<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

બગસરામાં વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ૩૦ ગરીબ સગર્ભા બહેનોને પોષણક્ષમ સુખડીનું વિતરણ કરાયું

હંસાબેન જયંતીભાઈ મહેતાના આર્થિક સહયોગથી આયોજિત કાર્યક્રમમાં બ્રહ્માકુમારી રસીલા દીદીએ સગર્ભા બહેનોને આપ્યું આધ્યાત્મિક અને જીવનઉપયોગી માર્ગદર્શન

બગસરા : વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા સમાજના વંચિત વર્ગોના કલ્યાણ અર્થે માનવતાવાદી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપક્રમે વિચરતી અને વિમુક્ત જાતિના સરાણીયા તેમજ દેવીપૂજક સમાજની ૩૦ જેટલી ગરીબ સગર્ભા બહેનોને સુખડીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

વાપીના જાણીતા દાતા હંસાબેન જયંતીભાઈ મહેતાના આર્થિક સહયોગથી તેમજ શશીકાંતભાઈ દોશીના માર્ગદર્શન હેઠળ આ સુખડી વિતરણ કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ પ્રસંગે બ્રહ્માકુમારી સેન્ટર બગસરાના રસીલા દીદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ઉપસ્થિત સૌ સગર્ભા બહેનોને સુખી અને ઉત્તમ જીવન માટેનું ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તથા માનવ જીવનમાં આધ્યાત્મિકતાના મહત્વ વિશે સરળ શૈલીમાં સમજ આપી હતી.

આ કાર્યક્રમમાં લાભાર્થી ૩૦ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સંસ્થાના આ પોષણક્ષમ કાર્ય બદલ ભારે રાજીપો વ્યક્ત કર્યો હતો. સમગ્ર આયોજન દેવચંદ સાવલિયા અને વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા પરિવારના નેતૃત્વ હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયું હોવાનું કૌશિકભાઈ ચાવડાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે. (અહેવાલ - મુકેશ પંડિત)

(3:35 PM IST)