<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

જસદણના આલણસાગર તળાવમાં નાહવા ગયેલા 4 બાળકો ડૂબ્યા:બે બાળકોના મૃતદેહ મળ્યાલ:2 બાળકો હજુ પણ ગુમ

કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ઘટના સ્થળે પહોંચ્યા:સરકાર તરફથી થતી તમામ મદદની ખાતરી આપી સાથે જ મૃતક બાળકોના પરિવારને સાંત્વના પાઠવી

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના બાખલવડ ગામેથી અત્યંત કરુણ અને હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. અહીં આવેલા પ્રસિદ્ધ આલણસાગર તળાવમાં નાહવા પડેલા એક જ સમાજના ચાર માસૂમ બાળકો ડૂબી જવાની ઘટના બની છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર જસદણ પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

મળતી માહિતી મુજબ, જસદણ શહેરના મલ સમાજના ચાર બાળકો રવિવારની રજા હોવાથી અથવા ગરમીથી રાહત મેળવવા માટે બાખલવડ પાસેના આલણસાગર તળાવના ઓગણના ભાગે નાહવા માટે ગયા હતા. ઊંડા પાણીનો અંદાજ ન આવતા ચારેય બાળકો એકાએક પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા. બૂમાબૂમ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા પરંતુ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું.

 

 

ઘટનાની જાણ થતા જ જસદણ પોલીસ અને 108ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિક તરવૈયાઓ અને ફાયર બ્રિગેડની મદદથી હાથ ધરાયેલી શોધખોળમાં અત્યાર સુધીમાં 2 બાળકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે અન્ય 2 બાળકો હજુ પણ ગુમ છે. પાણીમાં ડૂબી ગયેલા બાકીના બે માસૂમોને શોધવા માટે યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. જસદણ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ માસૂમ જીવોના અકાળે અવસાનથી મલ સમાજમાં ઘેરા શોકની લાગણી છે.

 

 

જે બાળકોની ડૂબી જવાથી મોત થયું હતું ચારે બાળકોના મોતના સમાચાર સાંભળતા જ  રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને સરકાર તરફથી થતી તમામ મદદની ખાતરી આપી હતી. સાથે જ મૃતક બાળકોના પરિવારને સાંત્વના પાઠવી હતી.

(12:08 AM IST)