<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

કાર રોડ ડિવાઇડરમાં અથડાતાં મોરબીના ૪૦ વર્ષિય યોગરાજસિંહ વાઘેલાનું મોત

મોરબી-માળીયા હાઇવે પર ટીંબડીના પાટીયા પાસે બનાવ : સારવાર દરમિયાન રાજકોટમાં દમ તોડયોઃ બે સંતાને પિતાનું છત્ર ગુમાવ્‍યું

રાજકોટ તા. ૨૫: મોરબી માળીયા હાઇવે પર ટીંબડીના પાટીયા પાસે જીવલેણ અકસ્‍માત સર્જાતા મોરબીના ક્ષત્રિય યુવાનનું કરૂણ મૃત્‍યુ થયું છે. કાર હંકારીને તેઓ માળીયા મિંયાણાથી મોરબી ઘર તરફ જતાં હતાં ત્‍યારે રસ્‍તામાં ટીંબડી પાટીયે કોઇપણ કારણોસર કાર ડિવાઇડરમાં અથડાઇ જતાં તેમને ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું.

જાણવા મળ્‍યા મુજબ મોરબી નાની બજાર લખધીરવાસ ચોકમાં રહેતાં યોગરાજસિંહ ખોડુભા વાઘેલા (ઉ.વ.૪૦) નામના યુવાન ગત સાંજે સાડા સાતેક વાગ્‍યે માળીયા મિંયાણાથી પોતાની સ્‍વીફટ કાર હંકારી મોરબી તરફ આવી રહ્યા હતાં  ત્‍યારે રસ્‍તામાં ટીંબડીના પાટીયા પાસે કાર ડિવાઇડરમાં અથડાઇ જતાં તેમને ગંભીર ઇજા થઇ હતી.

બનાવને પગલે લોકો ભેગા થઇ જતાં કોઇએ ૧૦૮ બોલાવી તેમને મોરબી હોસ્‍પિટલમાં ખસેડયા હતાં. પરિવારજનોને જાણ થતાં તેઓ પણ પહોંચ્‍યા હતાં. વધુ સારવાર માટે યોગરાજસિંહને રાજકોટ ખાનગી હોસ્‍પિટલમાં અને બાદમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોડી રાતે મૃત્‍યુ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે રાજકોટ આવી કાર્યવાહી કરી હતી.

મૃત્‍યુ પામનાર યોગરાજસિંહ બે ભાઇ અને એક બહેનમાં નાના હતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. બનાવને પગલે પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

(11:16 AM IST)