<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

કચ્છના આડેસર ચેક પોસ્ટ પરથી કતલખાને જતા 331 ઘેટા-બકરા બચાવાયા : 2 ટ્રક સહિત 43.34 લાખનો મુદ્દામાલ જપ્ત : ત્રણ આરોપી ઝડપાયા :નવ ફરાર

પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, બોર્ડર રેન્જ ભુજ અને પોલીસ અધિક્ષક સાગર બાગમાર, પૂર્વ કચ્છ ગાંધીધામની સૂચના મુજબ ના.પો.અધિ. સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ કાયૅવાહી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૭ :  પૂર્વ કચ્છના આડેસર ચેક પોસ્ટ પરથી પોલીસે મોટી કાર્યવાહી કરતા કતલખાને લઈ જવાતા 331 અબોલ ઘેટા-બકરાને બચાવી લીધા છે. બે ટ્રકમાં ખીચોખીચ અને ત્રાસદાયક રીતે ભરેલા પશુઓને ઘાસચારા કે પાણીની વ્યવસ્થા વગર ગેરકાયદે લઈ જવામાં આવી રહ્યા હતા.

 

પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, બોર્ડર રેન્જ ભુજ અને પોલીસ અધિક્ષક સાગર બાગમાર, પૂર્વ કચ્છ ગાંધીધામની સૂચના મુજબ ના.પો.અધિ. સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ આડેસર PI જે.બી.આચાર્ય અને સ્ટાફ સ્થાનિક સ્વરાજની ચૂંટણી-2026 અનુસંધાને પેટ્રોલિંગમાં હતા. દરમિયાન મળેલી બાતમીના આધારે આડેસર ચેક પોસ્ટ પર વોચ ગોઠવી ટ્રક નં. GJ-24-X-3514 અને GJ-24-Z-7962 ને રોકી તપાસ કરતા બંનેમાંથી પાસ-પરમીટ વગર ગેરકાયદે હેરાફેરી કરાતા કુલ 331 ઘેટા-બકરા મળી આવ્યા હતા.

 

પોલીસે પશુ પ્રત્યે ઘાતકીપણાના અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બચાવાયેલા તમામ પશુઓને રાપર ખાતે શ્રી જીવદયા મંડળમાં જરૂરી વ્યવસ્થા કરી મોકલી આપવામાં આવ્યા છે.

 

આ કેસમાં રહીમશા જુશબશા ફકીર ઉ.વ. 46 રહે. રાધનપુર, શૈલેષભાઈ વાલાભાઈ રાવળ ઉ.વ. 27 રહે. રાધનપુર અને સુમરાભાઈ હમીરભાઈ મદારી ઉ.વ. 29 રહે. આડેસર તા. રાપર એમ ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે જુલાબ સકુભાઇ મદારી, રાણાભાઈ ભીખાભાઈ મદારી, અલ્તાફખાન બલોચ, લાલમામદ ભાઇખાન બલોચ, અમીનશા, મુસ્તાક, ફકીરમામદ, હુશેનશા અને ઉમરશા સહિત કુલ નવ આરોપી ફરાર છે.

 

પોલીસે 30 લાખની કિંમતના બે ટ્રક, 13.24 લાખની કિંમતના 331 ઘેટા-બકરા અને 10 હજારની કિંમતના બે મોબાઈલ ફોન મળી કુલ 43,34,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કામગીરી PI જે.બી.આચાર્ય સાથે પો.હેડ.કોન્સ. ગાંડાભાઇ અણદાભાઇ, સંજયભાઇ અણદાભાઈ, પો.કોન્સ. જયંતીભાઈ જીવાભાઈ, જેઠાભાઈ લખમણભાઇ સહિતના પોલીસ સ્ટાફે કરી હતી.(તસ્વીર:મુકશ રાજગોર-રાપર)

(3:00 PM IST)