તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Tuesday, 30th June 2026
મોરબી જિલ્લાના હળવદમાં વીજ પોલ-વળતર મુદ્દે કલેક્ટર સાથેની બેઠકનો 35 સરપંચો અને ખેડૂતોએ કર્યો બહિષ્કાર, બંધ બારણે મીટિંગનો ઈનકાર : ભાજપ નેતાઓનો ઉધડો લીધો
મામલતદાર કચેરી બહાર ખુલ્લામાં રજૂઆતની માંગ, જેતપુર ઉપવાસ છાવણીની 6 માંગણીઓ સ્વીકારવા આગ્રહ, ખેડૂતોનો આક્ષેપ: 'સરકાર અમને અલગ પાડવાના પ્રયાસ કરે છે', 140-200 ટનના થાંભલા માટે ટન મુજબ વળતર ચૂકવો નહીંતર કાયદેસર કાર્યવાહીની ચીમકી

(દીપક જાની દ્વારા)હળવદ, તા. 30 હળવદ મામલતદાર કચેરી ખાતે 22 ગામના સરપંચો અને ખેડૂતોની કલેક્ટરની અધ્યક્ષતામાં વીજલાઈન અને વળતરના પ્રશ્ને આયોજિત મીટિંગનો ખેડૂતોએ સ્પષ્ટ બહિષ્કાર કર્યો હતો.
મળેલા અહેવાલ મુજબ આ બેઠકમાં 35 જેટલા સરપંચો એકત્રિત થયા હતા, પરંતુ ખેડૂતોએ કલેક્ટર અને પ્રાંત અધિકારી સાથે બંધ બારણે મીટિંગ કરવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો અને કચેરીની બહાર ખુલ્લામાં જ રજૂઆત સાંભળવાની માંગ કરી હતી. ખેડૂત આગેવાનોએ સ્પષ્ટ કર્યું કે તેઓ અલગથી કોઈ મીટિંગ કરવા માંગતા નથી અને છેલ્લા ઘણા દિવસથી જેતપુર ખાતે ખેડૂતો ઉપવાસ પર બેઠા છે, જેથી હળવદ પંથકના તમામ ખેડૂતો તેમજ સરપંચો જેતપુરના ખેડૂતોના સમર્થનમાં છે. સરપંચો અને ખેડૂતોની માંગ છે કે કલેક્ટર જેતપર જાય અને ત્યાંના ખેડૂતોએ સરકારને આપેલી 6 માંગણીઓનો સ્વીકાર કરે. ખેડૂતોએ આક્ષેપ કર્યો કે સરકાર અને અધિકારીઓ ખેડૂતોને અલગ પાડવાના પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ સમગ્ર ગુજરાતના ખેડૂતો એકજૂટ છે. ખેડૂતોએ આક્રોશ ઠાલવતા જણાવ્યું કે આખા ગુજરાતમાં આ કંપની દ્વારા નાખવામાં આવતી વીજલાઈનનું કામ તાત્કાલિક બંધ કરાવવામાં આવે અને ખેડૂતોના ખેતરમાં ઊભા થતા 140 ટન, 180 ટન કે 200 ટનના થાંભલાઓ માટે ટન મુજબ વળતર ચૂકવવું પડશે. ખેડૂતોએ ચીમકી આપી કે જો યોગ્ય વળતર નહિ મળે તો તેઓ પોતાની રીતે કાયદેસરની કાર્યવાહી કે થાંભલા હટાવવાની કામગીરી કરશે. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે ખેડૂતોએ કલેક્ટર સાથેની વાતચીતનો બહિષ્કાર કર્યા બાદ હળવદ ભાજપના નેતાઓ ખેડૂતોને સમજાવવા મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા, પરંતુ રોષે ભરાયેલા ખેડૂતોએ આ નેતાઓનો ઉધડો લીધો હતો.
(3:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
