News of Thursday, 25th June 2026
ધ્રોલ-લતીપર રોડ ઉપર ર કાર વચ્ચે અકસ્માતમાં ૩ના મોતથી અરેરાટી
રોંગ સાઇડમાં ઓવરટેઇક કરવા જતા અકસ્માત સર્જાયોઃ દ્વારકાથી દર્શન કરીને પરત ફરતા પરિવારને અકસ્માત નડયો

(સંજય ડાંગર-હસમુખરાય કંસારા દ્વારા) ધ્રોલ તા. રપ :.. ધ્રોલ-લતીપર-ટંકારા રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. લતીપર નજીક આવેલી જીવદયા ગૌશાળા નજીક બે ફોરવ્હીલર કાર વચ્ચે થયેલા ભયાનક અકસ્માત માં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા., જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અન્ય એક ને નાની મોટી ઈજા ઓ થવા પામી હતી.
મળતી વિગતો મુજબ, ધ્રોલ-લતીપર રોડ પરથી પસાર થઈ રહેલી અર્ટીકા અને બલેનો કાર વચ્ચે સામસામે અથડાતા અકસ્માત થયો હતો. તેમાં બંને વાહનોનો ભૂકો બોલી ગયો હતો . અકસ્માતને પગલે હાઈવે પર ચીસાચીસ અને બૂમાબૂમ મચી ગઈ હતી, જેને સાંભળીને આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી.
પોલીસ પાસેથી મળતી વિગત મુજબ, મોરબીના લીલાપર રોડ પર રહેતા પરેશભાઇ ભુરાભાઇ બાંભવા અને તેમનો પરિવાર પોતાની બલેનો કાર (નંબર જીજે-૧૦-ડીએન-૦૯૬૩) લઈને દ્વારકા દર્શન કરવા ગયા હતા. ગઈકાલે સાંજે આશરે ૫-૩૦ વાગ્યાની આસપાસ તેઓ દર્શન કરીને મોરબી પરત ફરી રહ્યા હતા, ત્યારે લતીપર ગામથી સહેજ આગળ ટંકારા તરફથી સામેથી આવતી અર્ટીગા કાર (નંબર જીજે-૦૧-આરએકસ-૦૬૭૭) ના ચાલકે આગળ જતાં વાહનને ઓવરટેક કરવા માટે પોતાની ગાડી રોંગ સાઈડમાં પૂરપાટ ઝડપે હંકારી બલેનો કાર સાથે ધડાકાભેર અથડાવી દીધી હતી.
અકસ્માતની તીવ્રતા એટલી વધારે હતી કે વાહનમાં સવાર નીચે મુજબના ત્રણ વ્યક્તિઓએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતોઃ ૧. કાનજીભાઈ રવજીભાઈ વાઘાણી (ઉં.વ. ૨૮, રહે. મોરબી, મૂળ ગામઃ દેવગઢ, તા. માળિયા-મિયાણા)
૨. પૂજાબેન ઉર્ફે જાગુબેન રામગર અપરનાથી (ઉં.વ. ૨૬, રહે. ગામ ચાસલાણા, તા. કલ્યાણપુર)
૩. પૂજાબેન તેજસભાઈ (રેહ. ગામ ચાસલાણા, તા. કલ્યાણપુર)
અકસ્માત બાદ હાઈવે પર ભારે ચીસાચીસ અને બૂમાબૂમ મચી ગઈ હતી. અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને લોકભાગીદારીથી ઈજાગ્રસ્તોને બહાર કાઢવાની કામગીરી કરી હતી. ગંભીર રીતે ઘવાયેલા અન્ય બે લોકોને પ્રાથમિક સારવાર બાદ જામનગરની જી.જી. હોસ્પિટલ ખસેડાયા છે, જ્યારે અન્ય ત્રણને સામાન્ય ઈજાઓ પહોંચી છે.
ઘટનાની જાણ થતાં જ જામનગર ગ્રામ્ય ડીવાયએસપી પિયુષ વાંદા, ધ્રોલ પી.આઈ. એચ.વી. રાઠોડ, ધ્રોલ પી.એસ.આઈ. કુંભાવડીયા સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે લતીપર ટંકારા રોડ પર એકત્ર થયેલા ટોળાને હટાવી અકસ્માતગ્રસ્ત વાહનો રોડ પરથી દૂર કરી ટ્રાફિક હળવો કરાવ્યો હતો.
આ મામલે ધ્રોલ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. જે.એ.દવેની હાજરીમાં ફરિયાદી પરેશભાઇ બાંભવાની ફરિયાદ પરથી પી.એસ.આઈ એમ.એ.કુભારવાડીયાએ અર્ટીકા કારના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે ત્રણેય મળતકોના ધ્રોલ સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ કરુણ ઘટનાને પગલે મળતકોના પરિવારોમાં કાળો કલ્પાંત મચી ગયો છે અને મોરબી તેમજ કલ્યાણપુર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
