<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

જૂનાગઢમાં પૂર્વ કોર્પોરેટર સહિત ૪ શખ્‍સો જાહેરમાં જુગાર રમતા પકડાયા

પોલીસે રોકડ સહિત ૧૧,૨૦૦નો મુદ્દામાલ કબજે કર્યો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૭: જૂનાગઢમાં જાહેરમાં પાટલો માંડીને બેઠેલા પૂર્વ કોર્પોરેટર સહિત ૪ શખ્‍સને પોલીસે જાહેરમાં જુગાર રમતા પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરતા ચકચાર મચી ગઈ હતી.

શહેર એ ડિવિઝનના પીઆઇ એસ. કે. દેસાઈના માર્ગદર્શનમાં પીએસઆઇ વાય. એન. સોલંકી સ્‍ટાફ સાથે મોડી રાત્રે નાઈટ રાઉન્‍ડ પેટ્રોલિંગમાં હતા. ત્‍યારે બાતમી મળી હતી કે, સુખનાથ ચોક પાસે આવ્‍યો ફરજાના હોલની સામે રોડ પર સ્‍ટ્રીટ લાઈટના અજવાળે અમુક ઇસમો જાહેરમાં જુગાર રમી રહ્યાં છે.

આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને જાહેરમાં જુગાર રમી રહેલા જમાલવાડીમાં રહેતા ૬૨ વર્ષીય પૂર્વ કોર્પોરેટર વહાબ રજાકભાઈ કુરેશી, જુની આરટીઓ પાસે રહેતા અલ્‍તાફ યુસુફભાઈ કુરેશી, જમાલ વાડીના રસિયાજખાન નાસીરખાન યુસુફજઈ અને સમીરખાન નાસીર ખાન યુસુફજઈને ઝડપી લઇ રૂપિયા ૧૧,૨૦૦ની રોકડ રકમ કબજે કરી તમામની વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(10:49 AM IST)