News of Monday, 19th October 2026
કચ્છના રાજઘરાનાની ૪૫૦ વર્ષ જૂની ગૌરવવંતી પરંપરા જીવંત: ભુજના ઐતિહાસિક આશાપુરા મંદિરે અષ્ટમી નિમિત્તે ભક્તિભાવપૂર્વક સંપન્ન થઈ પતરી વિધિ
મહારાણી પ્રીતિ દેવીનાજીના આદેશ અનુસાર દેવપરના ઠાકોર કૃતાર્થસિંહ જાડેજાએ ખુલ્લા પગે યાત્રા કરી માતાજીને અર્પણ કરી પતરી; માતાના મઢ ખાતે ૭ લાખથી વધુ ભક્તોએ લીધા દર્શન

ભુજ, તા.૧૯: કચ્છની સમૃદ્ધ ઐતિહાસિક ધરોહર, સાંસ્કૃતિક વારસા અને અનન્ય ધાર્મિક આસ્થાના પ્રતીક સમાન ભુજના ઐતિહાસિક આશાપુરા માતાના મંદિરે આસો નવરાત્રિની આઠમના પવિત્ર દિવસે સાડા ચારસો વર્ષ જૂની રાજપરંપરા મુજબ 'પતરી' (જાતર) વિધિ અત્યંત હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક સંપન્ન થઈ હતી. કચ્છના રાજપરિવાર સાથે વર્ષોથી જોડાયેલી આ અનોખી પરંપરામાં અતીતની શ્રદ્ધા અને માતાજી પ્રત્યેની અતૂટ ભક્તિનો અદ્ભુત સંગમ જોવા મળ્યો હતો, જેના કારણે સમગ્ર મંદિર પરિસર 'જય માતાજી' ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.
આ વર્ષે પણ મહારાણી પ્રીતિ દેવીનાજીના વિશેષ આદેશ અનુસાર દેવપરના ઠાકોર કૃતાર્થસિંહ જાડેજાએ પરંપરાગત શાસ્ત્રોક્ત અને રાજવી વિધિમાં સક્રિયપણે ભાગ લીધો હતો. આ ભવ્ય કાર્યક્રમની શરૂઆત ભુજના રાજભવન તરીકે ઓળખાતા ઐતિહાસિક પ્રાગમહેલની ટીલામેડી ખાતે વિશેષ પૂજનવિધિથી કરવામાં આવી હતી. અહીં પૂજા-અર્ચના સંપન્ન કર્યા બાદ ઠાકોર કૃતાર્થસિંહ જાડેજા હાથમાં શાહી ચામર લઈને ખુલ્લા પગે આશાપુરા માતાના મંદિર તરફ પદયાત્રા કરીને રવાના થયા હતા. રાજપરિવારની આ પરંપરાગત યાત્રાએ ઉપસ્થિત સૌ કોઈને કચ્છના રાજકીય ઇતિહાસ અને ગૌરવશાળી સાંસ્કૃતિક વારસાની યાદ અપાવી હતી.
ભુજના કોટ અંદરના હેરિટેજ વિસ્તારમાં આવેલા આશાપુરા મંદિરે પહોંચતા જ પૂજારી જનાર્દનભાઈ રાવલ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાજપરિવારના સભ્યોને માતાજીના નિજ મંદિરમાં લઈ જવાયા હતા, જ્યાં વિધિવત પૂજા-અર્ચના કરી ચામર અર્પણ કર્યા બાદ પતરી ચડાવવાની મુખ્ય વિધિ સંપન્ન થઈ હતી. માતાજીના મસ્તક પર ચડાવવામાં આવેલી પતરી રાજપરિવારના સભ્યોએ પોતાના ખેસમાં આદરપૂર્વક ઝીલી હતી. આશાપુરા મંદિરના જયેશભાઈ દ્વારા આ પતરી વિધિ પૂર્ણ કરાવવામાં આવી હતી, જ્યારે પૂજારી કવચ અને મારુતે ગર્ભગૃહની વ્યવસ્થા સંભાળી હતી. ધાર્મિક વિધિ પૂર્ણ થયા બાદ હજારો ભક્તો માટે અંદાજે ૭૦૦ કિલો લાપસીના મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.
દરમિયાન, કચ્છના સુપ્રસિદ્ધ અને પવિત્ર યાત્રાધામ એવા દેશદેવી મા આશાપુરાના મૂળ સ્થાનક 'માતાના મઢ' ખાતે પણ નવરાત્રિ પર્વ નિમિત્તે અભૂતપૂર્વ ઉત્સાહ અને માનવ મહેરામણ જોવા મળ્યો હતો. શ્રાદ્ધ પક્ષના અંતિમ દિવસોથી શરૂ થયેલો પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓનો પ્રવાહ નવરાત્રિ દરમિયાન અવિરત ચાલુ રહ્યો છે. છેલ્લા દસ દિવસમાં અંદાજિત ૭ લાખ કરતાં પણ વધુ ભાવિકોએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી છે, જ્યારે માત્ર આઠમના પવિત્ર દિવસે જ ૬૦ હજારથી વધુ ભક્તોએ માતાના દર્શનનો લાભ લીધો હતો.
દર્શનાર્થીઓની ભારે ભીડને કારણે યાત્રાધામની મુખ્ય બજાર, હાઈવે માર્ગો, બસ સ્ટેશન અને મંદિર પરિસરમાં ચારેય બાજુ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. નવરાત્રિના પ્રારંભે હજારોની સંખ્યામાં પદયાત્રીઓ પગપાળા માતાના મઢ પહોંચ્યા હતા, જ્યારે સાતમા અને આઠમા નોરતે વાહનચાલકો મોટી સંખ્યામાં ઉમટી પડતા તમામ પાર્કિંગ પ્લોટ ખચાખચ ભરાઈ ગયા હતા. કચ્છની આ પવિત્ર ધરતી પર નવરાત્રિના આ મહાપર્વએ ભક્તિ, સંસ્કૃતિ અને પરંપરાનો ત્રિવેણી સંગમ રચ્યો છે.
(4:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
