તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 3rd June 2026
‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ હેઠળ કચ્છમાંથી ૧૨ મહિલાઓ સાથે ૩૪ બાંગ્લાદેશીઓ ઝડપાયાં
પૂર્વ કચ્છ પોલીસે ૨૭ બાંગ્લાદેશી અને પશ્ચિમ કચ્છ પોલીસે ૭ બાંગ્લાદેશી મળી ૩૪ બાંગ્લાદેશી નાગરિકોને ગેરકાયદે વસવાટ બદલ ઝડપી પાડ્યાં: પકડાયેલી મોટાભાગની બાંગ્લાદેશી મહિલાઓ સ્પા કે મસાજ સેન્ટરોમાં કામ કરતી

ગુજરાત પોલીસે રાજ્યભરમાં ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ શરૂ કર્યું છે. અભિયાન હેઠળ ગેરકાયદે વસવાટ કરી રહેલાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને પકડીને પરત તેમના દેશમાં ડીપોર્ટ કરાશે.
આ અભિયાન અંતર્ગત પૂર્વ કચ્છ પોલીસે ૨૭ બાંગ્લાદેશી અને પશ્ચિમ કચ્છ પોલીસે ૭ બાંગ્લાદેશી મળી ૩૪ બાંગ્લાદેશી નાગરિકોને ગેરકાયદે વસવાટ બદલ ઝડપી પાડ્યાં છે.
બંને જિલ્લામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગૃપ સાથે સંબંધિત પોલીસ મથકની જુદી જુદી ટીમોએ વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરી હતી.
પૂર્વ કચ્છમાં પકડાયેલાં ૨૭ બાંગ્લાદેશીઓમાંથી મોટાભાગના અંજાર, આદિપુર અને ગાંધીધામ શહેર આસપાસ સ્થાયી થયેલાં અને લાકડાંના બેન્સો સહિતની ફેક્ટરીઓમાં મજૂરીકામ કરતા હતા.
પકડાયેલાં બાંગ્લાદેશીઓમાં ૩ બાળકો, ૬ સ્ત્રીઓ અને ૧૮ પુરુષોનો સમાવેશ થાય છે. એ જ રીતે, પશ્ચિમ કચ્છમાં પોલીસે કુલ ૮૩ શકમંદોની પૂછપરછ અને તપાસ કરીને તેમાંથી ૭ બાંગ્લાદેશી નાગરિકને ઝડપી પાડ્યાં છે.
પોલીસે માધાપરમાંથી ૩, લોડાઈમાંથી ૨, ખાવડા અને ભુજ શહેરમાંથી ૧-૧ બાંગ્લાદેશી ઝડપ્યાં છે. સાતમાંથી ૬ સ્ત્રી અને ૧ પુરુષ છે.
પકડાયેલી મોટાભાગની બાંગ્લાદેશી મહિલાઓ સ્પા કે મસાજ સેન્ટરોમાં કામ કરતી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
(9:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
