તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th September 2026
મોરબીના જુના સાદુળકા નજીક મચ્છુ નદીમાં ગણપતિ વિસર્જનમાં 4 યુવાનો ડૂબ્યા : બે હજુ લાપતા.
નવી પીપળીમાં સ્થાપિત ગણેશજીના વિસર્જન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા : બે લોકો ડૂબ્યા બાદ બીજા બે તેને બચાવવા ગયા: સ્થાનિકો અને ફાયર વિભાગ દ્વારા શોધખોળ ચાલુ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીના જુના સાદુળકા નજીક મચ્છુ નદીમાં ગણપતિ વિસર્જન દરમિયાન એક ગોઝારી ઘટના સામે આવી છે. નવી પીપળીમાં આવેલી શાંતિનગર સોસાયટીના રહીશો ગણપતિ વિસર્જન માટે ત્યાં ગયા હતા, ત્યારે સાંજે આશરે 7 વાગ્યાની આસપાસ 4 યુવાનો પાણીમાં ડૂબ્યા હતા. આ ઘટનામાં 4 માંથી 2 યુવાનોનો બચાવ થયો છે, જ્યારે અન્ય 2 યુવાનો હજુ પણ પાણીમાં લાપતા છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર પાણીમાં ડૂબેલા યુવાનોમાં મૂળ મધ્યપ્રદેશના અને હાલ નવી પીપળી રહેતા 25 વર્ષીય આકાશ માલિયાનો બચાવ થયો છે. આ ઉપરાંત, ડૂબતા યુવાનોને બચાવવા માટે પાણીમાં પડેલા મૂળ મહારાષ્ટ્રના 30 વર્ષીય આકાશ ગજાનંદભાઈ ખરાત પણ સુરક્ષિત રીતે બહાર આવી ગયા છે. જ્યારે 28 વર્ષીય સોહન કુલડિયા પાણીમાં ડૂબ્યા હતા અને હજુ પણ તેઓ પાણીની અંદર જ ગરકાવ છે. આ સાથે જ ડૂબતા યુવાનોને બચાવવા માટે પાણીમાં પડેલા 35 વર્ષીય વિલાસ સુભાષભાઈ ગાયકવાડ પણ હાલ પાણીમાં લાપતા છે. આ બંને લાપતા યુવાનોની હાલ સઘન શોધખોળ ચાલુ છે. આ સમગ્ર ઘટના અંગે જાણ થતાં જુના સાદુળકા ગામના સરપંચ રાજભા ઝાલા અને સ્થાનિકો પણ ત્યાં દોડી આવ્યા હતા. લાપતા યુવાનોની હાલ સ્થાનિકો અને ફાયર વિભાગ દ્વારા શોધખોળ ચલાવવામાં આવી રહી છે
(9:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
