<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th April 2026

દોઢ મહિનાના વેકેશન બાદ ૩૦૦ સિરામિક એકમો ફરી શરૃ, ટાઈલ્સના ભાવમાં આવશે ૪૦%સુધીનો વધારો

આંતરરાષ્ટ્રીય યુદ્ધના કારણે સર્જાયેલી ગેસ કટોકટીને કારણે ઠપ્પ થયેલો ઉદ્યોગ ફરી પાટા પર, ૧ મેથી તમામ ઉદ્યોગો શરૃ થવાના એંધાણ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૨૫ઃઆંતરરાષ્ટ્રીય યુદ્ધના કારણે અગાઉ ગેસનું મોટું સંકટ સર્જાયું હતું, જેને પગલે ગેસના ભાવમાં પણ તોતિંગ વધારો ઝીંકાયો હતો. ગેસના ભાવ આસમાને પહોંચતા મોરબીના મોટાભાગના સિરામિક એકમો ઠપ્પ થઈ ગયા હતા. જોકે, દોઢ મહિનાના લાંબા વેકેશન બાદ હવે મોરબીનો સિરામિક ઉદ્યોગ ફરીથી ધમધમતો થયો છે. હાલ મોરબીમાં ૩૦૦ જેટલા સિરામિક કારખાનાઓ ફરી શરૃ થઈ ગયા છે અને ગેસનો વપરાશ ૩૦ લાખ સુધી પહોંચી ગયો છે. આગામી ૧ તારીખથી મોટાભાગના કારખાનાઓ સંપૂર્ણ ક્ષમતા સાથે ચાલુ થઈ જવાની શક્યતા છે.

સિરામિક એસો.ના પ્રમુખ મનોજભાઈ એરવાડિયાના જણાવ્યા અનુસાર લગ્નગાળાના કારણે વતન ગયેલા મજૂરો ૧૮ થી ૨૦ તારીખ સુધીમાં પરત ફરતા મજૂરોની અછતનો પ્રશ્ન હવે સંપૂર્ણ ઉકેલાઈ ગયો છે. લાંબા સમય સુધી કારખાનાઓ બંધ રહ્યા હોવાથી અને હાલ શોર્ટ સપ્લાયના કારણે બજારમાં સારી ડિમાન્ડ નીકળવાની ઉદ્યોગકારોને આશા છે.

યુદ્ધની પરિસ્થિતિ બાદ ગેસના ભાવ ૪૦ રૃપિયાથી વધીને ૭૩ રૃપિયા થતાં તેમજ ઇમ્પોર્ટેડ અને ડોમેસ્ટિક રો-મટીરીયલ્સના ભાવમાં સતત વધારો થતાં ઉત્પાદન ખર્ચ ખૂબ વધ્યો છે. પરિણામે સિરામિક ઉદ્યોગકારો દ્વારા મજબૂરીવશ ટાઇલ્સના ભાવમાં ૩૫ થી ૪૦ ટકા સુધીનો વધારો કરવામાં આવશે. મોરબીમાં ૨૦ રૃપિયાથી લઈને ૨૫૦ રૃપિયા પ્રતિ ફૂટ સુધીની ટાઇલ્સ બને છે, જેમાં ૨૦ થી ૭૦ રૃપિયા સુધીની કોમોડિટી પ્રોડકટ્સમાં આ ભાવ વધારો મુખ્યત્વે જોવા મળશે.

તેમજ ૧૧૦ રૃપિયાથી લઈને ૨૦૦ રૃપિયા સુધીના બોકસમાં પણ અંદાજિત ૪૦ ટકા સુધીનો વધારો આવશે. સિરામિક એકમોમાં હાલ ગેસ વપરાશ ૩૦ લાખ ક્યુબીક મીટર, મે મહિનામાં ૭૫ લાખ પહોંચવાનો અંદાજ ગુજરાત ગેસના અધિકારી કમલેશ કન્ટેસરિયાએ આપેલી માહિતી મુજબ, ૧ એપ્રિલ આસપાસ માત્ર ૧૦૦ થી ૧૪૦ સેનેટરીવેર કારખાના ચાલુ હતા ત્યારે દૈનિક ૭ થી ૮ લાખ ક્યુબિક મીટર ગેસ વપરાતો હતો.

પરંતુ હવે ૩૦૦ જેટલા એકમો શરૃ થતાં દૈનિક વપરાશ ૨૯ થી ૩૦ લાખ ક્યુબિક મીટર સુધી પહોંચી ગયો છે. આગામી ૧ મે સુધીમાં અંદાજિત ૭૦૦ જેટલા મોટાભાગના કારખાનાઓ શરૃ થવાની શક્યતા છે, જેનાથી ગેસની દૈનિક ડિમાન્ડ ૬૫ થી ૭૫ લાખ ક્યુબિક મીટર સુધી પહોંચવાનો અંદાજ છે. એસોસિએશનની માંગ મુજબ ગેસનો ભાવ હાલ ૭૩ રૃપિયા રાખવામાં આવ્યો છે, જે જૂના અને નવા તમામ ગ્રાહકો માટે એકસમાન રહેશે.

(11:16 AM IST)