<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th October 2026

જલાની જારની ૩૨૩ વર્ષ જૂની ગરબીમાં સાતમા નોરતે ‘ઈશ્વર વિવાહ’ની પરંપરા ઉજવાઈ: વાજિંત્રો વગર માત્ર નોબતના તાલે પીતાંબર ધારી પુરુષો ગરબે ઘૂમ્યા

જામનગરના ઐતિહાસિક જલાની જાર વિસ્તારમાં ૩૨૩ વર્ષ જૂની ગરબીમાં પીતાંબર-ધોતીયું ધારણ કરી માત્ર નોબતના તાલે ‘ઈશ્વર વિવાહ’ના ગરબા રમ્યા પુરુષો

જામનગર 'છોટી કાશી' તરીકે ઓળખાતા જામનગરમાં નવરાત્રિ મહોત્સવ અનોખી શ્રદ્ધા અને પૌરાણિક પરંપરાઓ સાથે ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. જામનગરના ઐતિહાસિક જલાની જાર વિસ્તારમાં છેલ્લા ૩૨૩ વર્ષથી સતત યોજાતી પ્રાચીન ગરબી આ વર્ષે પણ સમગ્ર પંથકમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. નવરાત્રિના સાતમા નોરતે અહીં વર્ષો જૂની પરંપરા મુજબ અતિ લોકપ્રિય 'ઈશ્વર વિવાહ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
પીતાંબર ધારી પુરુષો અને નોબતનો તાલ:
આ ઈશ્વર વિવાહ પ્રસંગની સૌથી વિશેષ અને નોંધપાત્ર બાબત એ છે કે તેમાં ઢોલ, તબલા, હારમોનિયમ કે અન્ય કોઈ આધુનિક વાજિંત્રોનો ઉપયોગ થતો નથી. પ્રાચીન પરંપરા અનુસાર માત્ર ને માત્ર ‘નોબત’ના તાલે છંદ અને દુહા વડે ઈશ્વર વિવાહ સંપન્ન થાય છે. નાત-જાતના ભેદભાવ વગર પુરુષો કેશરી પીતાંબર, ધોતીયા, ઝભ્ભા અને બંડી જેવા પરંપરાગત વસ્ત્રો ધારણ કરી આસ્થાભેર ઈશ્વર વિવાહના ગાન સાથે ગરબે ઘૂમે છે.
રાત્રિથી વહેલી સવાર સુધી અવિરત ગાન:
મહાકાવ્ય સમાન આ ઈશ્વર વિવાહનું રાત્રિ દરમિયાન ચાર-ચાર વખત ગાન કરવામાં આવે છે. રાત્રે શરૂ થયેલો આ પ્રસંગ વહેલી સવાર સુધી સતત સાડા ત્રણ કલાક જેટલો સમય નોન-સ્ટોપ ચાલે છે. આસો માસની નવરાત્રીના સાતમા નોરતે ઈશ્વર વિવાહ પૂર્ણ થયા બાદ વિજયાદશમી (દશેરા)ની વહેલી સવારે કનકાઈ માતાજીના છંદ અને સ્તુતિ સાથે આ ધાર્મિક મહોત્સવની પૂર્ણાહુતિ થાય છે.
રાજવી પરિવારનો ચાંદીનો ગરબો અને ૯ દુર્ગાની પ્રતિમાઓ:
૩૦૦થી પણ વધુ વર્ષ જૂની આ ગરબીમાં જામનગરના રાજવી જામસાહેબના પરિવાર દ્વારા અર્પણ કરવામાં આવેલો ઐતિહાસિક ચાંદી અને રૂપા જડિત ગરબો આજે પણ આકર્ષણ જમાવે છે. આ સાથે અહીં ૯ દુર્ગાની ચલિત સ્થાપના ધરાવતી વિશેષ અને ભાગ્યે જ જોવા મળતી પૌરાણિક પ્રતિમાઓ પૂજાય છે.
આ પૌરાણિક ઈશ્વર વિવાહ અને ગરબીની ભક્તિમય પરંપરાને નિહાળવા માટે જામનગર શહેર ઉપરાંત દેશ અને વિદેશમાંથી પણ બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. જામનગરના શિવાલયોની જેમ જ જલાની જારની આ પ્રાચીન ગરબી અને ઈશ્વર વિવાહે શહેરને એક અનન્ય ધાર્મિક ગૌરવ અપાવ્યું છે

(7:49 PM IST)