬: રાજ્‍ય ચૂંટણી આયોગ દ્વારા તા. ૦૧/૦૪/૨૦૨૬ના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્‍લા પંચાયત, તમામ તાલુકા પંચાયત, ખંભાળિયા તથા જામ રાવલ નગરપાલિકાની સામાન્‍ય ચૂંટણી અને સલાયા નગરપાલિકાની પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ના રોજ મતદાન તેમજ તા. ૨૮/૦૪/૨૦૨૬ના રોજ મતગણતરી થનાર છે. જિલ્‍લા ચૂંટણી અધિકારી અને કલેક્‍ટર રાજેશ તન્નાના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

જિલ્‍લા ચૂંટણી અધિકારી રાજેશ તન્નાની અધ્‍યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી. તેમણે ચૂંટણીલક્ષી વિગતો આપતા જણાવ્‍યું કે દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં જિલ્‍લા પંચાયત, તમામ તાલુકા પંચાયત, ખંભાળિયા તથા જામ રાવલ નગરપાલિકાની સામાન્‍ય અને સલાયા નગરપાલિકામાં પ્રસંગોપાત ખાલી પડેલ એક વોર્ડની પેટા ચૂંટણી યોજાશે. જિલ્‍લામાં કુલ ૪,૫૧,૩૪૩ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં ૨,૩૫,૦૪૫ પુરુષ, ૨,૧૬,૨૮૮સ્ત્રી અને ૧૦ અન્‍ય મતદારોનો સમાવેશ થાય છે.

જિલ્‍લા પંચાયત અને તમામ તાલુકા પંચાયતમાં કુલ ૩,૮૯,૬૧૭ મતદારો છે. જેમાં ૨,૦૩,૧૦૩ પુરુષ, ૧,૮૬,૫૧૧સ્ત્રી અને ૦૩ અન્‍ય મતદારો છે. નગરપાલિકા વિસ્‍તારમાં કુલ ૬૧,૭૨૬ મતદારો છે જેમાં ૩૧,૯૪૨ પુરુષ, ૨૯,૭૭૭સ્ત્રી અને ૦૭ અન્‍ય મતદારો લોકશાહીના પર્વમાં ભાગ લેશે.

જિલ્‍લા પંચાયતમાં ખંભાળિયા તાલુકામાં ૦૮, ભાણવડમાં ૦૪, કલ્‍યાણપુરમાં ૦૭ અને દ્વારકા તાલુકામાં ૦૩ મળી કુલ ૨૨ બેઠકો છે. તાલુકા પંચાયતમાં ખંભાળિયામાં ૨૪, ભાણવડમાં ૧૬, કલ્‍યાણપુરમાં ૨૪ અને દ્વારકામાં ૧૬ મળી કુલ ૮૦ બેઠકો છે. નગરપાલિકામાં ખંભાળિયામાં ૦૯ વોર્ડની ૩૬ બેઠકો, જામ રાવલમાં ૦૬ વોર્ડની ૨૪ બેઠકો અને સલાયામાં ૦૧ બેઠક મળી કુલ ૧૬ વોર્ડની ૬૧ બેઠકો છે.

જિલ્‍લામાં કુલ મતદાન મથકોની સંખ્‍યા ૫૪૫ છે. ખંભાળિયામાં ૧૬૩, ભાણવડમાં ૯૭, કલ્‍યાણપુરમાં ૧૬૧, દ્વારકામાં ૬૬, ખંભાળિયા નગરપાલિકામાં ૩૮, જામ રાવલમાં ૧૭ અને સલાયામાં ૦૩ મતદાન મથકો ઉભા કરાયા છે. ચૂંટણી પ્રક્રિયા માટે ૫,૭૫૬ જેટલો મતદાન સ્‍ટાફ ફરજ બજાવશે.

ખંભાળિયા નગરપાલિકામાં વોર્ડ નં. ૦૬ની ૦૪ બેઠકો તથા વોર્ડ નં. ૦૮ની ૦૧ બેઠક મળી કુલ ૦૫ બેઠકો તેમજ ખંભાળિયા તાલુકા પંચાયતમાં હર્ષદપુર-૧ અને લાલપરડા બેઠક બિનહરીફ જાહેર થઈ છે. તાલુકા પંચાયતની ૭૮, જિલ્‍લા પંચાયતની ૨૨ અને નગરપાલિકાઓની ૫૬ બેઠકો મળી કુલ ૧૫૬ બેઠકો પર ચૂંટણી યોજાશે.

મતદાન સમયે મતદારે ભારતના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ મતદાર ઓળખપત્ર રજૂ કરવાનું રહેશે. ચ્‍ભ્‍ત્‍ઘ્‍ ન હોય તો પાસપોર્ટ, ડ્રાઇવીંગ લાઇસન્‍સ, પાન કાર્ડ, આધાર કાર્ડ, સરકારી કર્મચારી ઓળખકાર્ડ સહિતના ૧૪ માન્‍ય દસ્‍તાવેજોમાંથી કોઈ એક રજૂ કરી શકાશે.

લોકશાહીના આ મહાપર્વમાં વધુમાં વધુ મતદારો સહભાગી બને તેમજ ચૂંટણી પ્રક્રિયા મુક્‍ત, ન્‍યાયી, પારદર્શક અને ઉત્‍સાહપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે જિલ્‍લા ચૂંટણી અધિકારી રાજેશ તન્ના દ્વારા અનુરોધ કરવામાં આવ્‍યો હતો.

 

(10:12 AM IST)