તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th June 2026
જામનગરમા જર્જરિત બિલ્ડિંગના ડિમોલિશન વખતે છત પડતા ૩ શ્રમિક કાટમાળ નીચે દબાયા
ફાયર અને એસ્ટેટ શાખાની ટીમે કાટમાળ હટાવી ત્રણેયને રેસ્કયુ કર્યાઃ જી.જી. હોસ્પિટલમાં સારવાર ચાલુ, વિસ્તાર કોર્ડન કરાયો

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૮: જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં આવેલા કસ્ટમ હાઉસવાળા વર્ષો જૂના જર્જરિત મકાનને તોડી પાડવાની કામગીરી ચાલી રહી હતી. આજે સવારે ડિમોલિશન દરમિયાન અચાનક છતનો એક ભાગ ધસી પડતા ત્યાં કામ કરતા શ્રમિકો કાટમાળ નીચે દબાઈ ગયા હતા. બનાવ સવારે ૧૦:૩૦ વાગ્યાની આસપાસ બન્યો હતો.
દુર્ઘટનામાં સુનિલ દિનેશભાઈ પરમાર ઉંમર ૨૬, પ્રકાશ જીવાભાઈ ડાભી ઉંમર ૩૬ અને મુન્નાભાઈ જીવાભાઈ ડાભી ઉંમર ૩૮ એમ ત્રણ શ્રમિકો કાટમાળ નીચે દબાયા હતા. બનાવની જાણ થતા જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગ અને ૧૦૮ ઇમરજન્સીની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર જવાનોએ ભારે જહેમત બાદ કાટમાળ હટાવી ત્રણેય શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢયા હતા. સ્થાનિક લોકોએ પણ બચાવ કામગીરીમાં સહયોગ આપ્યો હતો.
પ્રાથમિક સારવાર બાદ ત્રણેય ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલમાં તબીબોની દેખરેખ હેઠળ તેમની સઘન સારવાર ચાલુ છે. જામનગર મહાનગરપાલિકાના સિકયુરિટી ઇન્ચાર્જ અધિકારી અનવર ગજણ અને ધમભા જાડેજા સહિતની ટીમો ઘટનાસ્થળે અને હોસ્પિટલે દોડી ગઈ હતી.
ડિમોલિશનની કામગીરી એક ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટથી સોંપવામાં આવી હતી. કંપનીના ૧૦ માણસો કામ કરી રહ્યા હતા. દુર્ઘટના બાદ એકાએક વરસાદ શરૂ થતા આગળની પાડતોડની કામગીરી અટકાવી દેવામાં આવી છે. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે અને મહાનગરપાલિકાના અધિકારીઓએ વધુ તપાસ હાથ ધરી છે
(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
