<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

ચોટીલાના રસ્‍તે ૪૩.પ૦ લાખના ૩૪૮૦૦ બિયરના ટીન જપ્ત

દારૂની હેરાફેરીનો ખેલ રાજકોટ રેન્‍જ ક્રાઇમ ટીમે ઝડપી પાડ્‍યોઃ બુટલેગરોના નેટવર્ક અને પોલીસ બેડામાં ખળભળાટઃ પંજાબથી મોરબી તરફ બિયરનો જથ્‍થો જતો હોવાનું ડ્રાઇવરનું નિવેદનઃ ટ્રક સહિત રૂ. ૫૮.૫૫ લાખના મુદ્દામાલ સાથે રાજસ્‍થાની ચાલકની ધરપકડ

(જીજ્ઞેશ શાહ દ્વારા)  ચોટીલા તા. રપ :..  ચોટીલા પંથકમાંથી પસાર થતા નેશનલ હાઈવે પર દારૂની ગેરકાયદેસર હેરાફેરીનો મોટો પર્દાફાશ રાજકોટ રેન્‍જની ક્રાઇમ ટીમે કરતા બુટલેગર અને પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. ચોટીલાની આણંદપુર ચોકડી પાસેથી રાજસ્‍થાન પાસિંગના એક ટાટા ટ્રક માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના અલગ-અલગ બ્રાન્‍ડના કુલ ૩૪,૮૦૦ બિયરના ટીન (૧,૪૫૦ પેટી) કિંમત રૂ. ૪૩.૫૦ લાખનો જથ્‍થો ઝડપી પાડ્‍યો છે. પોલીસે ટ્રકચાલકની ધરપકડ કરી ટ્રક સહિત કુલ રૂ. ૫૮,૫૫,૩૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.

દેવ દિવાળી ના રોજ રાજકોટ રેન્‍જની ક્રાઈમ ટીમ ચોટીલા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન નાની મોલડી ગામ નજીક બાતમી મળી હતી કે રાજસ્‍થાન પાસિંગનો ટાટા ટ્રક નં. RJ-૧૯-GC-૬૫૭૯માં ભારતીય બનાવટના બિયરના ટીન ભરી લીંબડી તરફથી ચોટીલા થઈ મોરબી તરફ જવાનો છે.

આ બાતમીના આધારે પીએસઆઇ વી સી મીયાત્રા, યોગેન્‍દ્રસિંહ ચુડાસમા, હિતેશભાઈ જોગરાણા, ધર્મેન્‍દ્રસિંહ વાઘેલા, અજયસિંહ ઝાલા, દિલીપસિંહ સિંધવ, રાજુભાઈ પઢેરીયા, સહિતની ટીમે વોચ ગોઠવી હતી. દરમિયાન રાત્રિના આશરે ૨-૪૦ વાગ્‍યે આણંદપુર ચોકડી નજીક શંકાસ્‍પદ ટ્રક પસાર થતા તેને અટકાવી તપાસ કરતાં તાડપત્રી નીચે છુપાવી રાખેલો બિયરના ટીનનો મોટો જથ્‍થો મળી આવ્‍યો હતો.

ટ્રકની તપાસ દરમિયાન ત્રણ અલગ-અલગ બ્રાન્‍ડના બિયરનો જથ્‍થો મળી આવ્‍યો હતો. જેમાં કિંગફિશર સ્‍ટ્રોંગ ક્‍લાસિક પ્રીમિયમ બિયરના ૭૭૦ બોક્‍સ (૧૮,૪૮૦ ટીન), કોપનહેગન ડેનમાર્ક પ્રીમિયમ બિયરના ૫૪૦ બોક્‍સ (૧૨,૯૬૦ ટીન) તથા હેવર્ડ્‍સ ૫૦૦૦ સુપર સ્‍ટ્રોંગ બિયરના ૧૪૦ બોક્‍સ (૩,૩૬૦ ટીન) મળી કુલ ૧,૪૫૦ બોક્‍સ અને ૩૪,૮૦૦ ટીન મળી આવ્‍યા હતા.

પોલીસે ટ્રકચાલક પ્રેમારામ ભવરલાલ ખોડ (જાતે જાટ), રહે. ધાધણીયા-ભાયલા, તા. બાલેશ્વર, જી. જોધપુર, રાજસ્‍થાનની ધરપકડ કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં આ જથ્‍થો પંજાબના લુધિયાણા ટ્રાન્‍સપોર્ટ નગરથી ભરી આપવામાં આવ્‍યો હોવાનું અને શ્રવણ જાટના કહેવાથી મોરબી તરફ લઈ જવામાં આવતો હોવાનું બહાર આવ્‍યું છે. મોરબી પહોંચ્‍યા બાદ જથ્‍થો કોને સોંપવાનો હતો તે અંગે ટ્રકચાલકને જાણ ન હોવાનું તેણે પોલીસ સમક્ષ જણાવ્‍યું હતું.

પોલીસે દારૂના જથ્‍થા ઉપરાંત રૂ. ૧૫ લાખનો ટાટા ટ્રક, મોબાઇલ ફોન, તાડપત્રી અને રસ્‍સી મળી કુલ રૂ. ૫૮,૫૫,૩૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ ગુનામાં શ્રવણ જાટ સહિત અન્‍ય ચાર વ્‍યક્‍તિઓની સંડોવણી અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ અન્‍ય આરોપીઓ પોલીસને હાથ લાગ્‍યા નથી. આ પ્રકરણમાં પ્રોહિબિશન એક્‍ટની કલમ ૬૫(એ)(ઇ) સહિતની કલમો મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

ચોટીલા નેશનલ હાઈવે ઉપર સતત પેટ્રોલીંગ કરતી સ્‍થાનિક પોલીસ વચ્‍ચે રાજકોટ રેન્‍જ ની ક્રાઇમ ટીમે મસમોટો પંજાબ થી મોરબી જતો બીયરના ટીનનો જથ્‍થો ઝડપી પાડતા ખળભળાટ મચી જવા પામેલ છે. તેમજ દારૂબંધી હોવા છતા પંજાબ થી છેક ચોટીલા સુધી જથ્‍થો ટ્રકમાં આવી પહોંચતા બોર્ડરો, ટોલ નાકા અને રાજ્‍યના નેશનલ હાઈવે ઉપર કેવું પેટ્રોલીંગ ચાલતું હશે તે પણ સવાલ ઉદભવે છે.! (તસવીરઃ હેમલ શાહ, ચોટીલા)

(11:56 AM IST)