તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 20th September 2026
ભાવનગરના મહુવામાં 4 કલાકમાં 4.13 ઇંચ વરસાદ ખાબક્યો : નૂતન નગર હાઉસિંગ કોલોની સહિતના વિસ્તારો જળમગ્ન બન્યા
ભાદરોડ, દાઠા અને કળસારમાં પણ અનરાધાર વરસાદ પડ્યો: 2 સિસ્ટમ સક્રિય હોવાથી 2 દિવસ પવન સાથે વરસાદ બાદ સૌરાષ્ટ્ર-કચ્છમાંથી ચોમાસું વિદાય લેશે.

સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં હવામાન પલટા વચ્ચે મેઘરાજાએ તોફાની ઇનિંગ શરૂ કરી છે. ભાવનગર (Bhavnagar) જિલ્લાના મહુવા (Mahuva) પંથકમાં માત્ર 4 કલાકના ટૂંકા ગાળામાં 4.13 ઇંચ જેટલો મુશળધાર વરસાદ ખાબક્યો હતો. ટૂંકા સમયમાં વરસેલા અનરાધાર વરસાદના કારણે સમગ્ર મહુવા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો પાણી-પાણી થઈ ગયા હતા.
નીચાણવાળા રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસી જતાં સ્થાનિક રહીશોમાં દોડધામ મચી ગઈ હતી. બીજી તરફ હવામાન વિભાગે (IMD) રાજ્યમાં 2 સિસ્ટમ સક્રિય હોવાથી આગામી 2 દિવસ પવન સાથે હળવા વરસાદની શક્યતા દર્શાવી છે, ત્યારબાદ આગામી 2 થી 4 દિવસમાં ચોમાસું રાજ્યમાંથી સત્તાવાર વિદાય લેવાની શરૂઆત કરશે.
મહુવા શહેરમાં બપોર બાદ વીજળીના કડાકા સાથે શરૂ થયેલા વરસાદે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. માત્ર 4 કલાકમાં 4.13 ઇંચ વરસાદ તૂટી પડતાં માર્ગો પર નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં આવેલી નૂતન નગર હાઉસિંગ કોલોનીમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. સોસાયટીના મકાનોના પરિસરમાં પાણી ફરી વળતાં રહીશો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા અને ઘરવખરીને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
શહેર ઉપરાંત મહુવા તાલુકાના ગ્રામ્ય પંથકમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. તાલુકાના ભાદરોડ, કળસાર), દાઠા , માળવાવ તેમજ વાલાવાવ સહિતના ગામોમાં જોરદાર વરસાદી ઝાપટાં પડ્યા હતા. ગ્રામીણ માર્ગો અને ખેતરો પાણીથી તરબતર થઈ ગયા હતા. લાંબા વિરામ બાદ શરૂ થયેલા વરસાદથી ખેતરોમાં ઊભા પાકને જીવનદાન મળ્યું છે, જેને પગલે ધરતીપુત્રોમાં આનંદની લાગણી પણ જોવા મળી રહી છે.
(8:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
