<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th April 2026

ધ્રાંગધ્રામાં અંધશ્રધ્‍ધામાં ૪ વર્ષના બાળકની હત્‍યા?: પાડોશણે ટાંકામાં નાંખી દીધાની શંકા

ફારૂકભાઇને ચાર દિકરી હતીઃ પાડોશણ રેહાનાબેન પાસે દાણા જોવડાવ્‍યા બાદ દિકરાનો જન્‍મ થયો હતોઃ હવે તેના માટે ઘેટાની બલી ચડાવવી પડશે તેમ કહેતાં ફારૂકભાઇએ મને માતાજી સપનામાં આવીને કહેશે તો જ બલી આપીશ તેવું જણાવ્‍યું: આથી રેહાનાએ તારા દિકરાને કંઇ થાય તો મારી જવાબદારી નહિ તેવી ધમકી દીધી હતીઃ એ પછી બાળકની લાશ ટાંકામાંથી મળી હતી : પંદર દિવસ પહેલા પરિવારે બાળક અકસ્‍માતે ડુબી ગયાનું સમજી દફનવિધી કરી હતીઃ શંકા ઉપજતાં પોલીસને જાણ કરીઃ પાડોશણની પોલીસે પુછતાછ હાથ ધરીઃ મૃતદેહ બહાર કાઢી ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવાયું: તપાસનો ધમધમાટ

રાજકોટ તા. ૧૮: સુરેન્‍દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના પુનિતનગર વિસ્‍તારમાં ૧૫ દિવસ પહેલા ગૂમ થયેલા ૪ વર્ષના બાળકની લાશ પાડોશી મહિલાના પાણીના ટાંકામાંથી મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. જે તે વખતે  આ બાળક રમતાં રમતાં પડી ગયાની શક્‍યતા દાખવી મૃતદેહની અંતિમવિધી કરી નખાઇ હતી. પરંતુ હવે આ બાળકની હત્‍યા પાડોશી મહિલા કે જે દાણા જોવાનું કામ કરે છે તેણે  કરી હોવાનો આક્ષેપ થતાં પોલીસે દફનાવાયેલો મૃતદેહ બહાર કાઢી ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવાયું છે.   બાળકના પિતાએ ઘેટાની બલી ન ચડાવતાં રોષે ભરાઇને મહિલાએ તેના બાળકની હત્‍યા કરી નાંખ્‍યાનો આક્ષેપ થયો હોઇ તપાસ શરૂ થઇ છે.

જાણવા મળ્‍યા મુજબ ધ્રાંગધ્રા પુનિતનગરમાં રહેતાં ફારૂકભાઇ એસવાડીના દિકરા કાર્તિકનું ગત ૨/૪/૨૬ના રોજ પાડોશી રેહાનાબેનના ટાંકામાં પડી જવાથી મોત થયું હતું. તે સમયે શોકમગ્ન પરિવારે કોઈ પણ શંકા વ્‍યક્‍ત કર્યા વગર બાળકની દફનવિધિ પૂર્ણ કરી દીધી હતી. જેમ જેમ દિવસો પસાર થયા તેમ તેમ આ અકસ્‍માત પાછળ કોઈ ગંભીર ગુનો હોવાની આશંકા પ્રબળ બની હતી. આથી પિતાએ પોલીસને જાણ કરી હતી અને પોતાના દિકરાનું મૃત્‍યુ આકસ્‍મિક નહિ પણ હત્‍યા હોવાનુ અને પાડોશી રેહાનાબેન તરફ શંકા દર્શવાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે આ કેસમાં પાડોશી રેહાનાબેન  જે ચાલીસ વર્ષની છે અને દાણા જોવાનું કામ કરે છે તેને સકંજામાં લઇ પુછતાછ શરૂ કરી હતી.

ફારૂકભાઈને ત્‍યાં ચાર દીકરીઓના જન્‍મ બાદ કોઈ પુત્ર નહોતો, ત્‍યારે આ રેહાનાબેન પાસે દાણા જોવડાવતાં તેણે દાણા જોઈને ભવિષ્‍યવાણી કરી હતી કે તેમને ત્‍યાં દીકરાનો જન્‍મ થશે. એ પછી કાર્તિકનો જન્‍મ થયો, જેના કારણે પરિવારનીે શ્રદ્ધા રેહાનાબેન પર વધી ગઇ હતી.  પરંતુ આ શ્રદ્ધા ત્‍યારે અંધશ્રદ્ધામાં ફેરવાઈ જ્‍યારે કાર્તિક ચાર વર્ષનો થયો ત્‍યારે રેહાનાબેને કહ્યું કે અગાઉ નક્કી થયા મુજબ હવે પૂનમના દિવસે તમારે ઘેંટાની બલીઁ ચડાવવી પડશે. જો કે ફારૂકભાઇએ કહ્યું હતું કે હું બલી ચડાવીશ નહિ, જો માતાજી મને સપનામાં આવશે અને કહેશે  તો જ હું બલી ચડાવીશ. આ વાતથી નારાજ થયેલી રેહાનાબેને એવી ધમકી આપી હતી કે જો બલી નહીં ચડે તો દીકરાનો જીવ જોખમમાં મુકાશે. આ ધમકીના થોડા જ સમયમાં કાર્તિકનું રહસ્‍યમય રીતે પાણીના ટાંકામાં ડુબી જવાથી મોત થયું હતું.

આ શંકા પરથી પિતા ફારૂકભાઇએ પોલીસને જાણ કરી હતી. જેના આધારે રેહાનાબેનની પુછતાછ શરૂ કરવામાં આવી છે. બીજી તરફ બાળકનો મૃતદેહ દફનાવી દેવાયો હતો તે બહાર કાઢી ફોરેન્‍સ્‍કિ પોસ્‍ટમોર્ટમ માટે રાજકોટ ખસેડાયો છે.  મૃત્‍યુ પામનાર બાળક ચાર બહેનનો એકનો એક નાનો ભાઇ હતો. પિતા ફારૂકભાઇ કલર કામની મજૂરી કરે છે. આ બનાવે ધ્રાંગધ્રા પંથકમાં ખળભળાટ મચાવી દીધો છે. 

(3:28 PM IST)