<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th June 2026

ખેડાના ગળતેશ્વરમાં ૩ ઇંચ : સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઝાપટા યથાવત

ગુજરાતમાં પ્રિ-મોન્‍સુન એકટીવીટીએ સ્‍પીડ પકડી : ર૪ કલાકમાં પ૧ તાલુકામાં મેઘમહેર : સાર્વત્રિક વરસાદની રાહ જોતા ખેડૂતો

 

રાજકોટ, તા., ર૦: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છ અને ગુજરાતમાં હવે પ્રિ-મોન્‍સુન એકટીવીટીએ સ્‍પીડ પકડી છે. ખેડાના ગળતેશ્વરમાં ૩ ઇંચ વરસાદ પડયો છે. જયારે સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઝાપટા યથાવત છે અને મિશ્ર વાતાવરણનો માહોલ છે.

ટંકારા

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારાઃ ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર આગમન પૂર્વે જ પ્રી-મોન્‍સૂન એક્‍ટિવિટીએ જોર પકડ્‍યું છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન (૧૯ જૂન સવારે ૮ વાગ્‍યાથી ૨૦ જૂન સવારે ૬ વાગ્‍યા સુધીમાં) રાજ્‍યના વાતાવરણમાં પલટો જોવા મળ્‍યો હતો અને મધ્‍ય, ઉત્તર તથા દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સ્‍ટેટ ઇમરજન્‍સી ઓપરેશન સેન્‍ટર (SEOC) ના સત્તાવાર અહેવાલ મુજબ, રાજ્‍યના કુલ ૫૧ તાલુકાઓમાં વરસાદ પડ્‍યો છે.

છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ વરસાદ મધ્‍ય ગુજરાતના ખેડા અને પંચમહાલ જિલ્લામાં નોંધાયો  છે. ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં સૌથી વધુ ૭૪ મિમી (આશરે ૩ ઇંચ જેટલો) વરસાદ ખાબકયો હતો, જેને પગલે નીચાણવાળા વિસ્‍તારોમાં પાણી ભરાયા હતા અને ગરમીથી લોકોને મોટી રાહત મળી હતી.

પંચમહાલ જિલ્લો પણ વરસાદનું મુખ્‍ય કેન્‍દ્ર રહ્યો હતો, જ્‍યાં કાલોલમાં ૬૪ મિમી અને મુખ્‍ય મથક ગોધરામાં ૬૩ મિમી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત છોટાઉદેપુરના બોડેલીમાં ૫૬ મિમી, પંચમહાલના મોરવા હડફમાં ૪૮ મિમી અને ઘોઘંબામાં ૪૩ મિમી વરસાદ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.

અન્‍ય જિલ્લાઓમાં વરસાદની સ્‍થિતિ (મિમી માં):

વડોદરા (ડેસર): ૩૩ મિમી

મહીસાગર (સંતરામપુર): ૩૦ મિમી

અમદાવાદ (ધંધુકા): ૨૮ મિમી     ગાંધીનગર (કલોલ): ૨૭ મિમી

નર્મદા (તિલકવાડા): ૨૫ મિમી       દાહોદ (ફતેપુરા અને દાહોદ): ૨૪ મિમી

એક તરફ જ્‍યાં મધ્‍ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સારો વરસાદ નોંધાયો છે, ત્‍યારે બીજી તરફ સૌરાષ્‍ટ્ર અને કચ્‍છના મોટાભાગના વિસ્‍તારોમાં હજી પણ વરસાદની પ્રતીક્ષા જોવા મળી રહી છે. આ વિસ્‍તારોમાં માત્ર છૂટાછવાયા ઝાપટાં કે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. જો કે, આ વરસાદી માહોલને પગલે સમગ્ર રાજ્‍યમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે અને અસહ્ય ઉકળાટમાંથી નાગરિકોને આંશિક રાહત મળી છે.

જામનગર

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગરઃ મહતમ તાપમાન ૩૬.પ,  લઘુતમ ર૭.પ ડીગ્રી, ભેજ ૭૪ ટકા અને પવનની ઝડપ ૧૧.૯ કી.મી. રહી હતી.

(11:16 AM IST)